ચહેરા પર જેના કોઈ નૂર નથી,
સૌંદર્ય હશે પણ એ હૂર નથી,
સુંદર હશે પણ જો એ શૂર નથી,
ભોટ છે એ નર જે ભરપૂર નથી,
નદી હશે પણ જો કોઈ પૂર નથી,
ઉભરા વગર કોઈ મશહૂર નથી,
પામવો દુષ્કર હશે પણ દૂર નથી,
ઈશ્વર તો પ્રેમ છે, એ નિષ્ઠુર નથી,
કુદરત કાતિલ હશે પણ ક્રૂર નથી,
પાપ-પુણ્યનો એ કોઈ દસ્તૂર નથી,
હૃષીનું જ્ઞાન લેવામાં કોઈ ફિતૂર નથી,
પણ શબ્દો વાંચવા કોઈ મજબૂર નથી.
ફિતૂર – દોષ , રાજદ્રોહ
દસ્તૂર – ધર્મગુરુ , રિવાજ ( પણ આ અર્થ લેવાનો નથી )
લોકો કહે છે કે રામ અયોધ્યા પાછા આવ્યા એની ખુશીમાં અયોધ્યાવાસીઓએ દીપ પ્રગટાવ્યા અને અયોધ્યા જળહળી ઉઠી. એ જ પરંપરા હેઠળ દિવાળી ઉજવાય છે. ઘટના સાચી હશે પણ અર્થઘટન સાથે હું સંમત નથી. મારા મતે તો એમ કહેવું જોઈએ કે રામના આગમનથી અયોધ્યા જળહળી ઉઠી. શું ભલા લખો કરોડો દીવડાઓ સૂર્યનો પથ અજવાળી શકે? ભગવાન રામ એ જ કોટી કોટી સૂર્યોનું તેજ છે. જનસમુદાય ફક્ત એના ગુણ અને ચારિત્રના તેજનું પ્રતિબીંબ જ જો હૃદયમાં ધરે તો પણ રોજ દિવાળી થાય.
જયારે અશોકવાટિકામાં રાવણે સીતાને કહ્યું કે, હું વચન આપું છું કે મંદોદરી સહીત બધી રાણીઓને તારી દાસી બનાવી દઈશ, શરત એ કે તું ફક્ત મારી સામે એક વાર જુવે. જવાબમાં સીતા કહે છે કે,
સુનુ દસમુખ ખદ્યોત પ્રકાસા, કબહું કી નલિની કરઈ બિકાસા … ( રામચરિતમાનસ )
અર્થાત – હે દસાનન, શું કોઈ કમળ ક્યારેય આગિયાના પ્રકાશથી ખીલે છે? (કહેવાનો મતલબ કે કમળ તો ફક્ત સૂર્યપ્રકાશમાં જ ખીલે)
પછી તુલસીદાસજી કહે છે કે..
આપુહિ સુની ખદ્યોત સમ રામહિ ભાનુ સમાન, પરુષ બચન સુની કાઢી અસિ બોલા અતિ ખિસિઆન…
અર્થાત – પછી (સીતાના મોઢે ) પોતાને આગિયો અને રામને સૂર્ય સમાન, જેવા કઠોર વચન સાંભળીને રાવણ તલવાર કાઢીને ખિજાઈને બોલ્યો…
સીતાના ઉત્તરમાં પોતાના પ્રેમી-પતિના સામર્થ્ય અને બીજા અધૂરા વ્યક્તિની ઉણપની સરખામણી કરતો કેવો અદભુત કટાક્ષ છે. Isn’t it so romantic? 😉
બાહ્ય પ્રકાશ અંદરના અંધારાને ભગાડી નથી શકતો. આકર્ષક બનવા માટે પહેલાં તો ભરેલા હોવું જરૂરી છે અને પછી આનંદ માટે ઉભરાતા હોવું જરૂરી છે. અને આ પછી પણ શક્તિ બચી હોય અને રેલાતા રહો તો વિકાસ થાય અને નવી નવી જગાઓ સુધી પહોંચાય. ખાલી લોકો જ બીજાના પ્રેમ, સહારા અને સહાનુભૂતિની અપેક્ષા રાખે છે. જો આ દિવાળીના તહેવારમાં નવા વર્ષે પોતાની જાતને ખરેખર કશાથી ભરવી હોય તો એ ભગવાન શ્રીરામથી વિશેષ શું હોઈ શકે? જો એમ કરી શકો તો પછી પોતાના વ્યક્તિત્વની અધૂરપને ફિલ્ટરવાળી સેલ્ફીઓના લાઈકથી ભરવાનો વ્યર્થ પ્રયત્ન કરવાની, કે પોતાની સત્તા-સંપત્તિથી તમારા જેવાજ બીજા અધૂરા મનુષ્યોને આંજીને સોસીયલ મીડિયામાં વાહવાહીની લાઇક્સની જરૂર નહિ પડે. 😉 😉
જય શ્રીરામ. 🙂