પૂછ્યું જો ઈશ્વરને કે તું જો હોય તો પુરાવો આપ,
બોલ્યા પ્રભુ, હે વત્સ પહેલાં તું તારું કદ તો માપ,
ગોખ અને ચોકના નામે મને તું કોઈ હદ ના આપ,
મૂર્ખ, ક્યારે સમજાશે તને કે મારો વ્યાપ છે અમાપ!
ભલે મેં કહ્યું કે મારો અંશ છે તું, પણ સ્વતંત્ર છે તું,
હું નથી તારો મદારી અને તું કોઈ કરંડિયાનો સાપ,
શું કરીશ હું લઈને તારા આ બધા પુણ્ય ને પાપ,
તું જ રાખ તારા આ મંદિર, મસ્જિદ, માળા ને જાપ,
જાણીશ મને, જયારે છોડીશ તારા અહંકારી આલાપ,
માટે પ્રથમ તો તું તારા અજ્ઞાનના આ આવરણો કાપ.
એક તરફ ‘જો ઈશ્વર ખરેખર હોય તો પુરાવો આપે‘ ની પીપુડીઓ વગાડવાવાળા ઓછા નથી, તો બીજી તરફ નવરાત્રી દરમ્યાન બૂમો પાડી પાડીને, ‘હે માં દર્શન આપો અને આ ભવદુઃખ કાપો‘ વાળા માનસિક-દરિદ્ર, દુઃખી અને દંભી પાપાત્માઓ પણ ઓછા નથી. આવા બન્ને બાળબુદ્ધિઓને માતાજીનો સપ્રેમ સંદેશ છે કે, 1.) જ્યાં પુરાવા માંગવાના છે ત્યાંતો પાટલુન પલાળો છો. ઉ.ત. રસ્તા પર ખાડા કેમ પડે છે?, મહામારીમાં લોકો કેમ મરે છે?, કોઈ જો ખાતો નથી તો હજારોની રેલીઓના એ પેટ કેમ ભરે છે?.. વગેરે વગેરે અને 2.) જો ભવાઈ કરનારાને જ તમે ભગવાન માનોછો તો એમને જ તમારા ભવદુઃખ દૂર કરવાનું કહો ને, સંસંદભવનનું સરનામું આપું? 😉
પહેલા નોરતે માતાજીનો આવો સંદેશો લઈને ઘરે જતો હતો ત્યાંજ કોઈ ચૂંટણી પછીની જનઆશીર્વાદ યાત્રાએ રસ્તો રોકેલો હતો. આશીર્વાદની યાત્રાને શાપ આપતો આપતો હું રોડ સાઈડમાં પાર્ક કરીને ઉભો રહ્યો ત્યારે ખબર પડી કે બાજુમાંતો મરઘાં-ઉછેર વાડો (Poultry Farm) છે. રાજકારણ યાત્રાના ગપ્પા-સૂત્રોચ્ચાર સાંભળવા કરતાં મેં બાજુના પાંજરામાં ચાલી રહેલો બે મરઘીઓ વચ્ચેનો સંવાદ સાંભળ્યો.
પ્ર.મ. (પ્રથમ મરઘી) – બેન આપણેતો લકી છીએ. આગળની પેઢી કરતા થોડા દિવસ વધુ જીવીશું.
દ્વિ.મ. (દ્વિતીય મરઘી) – કેમ? મનેતો થયુ કે આ બહાર થતા ફટાકડાના અવાજ અને ધુમાડામાં આજે જ મરી જઈશું. કોઈને એમ પણ નથી થતું કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા પાંજરા ગોઠવે કે જેથી હવાની અવરજવર સારી રહે.
પ્ર.મ.: શું કેમ? અલી નવરાત્રી છે. માટે આ દંભી બબૂચકો 10 દિવસ ચિકન નહિ ખાય.
દ્વિ.મ.: એ વાત તો સાચી. ચારેબાજુથી દેખાતા આ માનવ સમુહોના રાક્ષસી રાસમાં હું તો ભૂલી જ ગઈ કે નવરાત્રી છે. પણ આ તર્ક નથી સમજાતો કે 10 દિવસ ચિકન ના ખાવાથી શું ફરક પડે? આજીવન તો આ લોકો આડા ધંધા મુકવાના નથી !
પ્ર.મ.: બેન એક વાત યાદ રાખ, આ ભારત દેશ છે. અહીં તર્ક અને બુદ્ધિની વાત નહિ કરવાની. સાંભળ, ગયા જનમમાં હું ઉડી શકે એવું પક્ષી હતી અને એક વાર ખુબ ઉંચે ઉડીને હું સ્વર્ગ સુધી ગઈ હતી અને ત્યાં મેં માં સરસ્વતી અને મહર્ષિ નારદનો સંવાદ સાંભળ્યો હતો…
દ્વિ.મ.: અરે કોઈ પક્ષી કેવી રીતે એટલું ઉપર ઉડી શકે? કારણકે થોડા ઉપર ગયા પછી તો હવા પણ નથી હોતી અને પક્ષીને ઉડવા માટે હવા જોઈએ!
પ્ર.મ.: શટ અપ બીચ. સોરી સોરી આ રસ્તે જતા લોકોએ મારી ભાષા થોડી બગાડી દીધી છે…. યાર, કીધું ને કે આ દેશમાં લોજીક નહિ લડાવવાનું. સોરી, સામે ચોંટાડેલા પેલા પ્રજાવત્સલ ગપ્પીદાસ રાજાનું પોસ્ટર જોઈને મેં પણ હાંકે રાખ્યું અને ભૂલી ગઈ કે સામે મૂર્ખ મનુષ્ય નહિ પણ એક સમજદાર મરઘી છે. પણ હા એ વાત સાચી કે મેં માં સરસ્વતી અને મહર્ષિ નારદનો સંવાદ સાંભળ્યો હતો. મહર્ષિ નારદ દેવી સરસ્વતીને પૂછતાં હતા કે આ દેશમાં કેમ આપની કૃપા નથી અને મોટાભાગના મનુષ્યો કેમ આટલા મૂર્ખ છે? અને દેવીએ થોડા ચિડાઈને જવાબ આપ્યો હતો કે, સોરી મહર્ષિ, પ્લીઝ ડોન્ટ ટેક ઈટ પર્સનલી, પણ આ ડફોળશંકરોને વીણા અને તંબુરા વચ્ચેનો ભેદ પણ ખબર નથી તો શું કરીએ….
દ્વિ.મ.: પ્રજાવત્સલ??!! પ્લીઝ ગીવ મી અ બ્રેક … આનોતો ફોટો જોઈને જ મને કોઈ મહાતાંત્રિક લાગે છે. વળી એવું પણ સાંભળ્યું છે કે લોકોને દર ચોમાસામાં રસ્તા પરના ખાડામાં પાડીને તો એ નરબલી ચઢાવે છે!
પ્ર.મ.: જો બેન, બુદ્ધિમાન લોકોના આર્ટીકલો વાંચ્યા વગર, આપણા માલિકે સામે મુકેલા ટીવીમાં આવતી ન્યૂઝ ચેનલોમાં આ રાજાની યશગાથાઓ સાંભળ તો જ તને એનો મહિમા સમજાશે. આ રાજાથી પોતાની પ્રજાના દુઃખ જોવાતા નથી એટલે તો બિચારો મોટાભાગનો સમય વિદેશમાં વિતાવે છે.
દ્વિ.મ.: ભલે ભલે, હું તારી વાતથી સહમત તો નથી પણ આપણે થોડા મનુષ્યો છીએ કે હલકટ રાજકારણીઓના માટે અંદર અંદર ઝગડી પડીએ. પણ એક વાત કહે કે આના પોસ્ટર અહીં મરઘાંઘરમાં કોણે લગાવ્યા છે?? આપણે થોડા વોટિંગ કરવાના છીએ ?
પ્ર.મ.: બેન વાત તો તારી સાચી છે પણ આ દેશમાં ખરેખર ક્યારેક તો મરઘાં-બકરાં ને માણસો વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ પડી જાય છે. કોઈ ઉત્સાહી પાર્ટી કાર્યકરે લગાવ્યા હશે. આ પાર્ટી કાર્યકરો તો પેલું ક્રિકેટ કોમેન્ટ્રીમાં કહે છે ને કે “જોશમે આકે હોશ ખો બૈઠે” જેવા જ નંગ હોય છે. સારું છે કે આ દેશમાં ટોયલેટ-પેપર નથી વપરાતા, નહીંતર ત્યાં પણ પોતાના પ્રધાનોના ફોટા ચીતરાવીને મફત વહેંચે એવા છે….
આ સાંભળીને તો મારાથી ખડખડાટ હસી પડાયું અને ત્યાં જ જન-આશીર્વાદ વરઘોડો આગળ જતા રસ્તા પર જગા થઇ અને હું જય અંબે બોલીને ઘર તરફ આગળ વધ્યો… 😉