Category : Gujarati Poem

Impotent Society



નાન્યતર
————————————————————————


નપુંસકોના ગામમાં નરાધમોના ટોળા,
સાચી વાત કરો તો કાઢે મોટા ડોળા,

પ્રજામાં તો ભાઈ કોઈ પાણી નથી,
બબૂચકો છે બધા અહીં બહુ ભોળા,

ચટાકેદાર ચર્ચામાં ગજાવતા સહુ ચોરા,
પણ સત્ય સમજવામાં પડતા બહુ મોળા,

પિંડ જેનો પેદા જ થયો પાણીપોચો,
કેમ કરી એને લપટે ક્રાંતિ જ્વાળા,

પાપીના તો પ્રજા ગાતી પ્રશસ્તિ ગાણા,
શુભ્ર વસ્ત્ર સજ્જ જેના કામ બધા કાળા,

સત્ય ને જ્ઞાનનો સ્પર્શ તો શક્ય નથી,
જેના મગજ પર બાજ્યાં કુમતિના જાળા,

નદીના  નામે  આતો સાવ નિર્જિવ નાળા,
બારદાનોની બુદ્ધિ પર લાગ્યા મોટા તાળા,

‘હૃષી’, શબ્દો ભલે  આપના અગનગોળા,
પણ લોક હજી ઝૂલે છે બાળબુદ્ધિ હિંડોળા.



ચાઈના બોયકોટની વાત પરથી યાદ આવ્યું કે જે આપણી આંતરિક સમસ્યાઓ છે – અશિક્ષણ/નિરક્ષરતા, ગરીબી, બેરોજગારી, અસ્વચ્છતા, ભૂખમરો, ભ્રસ્ટાચાર, જાતિવાદ, ધર્માંધતા વગેરે વગેરે – એ આપણે જો ફકત આપણી મૂર્ખતાને જ પ્રથમ બોયકોટ ( અર્થાત તિલાંજલિ આપીએ  ) કરીએ તો સરળતાથી નાબૂદ કરી શકીએ. પછી કોઈ બહારની વ્યક્તિ કે સંસ્થા કે દેશ તમારું કંઈ બગાડી નહિ શકે. પણ સાચી વાત તો એ છે કે આ દેશના લોકોની ફક્ત એક જ જાતિ છે અને તે છે નાન્યતર જાતિ – અર્થાત નપુંસક જાતિ,શારીરિક રીતે નહિ પરંતુ વૈચારિક અને માનસિક રીતે.

બીજી સાચી વાત એ છે કે તમે કોઈનું કશું બગાડી શકવાના નથી. કારણકે તમારા ચૂંટેલા રાજનેતાઓ ફક્ત જડબું જ હલાવી જાણે છે, જડબાતોડ જવાબ આપવાની એમની કોઈ હેસિયત કે ઈચ્છા પણ નથી. જવાબ તો તમે નેપાળ કે બાંગ્લાદેશને પણ નથી આપી શક્યા તો ચીનની તો વાત જ અલગ છે. સૈન્ય શક્તિની આમાં વાત નથી, વાત છે એક સ્વમાનીપણાની અને આત્મગૌરવની, જે લંપટ, લોભી, અહંકારી રાજનેતાઓ અને ભોટ પ્રજા પાસેથી ક્વચિત અપેક્ષિત નથી.

જો આ જન્મભૂમિ તમારી માતા કહેવાતી હોય, તો જે ભ્રસ્ટાચારી છે એ શું કહેવાય? જે તમારી માં સાથે ચેંડા કરે છે અને એ જ નરાધમોને તમે ફરી ફરી ને માથે બેસાડો છો તો એમાં તમારી હીન માનસિકતા તથા કોઈને પણ તમારી માં ની આબરૂ સાથે અશિષ્ઠ વ્યવહાર કરવા દેવાનું તમારું નપુંસકપણું જ વિદિત થાય છે.

તમને ફક્ત સરકસ પસંદ છે અને તમારા લૂંટારા ( આબરૂ તથા સંપત્તિ બંન્ને ) રાજનેતાઓ તમને એજ આપે છે.

કોની સાથે તમારી સરખામણી થાય છે અને તમે કોને તમારો પ્રતિદ્વંદી ગણો છો એના પરથી પણ તમારા માનસિક વ્યક્તિત્વનું માપ મળે છે. જે સિંહ સમા પરાક્રમ વાળો હોય એ બીજા કોઈ મદમસ્ત ગજરાજ સાથે જ હોડમાં ઉતરે છે અને પોતાનું બળ અને પરાક્રમ સાબિત કરે છે. પાકિસ્તાન જેવા સાવ કંગાળ ભૂખ્યા અને પીડિત શ્વાન ને લાકડી મારીને તો કોઈ પણ અશક્ત મરણાસન્ન ડોસો પણ ભગાડી શકે. માટે હીન માનસિકતા માંથી બહાર આવો અને પોતાનું પૌરુષ બતાવો (જો હોય તો).

ક્રાંતિવાન, સ્વનિર્ભર, સ્વમાની અને શશક્ત બનવા માટે તો શિક્ષણ મેળવવું પડે, સતત અભ્યાસ કરવો પડે, નવા નવા વિચારો જાણવા અને સમજવા પડે, ઘંટ જેવા ધર્મગુરુઓને ત્યજવા પડે અને ભગવાન શ્રીકૃષ્ણ જેવા પૂર્ણ પુરષોત્તમ પાસેથી ગીતાજ્ઞાન મેળવવું પડે, ભ્રષ્ટ રાજનેતાઓના હાડકા ભાંગવા પડે, નાત જાત ના ખોટા ભેદભાવો ભૂલવા પડે. પણ આ બધું તો જે રીતે તમે WhatsApp માંથી જ્ઞાન મેળવીને અને બે ચાર સેલ્ફી મૂકીને સંતોષ માનો છો એ જોતા ઘણું જ કઠિન અને મહદંશે તો અશક્ય જ લાગે છે. તમારી WhatsApp માં વહીયાત ફોરવર્ડ કરવા સિવાય કોઈ ક્ષમતા નથી. જે પ્રજાનો માનસિક આહાર જ વાહિયાત WhatsApp વિષ્ઠા (મળ) છે, એનું માનસિક ઘડતર કોઈ ઉકરડા જેવું હોય એમાં કોઈ નવાઈ નથી. જેમ કોઈ ડુક્કર ફક્ત ગંદકીમાં જ આળોટવાનું પસંદ કરશે એમ આ પ્રજા ઉતારતી કક્ષાના આનંદમાં જ રાચવામાં માને છે.

મને પણ ખબર છે કે તમે કંઈ એમ સુધારવાના નથી. આ તો ફક્ત એટલા માટે કીધું કે ભવિષ્યમાં કોઈ પૂછે કે શું આ દેશમાં બધા ડોબા હતા, ત્યારે પુરાવા સાથે કહી શકું કે મેં તો જ્ઞાનની વાત કરી પણ હતી અને હું એ માર્ગ પર એકલપંડે ચાલુ પણ છું, માટે જા પૂછ તારા નમાલા પરિવારને કે જેણે તને સાચી વૈચારિક કેળવણી નથી આપી અને એક એવા સમાજને તારો પરિવાર છાવરતો રહ્યો છે કે જે રાષ્ટ્રવિરોધી, ભ્રષ્ટ, દંભી અને માયકાંગલો છે.

“ના મુન્ના ના, યે તુમસે ના હો પાયેગા, તુમ્હારે લક્ષણ હમે તો બિલકુલ ઠીક નહિ લગ રહે હૈ. બેટે જાઓ જાકે ટિક્ટોક બનાઓ ઔર ફિર દેખના કુછ સાલ બાદ એ દુનિયા આપકા કૈસા ડિન્ગડોન્ગ બજાતી હૈ.”

રહી વાત ચાઇના બોયકોટ ની, તો પપ્પુ પ્રજાનો આ ઉન્માદ પણ શીઘ્રપતનની જેમ ઓસરી જશે. વરસાદ પડે કે જેમ લોકોને રસ્તા પરના ખાડા યાદ આવે છે એવી જ આ વાત છે. હજી સુધી તો તમે આ તમારા ખાડા પડેલા મગજ જેવા રોડ બનાવનારનું કઈ ઉખાડી શક્યા નથી ને વાતો તો મોટી મોટી દેશપ્રેમ અને બહાદુરીની કરો છો. ચોમાસુ બેસી ગયું છે મોટાભાઈ જો રોડ પરના ખાડા માટે દર સાલની જેમ આ સાલ પણ રોદણાં રોવાનું ચાલુ કરવું હોય તો કરી દેજો. કંઈ ભાન છે કે કેટલા વરસથી આમ નપુંસકની જેમ રોકકળ કરોછો? વાયરસ થી મર્યા એના કરતા વધુ તો લોકો આ રોડ પરના ખાડામાં પડીને ઉકલી જાય છે પણ છેલ્લા કેટલાય વરસોથી તમારા વિસ્તારના મંત્રીશ્રી તો બદલાયા નથી લગતા, સાચી વાત કે ખોટી વાત? શું બોયકોટ કરવું અને ક્યારે કરવું એનું ડોબાઓને સાચેજ કંઈ ભાન નથી.

આ બાળબુદ્દિઓને તો હજી પણ એ ખબર નથી પડી કે સોશ્યલમીડિયામાં DP અને સ્ટેટ્સ બદલવાથી કંઈ દેશ નથી બદલાતો, કે પછી કેન્ડલમાર્ચ કાઢવાથી કંઈ કળિયુગ જતો નથી રહેતો. દેશના સ્વાભિમાની ઉજ્જવળ ભવિષ્ય માટે વિવેક બુદ્ધિ અને જરૂર પડે તો બાહુબળ પણ બતાવવાની ખુમારી અને તાકાત જોઈએ, જે માટે તમે નપુંસકો બિલકુલ સક્ષમ નથી.

માં સરસ્વતી આ ડોબાઓને સદ્દબુદ્દિ આપે એવી પ્રાર્થના.