Category : Gujarati Poem

Diwali



દિવાળી


મેં પૂછ્યું કે આ દેશમાં  આજ રાત કેમ આટલી કાળી છે,
લોકો કહે,  શું વાત કરો છો,  આજ તો અહીં દિવાળી છે!
એ ચમનનું ભવિષ્ય તો ક્યાંથી ઉજ્જવળ હોઈ શકે ‘હૃષી’,
દંભી, બેશરમ, ભ્રષ્ટાચારી ને ચોરલૂંટારા જ જેના માળી છે.



આમતો કળિયુગમાં જુઠ્ઠું જ બોલવાનો રિવાજ છે. તહેવારના દિવસોમાંતો ખાસ. ખોટા અભિનંદન ને ખોટી પૂજાઓ. નવા વરસના પ્રથમ દિવસે ઈશ્વર દર્શન અને પછી આખું વરસ પોતાની પિશાચી વૃત્તિઓનું પ્રદર્શન. એટલે ખોટું ખોટું અને ગળ્યું ગળ્યું બોલવામાં કોઈ વાંધો તો નહોતો પણ એક વડીલ તરીકે એવું લાગે કે બાળકોને સાચી વાત તો કહેવી જ જોઈએ. 😉

દિવાળી ભગવાન શ્રીરામના અયોધ્યા પુનરાગમનનો જ તહેવાર હોવાથી રામાયણની જ વાત કરીએ.

રાવણને આવનારા વિનાશ અને સંકટ માટે એક વિભીષણ સિવાય કોઈ પણ સભાસદે સાચી વાત કહેવાની હિંમત કરી નહોતી. જયારે શ્રીરામની સેનાએ સમુદ્ર ઓળંગી લીધો ત્યારે રાવણે સભા બોલાવીને પૂછ્યું કે બધા સચિવો પોતાનો ઉચિત મત આપો. આ સાંભળીને બધા સચિવો હસવા લાગ્યા અને શ્રીરામની મજાક કરવા લાગ્યા. બધાએ કહ્યું કે જયારે આપણે બધા દેવો અને દાનવોને હરાવ્યા ત્યારે પણ કોઈ તકલીફ નહોતી પડી તો પછી એક મનુષ્ય સાથે યુદ્ધ કરવું એ ક્યાં મોટી વાત છે.

એ સભાના વર્ણન પછી રામચરિતમાનસમાં તુલસીદાસ કહે છે કે,

સચિવ બૈદ ગુરુ તીનિ જોં પ્રિય બોલહિં ભય આસ |
રાજ ધર્મ તન તીનિ કર હોઈ બગીહી નાસ ||

( સુંદરકાંડ, દોહા – 37 )

અર્થાત, સચિવ, વૈદ્ય અને ગુરુ, એ ત્રણ જો તમારા ભયથી સાચું નહિ કહે તો સમજીલો કે રાજ્ય, શરીર અને ધર્મ એ ત્રણેનો વિનાશ નક્કી છે.

પણ એટલું યાદ રાખજો કે સાચું કહેવામાં મારું કર્તવ્ય પૂર્ણ થયું છે, તમારું એ સત્યને જાણેને એનું અનુસરણ કર્યા પછી થશે. ચોલો જોઈએ કે આ વર્ષે કોણ દિવાની જેમ ઝળહળે છે, કોણ બૉમ્બ બની ફૂટે છે અને કોનું સુરસુરીયુ થાય છે. 😉