પ્રજા તો ફક્ત કરી રહી છે રાજકારણની વાતો,
સ્વજનોના ઉદ્ધાર ને સ્વપક્ષીના તારણની વાતો,
વિરોઘી મત કે વિપક્ષીઓના મારણની વાતો,
શું કદી એ કરશે અધોગતિના કારણની વાતો?
પ્રજા તેવા જ નેતા, જે કરે ફક્ત વાતો જ વાતો,
આમ જનતાના લલાટે લખી ફક્ત ઠોકરો ને લાતો,
કોઈ આવે ને મારું ભલું કરે એવી કાલીઘેલી વાતો,
મગજ છતાં મૂરખ બનાવામાં એ કેમ નથી શરમાતો?
ચૂંટણીના માહોલમાં ફકત વાતો જ વાતો થવાની છે, તો આ છ-સાત કરોડ ગુજરાતીઓમાંથી ફક્ત છ-સાત ( એસ્ટિમેટ કરતા હકીકતમાં ઓછા પણ હોઈ શકે ) વિચારશીલ વ્યક્તિઓ માટેના વિચારો… 🙂
લોકો કહે છે કે અમુક પ્રદેશની પ્રજા ખૂબ જ બાહોશ અને વ્યાપારી પ્રજા છે. સાચી વાત તો એ છે કે સદીઓમાં એક-બે અપવાદ ( નરસિંહ મહેતા, સ્વામી દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ જેવા ) ને બાદ કરતા મહદ્દઅંશે બાહોશ નહિ પણ ‘બેહોશ’ અને વ્યાપારી નહિ પણ વેશ્યાવૃત્તિ વાળી પ્રજા છે.
બેહોશીનું કારણ એ છે કે એને બે જાતના બકવાસ ક્યારેય હોશમાં આવવા નથી દેતા. એક કથિત ધાર્મિક બાબાઓનો બકવાસ અને બીજો રાજનેતાઓનો બકવાસ. આમ એવું કહેવાય છે કે ગુજરાતી પ્રજા એકના એક આહારથી એક જ દિવસમાં કંટાળી જાય છે. એને નિત નવી નવી ચટાકેદાર વાનગીઓ જોઈએ. પણ ઉપરોક્ત બે બાબતોમાં પ્રજા એના એ જ બેસ્વાદ બકવાસથી ક્યારેય કંટાળતી નથી.
સારો વેપારી એ છે કે જે માલની ખરી કિંમત સમજે અને નફાનો સોદો કરે. પણ અહીં તો પ્રજા ગ્રહોના નડતરની કે બાળકોના ઘડતરની વાત હોય, પૈસાની લેવડદેવડથી બધું નિપટાવી દેવાની કલામાં માહેર છે. આજે ચંબુઓને ચૂંટ્યા પછી ભવિષ્યમાં શું હાલ થવાના છે એના લેખાજોખા કરતા લોકોને આવડતું નથી. પૈસા માટે આ પ્રજા એકબીજાને ઝેર આપવામાં પણ પાછું વળીને જોવે એમ નથી. અતિશયોક્તિ નથી મોટાભાઈ, હકીકત છે. ઉદાહરણ આપું. ખોરાકમાં રસાયણોનું ઝેર, દુષિત પાણીનું ઝરે, ફેફસામાં ઝેરી હવા, વોટ્સએપમાં ઝેરી વિચારો કોણ આપે છે. કોઈ વિદેશી તાકાતનો હાથ નથી એમાં. તમારો જ ભાઈ-બંધુ કે બેન-બેનપણી કાં તો આવી ચીજો બનાવે છે, કાં તો આવી ચીજો બનાવનારા ને વેચનારાને છાવરે છે. એ કેમ આવું કરે છે? પૈસા માટે જ તો ! તો બોલો આ વ્યાપારી પ્રજા થઇ કે….!! 😉
એનીવે, તમે સુધરવાના તો છો નઈ, તો બીજું તો કઈ નઈ પણ મફતમાં કોઈ ને વોટ ના આપતા. અને રોકડા જ લેજો પાછા. જો વાતોમાં આવીને વોટ આપ્યો તો તમે તો પેલી કે પેલા ‘વ્યવસાયી’ લોકો કરતાં પણ મૂરખ ઠરશો. એટલીસ્ટ એ લોકો બદલામાં કઈંક તો મેળવે છે… 😉