નદીઓના નીર લૂટતો, ઝરણાંઓના ઝરણ ઝુંટતો,
પારકા પાણીએ થયેલી ગર્વિષ્ટ એની જાત છે,
આમ ચારેકોર બસ દરિયાની દુષ્ટતાની જ વાત છે,
જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,
પણ મને ગમતો આ ઝંઝાવાત છે
પવનના સથવારે તને પાનો ચઢે,
દુષ્ટ દરિયા તું કેમ ના છાનો પડે,
શેનો તને આટલો ઘુઘવાટ છે,
જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,
પણ મને ગમતો આ ઝંઝાવાત છે
ખજાનાતો દિલમાં મારા પણ અમાપ છે,
મોતી થકી જ દરિયામાં પડું, ના એવી કોઈ વાત છે,
બસ તારા વિકરાળ મોજાને મારે આજ દેવી માત છે,
જોઈલે આ ભુજાઓ સામે તારી ભરતીની શી વિસાત છે,
જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,
પણ મને ગમતો આ ઝંઝાવાત છે
લાવ તારા ઊંડાણમાં ઉતરું,
અંધારપટમાં અજવાળા ચીતરું,
આજ તું કેમ છુપાવીશ, વણઉકેલ્યો તારો જે ભાગ છે,
રોકી શકે તો રોક, આજ મેળવવો મારે તારો તાગ છે,
જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,
પણ મને ગમતો આ ઝંઝાવાત છે
કૃષ્ણ જેમ મથુરા મેલી દ્વારકા ગયા,
આટ-આટલી ધરા છોડી વિષ્ણુ ક્ષીરસાગરમાં રહ્યા,
તો આપણે પણ કિનારો શોધવાની ક્યાં વાત છે,
‘હૃષી’, બસ મને ગમતો આ ઝંઝાવાત છે…
મચ્છર મારી મારીને કોઈ મહાન બનતું નથી. વળી, મહાપરાક્રમી બનાવા માટે એટલું જ તપ કરવું પડે છે. વ્યક્તિનો આંતરિક સ્વભાવ, સંસ્કાર અને પોતાની જાતને ઉન્નત કરવા આદરેલા પ્રયત્નોના ફળ સ્વરૂપ જ એની ગતિ હોય છે.
એક સંસ્કૃત સુભાષિત કહે છે કે, જયારે વનમાં અંધારી અને ધોધમાર વરસાદી રાતે ભયંકર વીજળીના કડાકા થાય છે ત્યારે બીકણ શિયાળવા રડતા રડતા ઘરમાં ઘુસી જાય છે. પરંતુ સ્વભાવથી જ વનરાજ એવો સિંહ, જાણે એ વીજળીના કડાકા એને પડકારી રહ્યા હોય એમ, પોતાની ગુફામાંથી બહાર આવીને આકાશ સામે એટલી જ ભયંકર ગર્જના કરે છે.
એ જ રીતે મનુષ્ય સામે સૌથી મોટો પડકાર એના મનને જીતવાનો છે. જે મનને આધીન છે એ હંમેશા ગુલામ છે અને જેણે મનને વશમાં કરી લીધું છે એ સ્વભાવે જ સર્વસ્વનો સ્વામી છે. સમુદ્રના વિકરાળ મોજા જેવા પરિસ્થિતિઓના પડકારો અને પ્રલોભનો મનુષ્યના મનને વિચલિત કર્યાકરે છે. જે આ વિકટ સમુદ્રને પાર કરી શકે છે એ જ ખરેખર કઈંક પામી શકે છે. ઈશ્વર એ કહેવાય છે કે છે સમુદ્રમંથન ( શાસ્ત્રોમાં આવતા આ બધા એક જાતના રૂપકો છે, પણ મૂર્ખ પ્રજા એનો શાબ્દિક અર્થ શોધે છે) અર્થાત પરિસ્થિતિ જન્ય પ્રાપ્ત થતા વિષ અને લક્ષ્મીને સમાનભાવે સ્વીકારે છે અને એમના મન એક રતીભાર પણ ક્ષોભ કે ગર્વ પામતા નથી.
ઇહૈવ તૈર્જિત: સર્ગો યેષાં સામ્યે સ્થિતં મનઃ||
(ગીતા – 5.19)
અર્થાત, જેમનું મન સમભાવમાં સ્થિત છે, તેમણે આ જીવંત અવસ્થામાં જ સમસ્ત સંસાર જીતી લીધો છ…
આ કવિતા આવા જ વિરલ વ્યક્તિઓને સમર્પિત છે જેમને મન પડકારોને પરાસ્ત કરાવવામાં એક મોજ છે. રોતડ અને માયકાંગલા લોકો મને ક્યારેય ગમ્યાં નથી. આવા જ સમુદ્ર જેવા ગહન પણ સાથે સાથે અસ્તિત્વના આનંદની મોજ ના હિલોળા લેતા લોકોનો સંગ જ મને ગમે છે.
જવાની જાણે એક શક્તિ આસમાની…
ગગનમાં ઘૂમતી જાણે ભવાની…