Category : Uncategorized

ચોર બાવાના બોર



હૃષી’ વાણી કહે છે કે બોલે એના બોર વેચાય,
જે રળે એમાંથી અડધા સાધુ સંતો લઇ જાય,
મહેનત જે કરે એ તો કામી ને લોભી કહેવાય,
જે બાવા બેઠા બેઠા ખાય તે જ અહીં પૂજાય.



ગંગાસતી કહે છે…

ભાઈ રે! અજડ અવિવેકી ગુરુથી વિમુખ રહેવું,
જેને રહેણી નહિ લગાર,
વચનલંપટ ને વિષય ભરેલા રે,
એવાની સાથે મેળવવો નહિ તાર રે…

અજડ = ચેતના વગરના, જડ અને વિવિક વગરના

ઘણા ગધેડાઓ કબીરનો આ દોહો,

ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય.

ટાંકીને કહે છે કે ગુરુ તો…. વગેરે વગેરે. ચેલા તો ઠીક ગુરુઓ પોતે જ પોતાના માટે આવી વાતો કરે એ લાલબત્તી છે.

પણ આ ડફોળશંકરો કબીરની બીજી વાતો ભુલી જાય છે જ્યાં કબીરજીએ મૂર્ખ ગુરુઓને પથ્થરની નૌકા સાથે સરખાવ્યા છે. કે જો આવા ઘંટ ગુરુના ભક્ત બન્યા તો એ તો ડૂબશે, તમને પણ ડુબાડશે.

વ્યક્તિપૂજા આ દેશનું એટલું મોટું દુષણ છે કે વાત શું કરવી. ઘણાં કહેશે કે અમે તો ભોળા અબુધ બાળક છીએ તો કેમ કરી સમજીએ કે આ સાચા ગુરુ છે કે ખોટા. આવા બાળબુદ્ધિઓ માટે એક સરળ ઉપાય એ છે કે, જો કોઈ ગુરુ પોતાની હયાતીમાં જ પોતાના ફોટાને ઈશ્વરની જગાએ કે આજુબાજુમાં – એક લાખ કિલોમીટર ના અંતરમાં – મુકવાની મૂક મંજૂરી આપે તો સમજવું કે આ પથ્થરની નૌકા છે મોટાભાઈ ( અને ખાસ કરીને મોટી-બહેનો માટે ). બીજો ટેસ્ટ એ છે કે, જ્યાં પૂજા, વિધિ, ભોજન-પ્રસાદ, દર્શન, વ્યવસ્થા વગેરેમાં માલ પ્રમાણે ભાવ હોય એ ગુરુ નહિ પણ દલાલ છે મોટાભાઈ ( અગેઇન – મોટી-બહેનો ખાસ ધ્યાન આપે અને મોટા થયેલા ભાઈઓને એવા લંપટોના દર્શન માટે ઢસડી જવાની જરૂર નથી ). અને જે ગુરુ તમને અવગણે કે ના જોવાના ધતિંગ કરે, મોટી-બહેનો  આમાંતો ફક્ત તમારી જ વાત થાય છે, ( કારણ કે મોટાભાઈ ને તો હવે કોઈ ભાઈ કે બેન આમેય જોતા નથી ) એમની પાસે તમારે મેનકા બનીને તપોભંગ માટે જવાની જરૂર નથી. એ તો વાંસળી વગાડે રાખશે ( અર્થાત ગુરુ ‘સેવા’ નો મહિમા ગાયે રાખશે ) પણ આપણે ગોપી બનીને જવાની કોઈ જ જરૂર નથી.

છતાંય મને ખાતરી છે કે મોટાભાઈ તો કદાચ મારી વાત માનશે પણ…. મીરાંઓ તો મગન બની ગમન કરવાંની જ … ગમનમ અધૂરં …. મૂર્ખાધીપત્ને મગજમ અધૂરં…

પૂજા કે સેવા જ કરાવી હોય તો મા-બાપની કરો. એટ લિસ્ટ એ કોઈ બળાત્કારી કે તમારા ગુરુ જેટલા તો દંભી નહિ જ હોય. 

લંપટ સાધુ સંતો પર આ પુણ્ય-પ્રકોપ એટલા માટે કે તાજેતરમાં જ એક સાધુ પર બળાત્કારનો આરોપ મુકાયો છે અને આવી ઘટનાઓ વારતહેવારે બનતી રહે છે. હું પોતે કોઈ એવો ગુણી, સજ્જન કે સંત નથી. પણ મારે રોષની લાગણીને વાચા આપવી હતી એટલે આ બે-ચાર જોડકણાઓ છાપી માર્યા છે. ઈશ્વર સૌને સદબુદ્ધિ આપે ( પણ શરૂઆત મારા જેવા અધમથી કરે કે જે ક્યારેક આવેશમાં ગમે તેવા શબ્દો ઉચ્ચારી બેસે છે ) એવી પ્રાર્થના.