પ્રજાના મસ્તિષ્કમાં રહેલો ખાલી અવકાશ જો,
જ્ઞાન-વિજ્ઞાનનો અહીં આ અવિરત ઉપહાસ જો,
અહંકાર, આડંબર અને અંધત્વનો સહવાસ જો,
પાપીઓના પુણ્ય પામવાના મિથ્થા પ્રયાસ જો,
કથિત ગુરુઓના ભ્રમિત જ્ઞાનનો બકવાસ જો,
ભોટ ભક્તો અને ઘેલા ચેલાઓનો ત્રાસ જો,
સંસ્કાર વિહીન સંસ્કૃતિઓનો થતો હ્રાસ જો,
મનન ચિંતન વિના સત્યનો રૂંધાતો શ્વાસ જો,
ચૈતન્ય વિહીન મનુષ્યની આ સડતી લાશ જો,
પૂનમની રાત્રી પણ કેમ બને અહીં અમાસ જો,
શેનો છે રોષ?, આ સર્વની આંખોમાં રતાશ જો,
આ બધા મૂઢમતિને તું પરાસ્ત અને હતાશ જો,
માનવ મૂર્ખતાનો આખે આખો ઇતિહાસ જો,
આમજનનો આર્તનાદ, રાજાઓનો વિલાસ જો,
ભૂતકાળની ભૂલો માંથી એ શું શીખશે ‘હૃષી’?
અંધશ્રદ્ધા ને ચમત્કાર પરનો એનો વિશ્વાસ જો!
મૂર્ખ લોકોની મેજોરીટી સામે કોઈ વાંધો નથી કારણ કે આમ પણ વિશ્વની 99% વ્યક્તિઓ કોઈ ને કોઈ રીતે મૂર્ખ જ હોય છે. પરંતુ આ દેશમાં તો ઈશ્વરે મૂર્ખતાની લ્હાણી જ કરી છે. પરમેશ્વરે આ ભૂમિની પ્રજાને ભોટ રાખવામાં કોઈ જ કચાશ રાખી નથી.
જો કોઈ માઈનો લાલ કે માઇની લાડી ( સમતા રાખી ઓ.કે. ) ઉપરની બે લીટી વાંચી ને એમ કહે કે આમાં ઈશ્વરનો શો દોષ? દોષ તો આ દેશની દરેક વ્યક્તિનો પોતાનો છે, આ સમાજનો છે અને આ રાષ્ટ્રનો છે. ઈશ્વરે તો બધા ને વત્તે ઓછે અંશે એટલી તો શારીરિક અને માનસિક ક્ષમતા આપી જ છે કે તે ચાહે તો દરેક વ્યક્તિ પોતાની ઉન્નતિ સાધી શકે અને એ રીતે એક સમૃદ્ધ સમાજ અને રાષ્ટ્રનું સંયુક્ત રીતે નિર્માણ કરી શકે. તો તો ધન્ય છે એ વ્યક્તિને. સાચી વાત સમજવા બદલ શત-શત નમન. પરંતુ દુઃખની વાત તો એ છે કે મૂર્ખાઓના આ દેશમાં આવી વ્યક્તિઓ આંગળીના વેઢે ગણાય એટલી જ છે.
સતત બ્રેઈનવોશિંગથી પ્રજા કેવી નમાલી, નપુંસક, દંભી, ભ્રષ્ટ અને અંતે અવિરત દુઃખી કેવી રીતે બને એનું આ દેશ એક તાદૃશ ઉદાહરણ છે. આ જગત તો મિથ્યા છે, સંસાર તો અસાર છે, એક બ્રહ્મ જ સત્ય છે બાકી બધું તો માયા છે વગેરે વગેરે અગડમ-બગડમ રાત-દિવસ લોકોના મનમાં ઠસાવી ઠસાવીને, કહેવાતા વેદાંતીઓ, પ.પૂ.ધ.ધૂ. મહારાજો, સંપ્રદાયો, મઠો, મંડળો, પરિવારો વગેરેના ગરબડ ગુરૂજીઓએ આ દેશની પ્રજાને એક તો સાચા જ્ઞાનથી વંચિત રાખી છે અને ઉપરથી સમાજના ભાગલા પાડીને એને સાવ નિર્બળ બનાવી દીધી છે. ખાડા ના પડે એવા રોડ કે સળગી ના જાય તેવી હોસ્પિટલ બનાવવામાં કે પછી કોઈ પાંચ વર્ષની બાળકીના બળાત્કારીઓને પકડવામાં કે પછી સ્વચ્છ ગામ કે શહેર બનાવવામાં કે સારી શિક્ષણ સંસ્થાઓ બનાવવામાં અહીં કોઈને રુચિ નથી. બસ બધાને મોક્ષ જોઈએ છે અને સ્વર્ગમાં જવું છે. વાસ્તવિકતાથી ભાગેલા બાબાઓ ગુરુ-સેવાથી પુણ્ય કમાવવાની ગોળીઓ લોકોને પીવડાવે જ રાખે છે અને લોકો પણ આવા તીક્ક્ડબાજોના ચરણામૃત પીધે જ રાખે છે. આ દેશમાં ધર્મના નામે નર્યા ધતિંગ જ ચાલે છે. દરેક વાડાવાળો ધીમે ધીમે સિફત પૂર્વક ઈશ્વરને બાજુપર ધકેલીને પોતે પહેલા ગુરુ અને પછી ઈશ્વર બની બેસે છે. બધા ધાર્મિક પુસ્તકોનું પોતાને બંધ બેસતું વિવેચન કરાય છે અને પછી તે જ સાહિત્ય વંચાવાય છે. અન્ય પુસ્તક વાંચવા નિષેદ્ધ હોય છે. બબુચક લોકોને તો તેઓ ક્યારે ઈશ્વરની ભક્તિ કરતા કરતા ગુરુજીની ઘંટડી વગાડતા થઇ જાય છે એની ખબર જ નથી પડતી. પ્રશ્ન પૂછવા પર તો પહેલેથી જ પાબંદી હોય છે. મને તો લાગે છે કે સ્ત્રીઓ વધારે પ્રશ્નો પૂછવાની ટેવ વાળી હોવાથી જ આ ગભરુ ગુરૂજીઓ દૂર ભાગે છે. કારણકે એમને બીક લાગે છે કે આ ચાલાક સ્ત્રી મને મોહિત કરીને મારુ સત્ય બહાર ના પાડી દે.
જયારે 1945 માં જાપાન પર અણુબોમ્બ ફેંકવામાં આવ્યા અને ચારે તરફ તારાજી હતી ત્યારે વહીવટીતંત્ર બધે મદદ માટે પહોંચી શકે તેમ ના હોવાથી, તેમણે અમુક અમુક અંતરે બોક્સ મૂક્યા અને સૂચના લખી કે આ પેટીમાંથી જેને જરૂર હોય તેમણે રકમ લેવી. થોડા દિવસ પછી તપાસ કરતા ખબર પડી કે ઘણી પેટીઓમાં તો મુક્યા હતા તેનાથી વધારે રકમ હતી. કારણ કે લોકો એવું વિચારતા હતા કે મારા કરતા તો બીજાને વધારે જરૂર હશે, તો મારાથી જે આપી શકાય તે મારે આપવું જોઈએ. ભોળા ભાઈઓ અને બહેનો, જત જણાવવાનું કે જાપાનમાં લોકોને સુધારવા રામકથાઓ થતી નથી. અને આ કોઈ હજારો વર્ષ જૂની મનઘડંત વાર્તા નથી પરંતુ દસ્તાવેજી હકીકત છે. આનાથી વિરૃદ્ધ, આપણી મોટાભાગની વિપત્તિઓમાં ચોર અને ભ્રસ્ટાચારીઓને તો મોજ પડે છે. એટલે તો આપણે હજારો વર્ષો જૂની વાર્તાઓ મારી મચડીને કહ્યા કરીએ છીએ કારણ કે વર્તમાન તો બધાને ખબર જ છે.
ગીતામાં ભગવાન શ્રી કૃષણે સ્પષ્ટ કહ્યું છે કે મને જ્ઞાની ભક્ત ગમે છે ( ગીતા 7.17 – હું તમારા ગપ્પીદાસ ગુરુજીની જેમ પુરાવા વગર વાત કરતો નથી). મને ગાંડો, મેલો, મૂર્ખો અને ભ્રષ્ટ ગમે છે તેવું કોઈ શાસ્ત્રમાં પ્રમાણ નથી. પણ ના તો તમારા ગરબડ ગુરુજી ગીતા સમાજે છે ના તો એ એમ ઈચ્છે છે કે તમે ગીતા અને ઉપનિષદો ક્યારેય સમજો કારણ કે એમાં તો પછી ટોળા ભેગા થાય નહિ ને કહેવાતા લંપટ સાધુ સંતોની જમાત ચાલે નહિ. સંન્યાસ શબ્દનો અર્થ થાય છે – ‘જે સારી રીતે સ્થિત છે તે’ ( સ = સારી રીતે , ન્યાસ = નાખવું, મૂકવું, જેમ કે શિલાન્યાસ એટલે શીલા યોગ્ય રીતે મુકાવી ). જે વ્યક્તિ યોગ્ય રીતની માનસિકતામાં સ્થિર હોય તે સંન્યાસી કહેવાય, ભાગેડુ બની અને કોઈ કામ ધંધો કર્યા વગર બીજાના પૈસે અને મહેનતે તાગડધિન્ના કરે એને શું કહેવાય એ મારે અહીંયા લખવું નથી.
આ દેશ દંભી છે એનું કોઈ પ્રમાણ આપવાની જરૂર તો નથી પણ ગમ્મત ખાતર એક વાત કહું. આખા દેશના એકે મંદિર, સંપ્રદાય, મઠ, આશ્રમ કે કોઈ પણ આવી ધર્મના નામે ચાલતી દુકાનની અંદર કે બહાર ક્યાંય પણ મેં આવી સૂચના જોઈ નથી – ‘આ સંસ્થા ભ્રષ્ટાચારથી કે અન્ય અનીતિથી ઉપાર્જિત પૈસાને દાનમાં લેતી નથી. અંધશ્રદ્રાળુઓએ અહીં આવવું નહિ.’ તમે જોઈ હોય તો જરૂર જણાવજો કારણ કે મારો ઈશ્વર તો હંમેશા મારી સાથે જ રહેતો હોવાથી મારે કોઈ આવી દુકાને ઈશ્વર ખરીદી માટે જવાનું થતું નથી એટલે કદાચ મારી ચૂક થતી હોય.
જો તમે આવી કોઈ પણ પ્રવૃત્તિને સીધી કે આડકતરી રીતે પ્રોત્સાહન આપતા હો તો, તમે ગમેતેટલા ડિગ્રીધારી હોવ પણ સાચી વાત તો એ છે કે તમે સાવ ગમાર છો. વત્તા, તમે એક સમાજ દ્રોહી અને રાષ્ટ્ર દ્રોહી પણ છો.
અંતમાં એટલું કહું કે તમારા જેવા બાયલાઓને બચાવવા યુગે યુગે કોઈ આવવાનું નથી. અને જો કદાચ આવે તો પણ એ તો કહેશે કે હું તો નિશસ્ત્ર રહીશ અને ફક્ત માર્ગ બતાવીશ. તો તમારામાંથી કોની અર્જુન બનવાની તાકાત છે. તમે તો આંધળા છો. ધનુષના બદલે તમે તો તમારા ઘંટ ગુરુજીની અથવાતો એવી કોઈ નમાલી વિચારધારાની ધજા પકડી છે. અરે ડોબાઓ ઈશ્વરે તો માર્ગ ક્યારનો બતાવી જ દીધો છે અને એ માર્ગે ચાલીને આ દુનિયાના ઘણા રાષ્ટ્રો સમૃદ્ધ, સ્વચ્છ, શિસ્તબદ્ધ , સ્વમાની અને સબળ બનેલાં જ છે. ઘુવડની જેમ આંખો બંધ રાખીને અહં બ્રહ્માસ્મિ બોલવાથી કઈ ના વળે. વળી જે દેશની પ્રજામાં પાણી હોય છે એ યુગોની રાહ જોયા વગર જરૂર પડે ક્રાંતિ કરે છે અને સમાજના વિકાસ તથા સુખને અવરોધતી સત્તાઓ અને એવી વાંઝણી વિચારધારાઓને ઉખાડીને ફેંકી દે છે.
મહાભારતમાં શ્રી કૃષ્ણે અર્જુનને યુદ્ધ કરવાનું કહ્યું હતું પરંતુ જો તમે અર્જુનની જગ્યાએ હોવ તો તમારા બબુચક બાબા તમને કૈંક આમ કાનમાં કહેશે કે ચાલ ને બેટા મૂક આ સંસાર અને આપણે કોઈ મંદિર, મઠ, સંપ્રદાય કે સંસ્થા ખોલીને ચલમ ફૂંકાતા ફૂંકાતા જલસા કરીશું. આ બધું તો માયા છે. અને મને ખાતરી છે કે તમે ભોળવાઈ જાત. વાત ના ગમી? કેમ તો અત્યારે શું કરો છો?
જે સમાજ નો આદર્શ ભાગેડુ ભિખારીઓ અને ભ્રસ્ટાચારીઓ હોય તેની પાસેથી કોઈ પણ જાતની સ્વમાનની કે સુશિક્ષિત થવાની અપેક્ષા રાખવી વ્યર્થ છે.