સૌરમંડળ જેવા હોય છે સંબંધો,
સૌ પોત-પોતાની ધરી પર ફરવામાં તન્મય છે,
એક ડગલું આગળ ભરો તો બળવાનો,
જો ડગલું પાછળ મુકો તો ઠરી જવાનો ભય છે
સૂર્ય તો છે સ્વયંમાં અચળ,
ગ્રહોની ભ્રમણામાં જ એનો અસ્ત કે ઉદય છે,
હૃષી બુદ્ધિ તો જાણે છે બધું,
પણ લોકોને ગોળ ગોળ ઘુમાવતું તો હૃદય છે
##
બ્રહ્માંડની વિશાળતા છે અપાર,
હર ક્ષણ ક્યાંક સર્જન તો ક્યાંક પ્રલય છે,
મર્મ સમજ્યો એને મળ્યો મંઝિલનો સાર,
જેમાંથી છે ઉદ્દભવ અંતે એમાં જ વિલય છે
બધાની એ જ છે ફરિયાદ,
કે સફર છે લાંબી ને ઓછો સમય છે,
છતાં ઉતાવળનો કોઈ અર્થ નથી હૃષી,
આનંદ એ જ પામે જેનો સર્વ સ્થિતિમાં એક જ લય છે
મનુષ્ય જ નહિ પરંતુ કોઈ પણ જીવના ( પ્રાણી, પક્ષી, જીવજંતુ વગેરે ) અસ્તિત્વનું અભિન્ન અંગ છે ‘સંબંધો’. મનુષ્યની જ વાત કરીએ તો ઘણા જન્મ સાથે જ જોડાયેલા હોય છે ( જેમ કે માતા-પિતા, ભાઈ-બહેન વગેરે ) અને બાકીના સમય સંજોગોને આધારે બનતા હોય છે. શું તમે કહી શકો કે આપણા જીવનમાં સંબંધો વધારે અગત્યના છે કે આપણા અસ્તિત્વ વિશેની સમજણ? બીજા શબ્દોમાં, શું સમજણ પહેલાં કે સંબંધ? સમજણ હોય તો જવાબ સરળ છે નહીંતર એ આવે નહિ ત્યાં સુધી રાહ જોવી પડશે 😉
હવે જો હું એમ પુછું કે શું સમજણ વગર કોઈ સંબંધને જાણી શકે? જો આ સવાલનો જવાબ તમે વિચારી શકો તો કદાચ બધા સંબંધોનું તથ્ય તમને સમજાઈ જશે. જે વ્યક્તિનો માનસિક વિકાસ થયો નથી એવા વ્યક્તિને મન કોઈ પણ સંબંધનું અસ્તિત્વ હોતું નથી. જેમ કોઈ માનસિક રીતે અસ્થિર વ્યક્તિ ગમેતેને ગમેતે કહેશે કે પછી ગમેતેમ વર્તશે. આપણા બધાજ સંબંધોના સ્વાસ્થ્યનો આપણી માનસિક પરિપક્વતા સાથે સીધો સંબંધ છે.
શરીર, મન અને વ્યવસાય સંબંધી તમામ સંબંધો માંથી મળતા સુખ-દુઃખ માટે તમારી સમજણ જવાબદાર છે. કોઈ કહેશે કે, હું તો સમજદાર છું પણ મારી પત્ની કે પતિ જો ના સમજે અને મને દૂખી કરે તો? સૌ પ્રથમ તો આવો સવાલ કોઈ સમજદાર વ્યક્તિ ક્યારેય નહિ પૂછે. કારણ કે જયારે તમે પોતે જ સમજદાર નથી હોતા એવી અવસ્થામાં જ નાસમજ વ્યક્તિ જોડે સંબંધ બાંધો છો. મનોવિજ્ઞાનીઓ ( psychologist ) એને મુગ્ધાવસ્થા કહે છે પણ સ્પષ્ટ શબ્દોમાં એ મુર્ખાવસ્થા છે. 😉
માનસિક પરિપક્વતાની સર્વોચ્ચ અવસ્થા પર કોઈ પણ સાંસારિક સંબંધોનું અસ્તિત્વ નથી. તત્વજ્ઞાન સમજ્યા વગર કોઈ તૂટી પડે એ પહેલાં કહી દઉં કે, ‘અસ્તિત્વ નથી’ એનો મતલબ એ કે સમજણ વગરના માણસો જે રીતે ભય-લોભના સંબંધો રાખે છે એની વાત થાય છે અને નિમ્ન સ્તરના સંસારનો પાયો જ સ્વાર્થ છે. કોઈ અણસમજુ કહેશે કે એવી આસક્તિ વગરની અવસ્થા તો સાવ નીરસ જીવન કહેવાય. હકીકતમાં એ જ અવસ્થા પામ્યાં પછી તમે જીવન નામની અમૂલ્ય ભેટને ખરેખર આનંદ પૂર્વક માણી શકો છો. લોક વ્યવહારની બાલિશતા જયારે સમજાય છે ત્યારે જ જિંદગીના બધા ગમ જતા રહે છે અને ઘર-ઘરની ગમ્મતથી તમે ઉપર ઉઠી જાઓ છો. 🙂
જિંદગી જો એક ટ્રેનની સફર હોય તો, તમે અચાનક જ કોઈ ડબ્બામાં આવી પડ્યા છો. હવે એ તમારા પર છે કે આ સફરને આનંદથી માણવી કે પછી ફરિયાદો કરીને દૂખી થયા કરવું કે, આ મારો ડબ્બો નથી, હું તો ફલાણા વર્ગના ડબ્બાના જ લાયક છું, મારાથી ભિન્ન રંગ, જાતિ, શિક્ષણ કે ધર્મવાળા સહયાત્રીઓ સાથે મને ના ફાવે… જુઓ ભાઈ, જે આ ટ્રેન, રેલવેસ્ટેશન અને સમગ્ર બ્રહ્માંડનો માલિક છે એને બધી જ ખબર છે કે તમે કયા ડબ્બાના લાયક છો. એટલે ખોટી ફરિયાદોમાં ટાઈમ બગાડવો નહિ અને એટલો સમય પોતાની જાતના વિકાસ માટે ફાળવવો, તો કદાચ આગળની કોઈ સફરમાં તમને બીજો ડબ્બો કે બીજા સહયાત્રીઓ કે કોઈ સિનિક રૂટ મળશે. બાકી રડારોળ કરો કે સફરને રંગીન બનાવો, દરેક યાત્રીનું છેલ્લું સ્ટેશન એને ખબર જ છે…તો પછી બાજુવાળા માસીના થેપલા ખાઈને જલસા કરોને મોટાભાઈ. ક્યાં કોઈ ગપ્પીદાસ કજિયારા કાકાઓની વાતોમાં આવીને લેવાદેવા વગરની ધમાલ મચાઓ છો. 😉