વિપરીત પરિસ્થિતિને પછાડીને થા પગભર,
અવરોધોથી જે રૂંધાય, એ તો છે કાયર નર,
અડગ આત્મવિશ્વાસથી આજ એવા ડગ ભર,
જાણે રામ ધનુષમાંથી નીકળ્યું અમોઘ સર,
મંથર ગતિથી તો ચૂકીશ તું મહાનતાના અવસર,
પ્રચંડ વેગ જોઈને તારો કાંપશે દિશાઓ થરથર,
યુવાનને વળી શું હોય કદી નિષ્ફળતાનો ડર?
વીરને મન તો હર ક્ષણ જાણે પરાક્રમનો અવસર,
ત્યાં સુધી અટકશે નહીં ‘હૃષી’ શબ્દોની આ સફર,
જ્યાં સુધી ન વર્તાય ક્રાંતિકારી વિચારોની અસર.
એક પશુ જ પરિસ્થિતિ સામે લાચાર હોય છે. પરિસ્થિતિ સામે પરવશતા એ સામાન્ય મનુષ્યનું લક્ષણ છે. ખરેખર તો સામાન્ય અને અસામાન્ય વ્યક્તિ વચ્ચે એક જ પગથિયાનું અંતર છે, અને એ પગથિયાનું નામ છે દૃઢ નિશ્ચય. એટલે પ્રશ્ર્ન તો એ જ છે કે તમારે સામાન્ય જ રહેવું છે કે પોતાનામાં રહેલી વિશિષ્ટ પ્રતિભાને પામવી છે?
પોતાના વિકાસ માટે દૃઢ નિશ્ચય કરવા માટે અને પછી એને એટલી જ મક્ક્મતાથી વળગી રહેવા માટે જરૂરી છે આત્મવિશ્વાસ. અને આત્મવિશ્વાસ આવે છે સ્વયં ને બરાબર ઓળખ્યા પછી, અર્થાત આત્મજ્ઞાન થાય ત્યારે. જયારે તમે તમારી જાતને જાણો છો એ જ ક્ષણે તમે પરિસ્થિતિ જન્ય સુખ-દુઃખ, લાભ-હાનિ અને સરળતા-વિકટતાના દ્વંદ્વથી પર થઇ જાઓ છો. પછી બસ રહે છે માત્ર તમે અને તમારો જ્ઞાન-વિજ્ઞાન, આત્મ-વિકાસ અને સમાજ કલ્યાણ લક્ષી અથાગ પ્રયત્ન. આ જ તો છે ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે ઉપદેશેલો કર્મયોગ. 🙂
કદાચ કોઈના મનમાં પ્રશ્ન થતો હોય કે તો શું ‘રામ રાખે તેમ રહીએ’ એ તત્વજ્ઞાન ખોટું? તો એવા આળસુ મુર્ખાત્માઓને આદર સહીત જણાવવાનું કે એ ભજનમાં મીરાંબાઈ ફક્ત સંજોગો વસાત આવી પડેલ પરિસ્થિતિને આનંદપૂર્વક માણવાનું કહે છે. કારણ કે આપણા હાથમાં ફક્ત પ્રયત્નો જ છે પરિણામ નહિ. પણ એ ભજનમાં કયાંય પણ એવી લીટી નથી કે જે કહેતી હોય કે ‘આજીવન મૂરખના મૂરખ જ રહીએ ઓધવજી… રામમાંથી કોઈ સદ્-ગુણ ના કદી લઈએ… ફક્ત રામ-રામ એમ જીભ જ હલાવતા રહીએ … ‘ 😉
યાદ રાખો, રામ કદી કોઈને નમાલા અને ભિખારી રાખવા માંગતા નથી. લક્ષ્મણ, હનુમાન, સુગ્રીવ, જાંબુવાન, નીલ અને અંગદ જેવા અગણિત શૂરવીર અને બુદ્ધિશાળી વ્યક્તિઓ એમની આસપાસ જોવા મળશે. એક પણ લલ્લુને લંકા યુદ્ધમાં સાથે રાખ્યો હોય તો બતાવો! રાંક જ રહેવું હોય તો રામ નામ જપવાનું બંધ કરો કારણ કે એ અવધપતિનું અપમાન છે. રામાયણ અને મહાભારતનો એજ ઉપદેશ છે કે, એમાં વર્ણવેલા તેજસ્વી મહાપુરુષોનું આહવાન કરી એવા બનવા પ્રયત્ન કરો તો ઈશ્વર સામેથી તમારા સારથી બનશે. બાકી સદીઓથી મંદિરોના ઘંટ વગાડી વગાડીને સમાજ ઘંટ જેવો તો બની જ ગયો છે. 😉