Category : Gujarati Poem

સુનો ભાઈ સાધો



જહાં રઘુકુલ રીત ઐસી ચલી આઈ,
પ્રાણ જાએ પર બચન ન જાઈ,
ઇહાં ગપ્પીદાસ હી રામ મંદિર બનાઈ,
અબ ક્યા સોચત હોવે રઘુરાઈ ?!!

જહાં પ્રભુ કિશનજી ને ગીતા હૈ ગાઇ,
જ્ઞાન ભક્તિ કર્મ સબ હી સિખાઈ,
ઇહાં ઉલ્લુ અનપઢ હી અબ રાજ ચલાઈ,
તો કા સિખત હો મહાભારત સે મેરે ભાઈ?!

સચ બાત હૃષી યે ગંવાર સુન નહિ પાઇ,
નાત-જાત ધરમ-કરમકી રુઇ જો કાન લગાઈ,
મૂરખ જાત, અબ જૈસી કરની વૈસી ભરની પાઇ,
ખુદ કછુ કરત ન ચાહી, કાહે કરત રામજી ઉસકી ભલાઈ?



દશેરા નિમિત્તે માજી લંકેશ રાવણનો ખાસ ઇન્ટરવ્યૂ. ( દહન પહેલા. દહન પછી ક્યાં જાય છે એ પંચાતમાં અમે પડતા નથી. ) 😉

પ્ર : આપના દસ માથા છે તો સૌ પ્રથમ આ દેશવાસીઓને એ જાણવાની ખુબ ઉત્સુકતા છે કે આપ દસે માથા માટે અલગ અલગ શેમ્પુ વાપરો છો કે પછી એક જ?

જ : વોટ નૉનસેન્સ. કેમ અક્ષયભાઈ જેવા વાહિયાત પ્રશ્નો પૂછો છો? આ કોઈ તમારા કલાકાર પ્રધાનનો ઇન્ટરવ્યૂ નથી કે કેરી ચૂસીને ખાવી કે કાપીને જેવા સવાલો પૂછીને મારો સમય બગાડો છો. જે પૂછવું હોય તે બેધડક સીધે સીધું પૂછો, દહનનું મુહૂર્ત જાય છે.

પ્ર : સોરી સોરી. ઓકે સીધો સવાલ. રામજી સાથેના સંગ્રામમાં વીરગતિ પામેલા આપના યોદ્ધાઓના ડેથ સર્ટિફિકેટ માં લંકાની સરકારે મૃત્યુનું શું કારણ દર્શાવ્યું હતું?

જ : વેલ, ઓફ કોર્સ, ‘પ્રભુ શ્રીરામજી દ્વારા વીરગતિને પ્રાપ્ત’. જેથી દરેક યોદ્ધાને સ્વર્ગમાં યોગ્ય સ્થાન મળે. જુઓ અમારે તમારી સરકારની જેમ કાંઈ છુપાવવાનું કારણ નહોતું કે નહોતા અમારે દરેકને અમુક રકમ આપવાના વાયદા કરી ડેથ સર્ટિફિકેટ માં અગડંબગડં કારણો આપીને ઉલ્લુ બનાવવાના.

પ્ર : સાંભળ્યું છે કે આપનો પુત્ર ઇંદ્રજીતતો આપ કરતાં પણ પ્રતાપી હતો. તો આવી યુવાપેઢીના ઘડતર પાછળનું કારણ શું?

જ : જુઓ ભાઈ, પહેલાતો એ વાતની ચોખવટ કરી દઉં કે, લંકાની ચારેકોરનો દરિયાકિનારો તો આપડા બાપાનો જ છે એમ સમજીને જો ઈંદ્રજિત કોઈ વિલાસયુક્ત-નૌકામાં ચરસ ગાંજો ફૂંકતો હોત તો, મારા આ શિવજીએ આપેલા ચંદ્રહાસ ખડગથી જ એનું ડોકું…

પ્ર : અરે રાવણભાઇ શાંત થઇ જાઓ નહીંતર દહન પહેલાં જ સળગી જશો.. જસ્ટ કિડિંગ..

જ : હા હા, ઓકે, બેક ટુ ધ પોઇન્ટ. દરેક વ્યક્તિના વિકાસ માટે પહેલાં તો જરૂરી છે કોઈ રોલમૉડેલની. મારા રોલમોડેલ હતા, શિવશંકર. મારા ભાઈઓના પણ તેઓ જ આદર્શ હતા. વિભીષણના તો શ્રીરામ પણ ખરા. મારો પુત્ર પણ મારાથી પ્રેરાઈને પ્રખર શિવભક્ત બનેલો. તમે જ કહો કે જો હું જ માવો મસળતો બાપ હોત તો શું ખાખ મારો પુત્ર મહાદેવને પ્રસન્ન કરી શકત. આ અત્યારના તમારા સો કોલ્ડ સ્ટાર્સ જુઓ. આ હલકટ ખાન ત્રિપુટી શું ત્રિપુરારીની સમકક્ષ આવી શકે? ક્યાં આ નશેડી, બંધાણી, સાયકો, પાગલ, ડિપ્રેસ્ડ પપૂડાઓ અને પપુડીઓ અને ક્યાં કૈલાસનિવાસી પિનાકપાણી અને પાર્વતી.

પ્ર : અંતમાં રામરાજ્ય પર બે બોલ…

જ : જેવા હલકટ રાજકારણીઓ આ દેશ ચલાવે છે અને જેવી નાલાયક નપુંસક જનતાથી આ દેશ ભરેલો છે એ જોતા તો રામરાજ્ય તો દૂર તમે આવતા હજારો યુગો સુધીતો રાવણ રાજ્ય પણ નઈ લાવી શકો. મારી લંકા સમૃદ્ધ, સુસાશિત અને સુવર્ણની હતી. તમારી જેમ ભિખારી, અવ્યવસ્થિત અને ગંદકીથી સૂગ ચડે એવી નહિ. અરે ભાઈ જલદી કરો અને રોકેટ છોડો ને બાળો મને, આ પૃથ્વી પરના નર્ક કરતા તો…..

ત્યાંજ કોઈક રખડતી ગાય મંડપમાં ઘુસી ગઈ અને બે ચાર ને શિંગડે લીધા. દોડાદોડી અને ધમાલમાં દીપપ્રાગટ્ય માટે રાખેલી મીણબત્તી નીચે પડી અને આખો મંડપ સળગ્યો ને ભેગુ રાવણનું પણ દહન થયું. જેના હાથે રાવણ દહન કરવાનું હતું એ મંત્રી આ જોઈને ગિન્નાયા પણ શું કરી શકે. મંત્રીએ કોઈકે આપેલું ફાફડા જલેબીનું છાપાનું પડીકું પણ ત્યાંજ ફેંક્યું. જેવું પડીકું ખુલ્યું કે સમાચાર હતા – “….અધિકારી ગાયો ના પકડવા માટે રૂ. 10,000ની લાંચ લેતા પકડાયા … “. 😉

રાવણનું અટ્ટહાસ્ય … મૂર્ખ મંત્રી, તારી મને બાળવાની હેસિયત નથી… જો હું તો જતાં જતાં પણ પ્રજાને અને બાળકોને આનંદ કરાવતો જાઉં છું…પ્રકાશ ફેલાવતો જાઉં છું… જય શ્રીરામ… 🙂

Category : Geeta Pravachan - Gujarati

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા



આપણા અમૂલ્ય આધ્યાત્મિક જ્ઞાનને ચિંતનશીલ અને મનનશીલ લોકો સમક્ષ મુકવાની ઈચ્છા કેટલાક વર્ષોથી હતી. એ પણ એવી રીતે કે જેથી લોકો તેનો સાચો અર્થ સમજી શકે અને ખરેખર જીવનમાં ઉતારી શકે. આધ્યાત્મિકતાના ઓઠા હેઠળ લોકોને ભ્રમિત કરવાના કથિત સાધુસંતોના સતત પ્રયાસોથી અને ગીતાના નામે ચાલતા ગોરખધંધાથી આપણા અદભુત તત્વજ્ઞાનની છબી એવી ખરડાઈ ગઈ છે કે શું સાચું અને શું ખોટું એ કહેવું સામાન્ય માણસ માટે ખુબજ અઘરું થઇ ગયું છે. 

કોઈ કાંઈ કરતુ નથી એમ કહીને બેસી રહેવાનો મારો સ્વભાવ નથી. એટલે ખોબે ખોબે પણ જેટલી બની શકશે એટલી ગંદકી હું ઉલેચ્યા જ કરીશ. આમાં કોઈ પરમાર્થવૃત્તિ કરતાં તો મારા સ્વાર્થની જ ભાવના છે, કારણ કે જો હું આમ કોઈ પ્રામાણિક પ્રયાસ કરીશ તો જ હું મારા પરમ ગુરુ મહાયોગેશ્વર પૂર્ણપુરષોત્તમ ભગવાન શ્રીકૃષણની સામે આંખોમાં આંખો મિલાવીને જોઈ શકીશ. 

બાકી મારે જે કાંઈ પણ કહેવાનું છે એ આ શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના અભ્યાસ પ્રવચનોની પ્રસ્તાવનામાં કહી જ દીધું છે.

જે મિત્રોએ આ કાર્ય શરુ કરવામાં મદદ કરી છે એમનો ખુબ જ આભારી છું.

જો કોઈને રેકોર્ડિંગ ક્ષેત્રનો અનુભવ હોય તો સલાહ આવકાર્ય છે.

અહીં તો ફક્ત આ એક જ વીડિયોની લિંક મૂકી છે પરંતુ પ્રસ્તાવનાના બીજા વિડિઓ યુટ્યુબ ચેનલ પર છે. અને જેમ જેમ વિડિઓ દર સપ્તાહે ઉમેરાતા જશે એમ એમ એ ચેનલ પર ઉપલબ્ધ થતા જશે.

આ પ્રવચનો પોડકાસ્ટ સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. વિવિધ પોડકાસ્ટ એપ્લિકેશનની લિંક માટે અહીં ક્લિક કરો અને “Where To Listen” હેઠળ જુઓ. એપલ, સપોટીફાય અને ગુગલ પોડકાસ્ટ એપમાં “Shrimad Bhagwad Geeta In Gujarati” સર્ચ કરવાથી પણ એ મળી શકાશે.



Category : Gujarati Poem

અડગ આત્મવિશ્વાસ



વિપરીત પરિસ્થિતિને પછાડીને થા પગભર,
અવરોધોથી જે રૂંધાય, એ તો છે કાયર નર,

અડગ આત્મવિશ્વાસથી આજ એવા ડગ ભર,
જાણે રામ ધનુષમાંથી નીકળ્યું અમોઘ સર,

મંથર ગતિથી તો ચૂકીશ તું મહાનતાના અવસર,
પ્રચંડ વેગ જોઈને તારો કાંપશે દિશાઓ થરથર,

યુવાનને  વળી શું  હોય  કદી  નિષ્ફળતાનો ડર?
વીરને મન તો હર ક્ષણ જાણે પરાક્રમનો અવસર,

ત્યાં સુધી અટકશે નહીં ‘હૃષી’ શબ્દોની આ સફર,
જ્યાં સુધી ન વર્તાય ક્રાંતિકારી વિચારોની અસર.



એક પશુ જ પરિસ્થિતિ સામે લાચાર હોય છે. પરિસ્થિતિ સામે પરવશતા એ સામાન્ય મનુષ્યનું લક્ષણ છે. ખરેખર તો સામાન્ય અને અસામાન્ય વ્યક્તિ વચ્ચે એક જ પગથિયાનું અંતર છે, અને એ પગથિયાનું નામ છે દૃઢ નિશ્ચય. એટલે પ્રશ્ર્ન તો  એ જ છે કે તમારે સામાન્ય જ રહેવું છે કે પોતાનામાં રહેલી વિશિષ્ટ પ્રતિભાને પામવી છે?

પોતાના વિકાસ માટે દૃઢ નિશ્ચય કરવા માટે અને પછી એને એટલી જ મક્ક્મતાથી વળગી રહેવા માટે જરૂરી છે આત્મવિશ્વાસ. અને આત્મવિશ્વાસ આવે છે સ્વયં ને બરાબર ઓળખ્યા પછી, અર્થાત આત્મજ્ઞાન થાય ત્યારે. જયારે તમે તમારી જાતને જાણો છો એ જ ક્ષણે તમે પરિસ્થિતિ જન્ય સુખ-દુઃખ, લાભ-હાનિ અને સરળતા-વિકટતાના દ્વંદ્વથી પર થઇ જાઓ છો. પછી બસ રહે છે માત્ર તમે અને તમારો જ્ઞાન-વિજ્ઞાન, આત્મ-વિકાસ અને સમાજ કલ્યાણ લક્ષી અથાગ પ્રયત્ન. આ જ તો છે ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે ઉપદેશેલો કર્મયોગ. 🙂

કદાચ કોઈના મનમાં પ્રશ્ન થતો હોય કે તો શું ‘રામ રાખે તેમ રહીએ’ એ તત્વજ્ઞાન ખોટું? તો એવા આળસુ મુર્ખાત્માઓને આદર સહીત જણાવવાનું કે એ ભજનમાં મીરાંબાઈ ફક્ત સંજોગો વસાત આવી પડેલ પરિસ્થિતિને આનંદપૂર્વક માણવાનું કહે છે. કારણ કે આપણા હાથમાં ફક્ત પ્રયત્નો જ છે પરિણામ નહિ. પણ એ ભજનમાં કયાંય પણ એવી લીટી નથી કે જે કહેતી હોય કે ‘આજીવન મૂરખના મૂરખ જ રહીએ ઓધવજી… રામમાંથી કોઈ સદ્-ગુણ ના કદી લઈએ… ફક્ત રામ-રામ એમ જીભ જ હલાવતા રહીએ … ‘ 😉

યાદ રાખો, રામ કદી કોઈને નમાલા અને ભિખારી રાખવા માંગતા નથી. લક્ષ્મણ, હનુમાન, સુગ્રીવ, જાંબુવાન, નીલ અને  અંગદ જેવા અગણિત શૂરવીર અને બુદ્ધિશાળી વ્યક્તિઓ એમની આસપાસ જોવા મળશે. એક પણ લલ્લુને લંકા યુદ્ધમાં સાથે રાખ્યો હોય તો બતાવો! રાંક જ રહેવું હોય તો રામ નામ જપવાનું બંધ કરો કારણ કે એ અવધપતિનું અપમાન છે. રામાયણ અને મહાભારતનો એજ ઉપદેશ છે કે, એમાં વર્ણવેલા તેજસ્વી મહાપુરુષોનું આહવાન કરી એવા બનવા પ્રયત્ન કરો તો ઈશ્વર સામેથી તમારા સારથી બનશે. બાકી સદીઓથી મંદિરોના ઘંટ વગાડી વગાડીને સમાજ ઘંટ જેવો તો બની જ ગયો છે. 😉