સરકાર એક માંદલી ગાય, અધિકારી બધા પાડા જોયા,
સેવાના નામે દેશ લૂંટવા, ઉતરતા મંત્રીઓના ધાડા જોયા,
માતૃભૂમિ વેચી બનાવેલા, મંત્રીના શ્વેત મહેલ જેવા માળા જોયા,
નોટબંધીના ચશ્મા પહેરી, પ્રજાના પરસેવાના ટીપાં કાળા જોયા,
ખાયકીના ખુમચા પર ખટમધુરા ભ્રષ્ટાચારી ભાણા જોયા,
સ્વચ્છ ભારતની વાતો કરતા, મંત્રીઓ બહુ શાણા જોયા,
બીલો બનાવતા બનેવીઓ તો ક્યાંક મંત્રીના સાળા જોયા,
જનસેવામાં નીચ નેતાઓના પ્રત્યક્ષ કૌટુંબિક ફાળા જોયા,
નેતા તો બધા કલાકાર, ને પ્રજામાં બધા અંધ કે કાણા જોયા,
ગામે ગામ ગજાવી ગવાતા, વ્યર્થ વિકાસના ગાણા જોયા,
રસ્તા વચ્ચે ખાડા કે ખાડા વચ્ચે રસ્તા?, ‘હૃષી’ ખબર પડે તો કેજો,
કઈંક ખોદવામાં તો કઈંક પુરવામાં, વેડફાતા અમારા નાણા જોયા,
મનગમતા મૂરખના પગે, અહીં અમે લોક પડેલા આડા જોયા,
નપુંસકોથી શું વળે ‘હૃષી’, ઘેરઘેર બસ ગભરુ કબૂતરોના માળા જોયા.
પ્રજાસત્તાક એટલે કે જ્યાં પ્રજાના હાથમાં સત્તા હોય. પણ અહીં તો પ્રજાના હાથમાં સત્તા નહિ શકોરું છે અને એ પણ કાણું. ( ‘ગ’ વર્ગના ગુજરાતીઓ માટે – શકોરું એટલે તુચ્છ ભિક્ષાપાત્ર )
આજે ફરી એક વાર,
– દેશના વીર જવાનો વાહિયાત રાજનેતાઓને સલામી ભરશે
– વીર ઘોડેસવાર સેનાનીઓ ગધેડાઓની જમાતની આસપાસ ઘૂમશે
– વિદેશી ફટાકડાનું દેશી નામાંકરણ સાથે પ્રદર્શન થશે
– દેશમાટે બેઝિઝક જીવન સમર્પિત કરવા તૈયાર યોદ્ધાઓ, જંગલી અને જડભરતોની જમાત કે જેણે પોતાની જીભ હલાવવા સિવાય કોઈ કામ નથી કર્યું એને સલામી આપશે
– જે દુષ્ટોની દ્રષ્ટિ પણ જો આપણા પવિત્ર રાષ્ટ્રધ્વજ પર પડે તો એમના શીશ ધડથી અલગ થઇ જવા જોઈએ એવા ધૂર્તરાષ્ટ્રો, દુર્યોધનો અને દુઃશાસનો જેવા શેતાનોના હાથે ધ્વજ ફરકાવવામાં આવશે.
– વિકૃત અને ફક્ત વાણીવિલાસમાં રાચતા રાજનૈતિક રાક્ષસો પર વિમાનો દ્વારા પુષ્પવર્ષા થશે
– દેશના નટસમ્રાટો, નીચ વાસ્તવિકતા એવી નાટ્યાત્મકતાથી રજુ કરશે કે જાણે આ નભોમંડળમાં આ જ એક ‘સ્વર્ગાદ અપી ગરિયસી’ હોય
– રાજનેતા રંગલાઓ આ રંગમંચ પર નવા નવા રંગબેરંગી વસ્ત્રપરિધાનોમાં પોતાના કાળા કરતૂતો અજબ રીતે છુપાવી દેશે
– દેશના કહેવાતા સારસ્વતો, બુદ્ધિના બળદોના હાથે પદવીઓ ગ્રહણ કરશે ( કહેવાતા એટલા માટે કે જે કોઈ પણ વ્યક્તિ આવા કુકર્મીઓના હાથે સન્માનિત થવાને પોતાનું સૌભાગ્ય માને છે એને હું નીચલી કોટિના ગણું છું અને આ માં સરસ્વતીની કૃપા સંપદાનું હળહળતું અપમાન છે )
– અને હંમેશની જેમ, આજે પણવ્યંઢળ વસ્તી તાળીઓ પાડતી રહેશે
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલી પહેલી સલાહ છે “કલૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ … ( ગીતા 2.3 )” – હે પાર્થ, તું નપુંસકતાને વશ ન થા …..
કારણકે નિર્ભય વ્યક્તિઓ જ એક શક્તિશાળી અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.
ખસી કરેલા કે ખરીદાયેલા ગાંડાઓનું ગણતંત્ર કેવું હોય?
– જો આ પ્રશ્ર્નનો જવાબ તમને ખબર ન હોય તો તમે એક નંબરના _______ છો
– જવાબ ખબર હોય પણ એને બદલવા તમે કાંઈ કરતા નથી તો ઉપરોક્ત વિશેષણો તમારા જેવા માટે જ છે