શ્રીરામજી હવે આપ કૃપા કરી મર્યાદા છોડો,
ઉત્તર દિશામાં સંસદ તરફ અમોઘ શસ્ત્ર છોડો,
લંકાનો હવે કોઈ ભય નથી દિલ્લી તરફ દોડો,
જનસમુદાય પરથી જડભરતોનું આધિપત્ય તોડો,
ખર અને દૂષણ તો આજે બન્યા છે ભારત વિભૂષણ,
રાજનેતાઓ સામે રાવણનો અત્યાચાર પડે મોળો,
માનવ કરતા વાનર ભલો, પણ એમ જ આશા ના છોડો,
રામરાજ્યમાં પણ રાજનીતિ છે, ભલે વાત મારી વખોડો,
રામનવમીને યોગ્ય અવસર સમજી હવે યુદ્ધ રથ જોડો,
જનહિતમાં ત્વરા કરજો ભલે આ ભક્તનો સંદેશો છે મોડો.
હનુમાનજીએ શ્રીરામને પૂછ્યું,” પ્રભુ, અયોધ્યામાં આપના ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે એના દર્શનની કામના છે. તો આપના રામાવતારના જન્મદિન નિમિત્તે પૃથ્વીલોકના પ્રવાસની અનુમતિ આપો.”
શ્રીરામ ટોણો મારે છે, “હનુમાન આપ તો ‘બુદ્ધિમતાં વરિષ્ઠમ’ છો અને આવી મતિ કેમ થઇ કે અનુચિત કામ માટે અનુમતિ માંગો છો? ત્યાં જઈને શું જોશો જે મારા સહવાસમાં નથી? ” 😉
હનુમાન સમજી જાય છે કે ભગવાન હજુ પણ પૃથ્વીલોક બાબતે ઉત્સુક નથી. ત્યાંજ નારદમુનિ પ્રગટ થાય છે અને હનુમાનજીને કહે છે કે આપ પણ સમજી નથી શકતા કે પ્રભુ શ્રીરામ સ્વયં ક્યારેય પોતાના મંદિરના દર્શનની પરવાનગી ના આપે. એ તો મર્યાદા પુરુષ છે. માટે આપ જેવા ભક્તે તો અવશ્ય જવું જોઈએ. વળી એમ પણ સલાહ આપે છે કે, અયોધ્યાની ગલીઓમાં પગપાળા ના જતા, રખડતી શ્વાન સેનાનો ખુબજ ત્રાસ છે, માટે આકાશમાર્ગ જ ઉચિત છે.
હનુમાનજી માનવ રૂપ ધારણ કરીને પ્રગટ થાય છે. ચોતરફ થતા જય શ્રીરામના નાદથી હનુમાનજીનું મન પ્રફુલ્લિત થઇ ઉઠે છે અને તેઓ પણ એ હર્ષનાદમાં જોડાઈ જાય છે.
હનુમાનને આટલા ઉત્સાહથી જય શ્રીરામ બોલતા સાંભળીને બાજુમાં ઉભેલા ભાઈ કહે છે કે ભાઈ નાહક આટલી ઉર્જા વ્યય ના કરો, ઉદઘાટનવાળા પ્રધાનનું પ્લેન મોડું છે અને હજી તો બીજા ચાર કલાક બોલવાનું છે. હનુમાન ચકિત થઈને કહે છે કે ચાર કલાક શું ચાર યુગ સુધી બોલું તો પણ ઓછું છે. પેલા ભાઈને લાગે છે કે આમની ચસકી ગઈ લાગે છે. કુતુહલવશ પૂછે છે કે,”કેટલાનો વાયદો કર્યો છે? ડબલ મળવાના છે કે શું તે આટલા જોશથી બરાડો છો?” જયારે હનુમાન વિસ્મયથી જુએ છે ત્યારે એ કહે છે કે,”તમારો ઉત્સાહ જોઈને તો લાગે છે કે તલાટીઓએ મફતમાં બોલાવેલા શિક્ષક તો તમે નથી. હટ્ટાકટ્ટા છો તો કોઈ ભાડુતી જ લાગો છો. બાકી આમારે શિક્ષકોએ તો આ રાજકારણીઓ જે તાયફામાં તેડાવે ત્યાં જવું પડે છે.” હનુમાનજી કાંઈ ઝાઝુ સમજ્યા નઈ પણ મનોમન એમ વિચારીને આગળ વધ્યા કે વાહ શ્રીરામના જન્મોત્સવમાં શિક્ષકો-આચાર્યો પણ આવી પહોંચ્યા છે, ધન્ય છે આ રાજ્ય અને નસીબદાર છે તેમના વિદ્યાર્થીઓ.
આગળ જતા તેમણે કેટલાક યુવકોને પથ્થર વીણતાં જોયા. કોઈ દિવ્ય સેતુનું નિર્માણકાર્ય થઇ રહ્યું લાગે છે એમ વિચારીને હનુમાને પણ આ શ્રમયજ્ઞમાં જોડાવાની અનુમતિ માંગી. તો એક વિચિત્ર લગતા વ્યક્તિએ પૂછ્યું કે,”અલ્યા કઈ જેલમાંથી આવ્યો છે? ભાગેડુ-ફરાર કે જામીન પર છે? જો પકડાય તો પાર્ટીની કોઈ જવાબદારી નથી. શું સમજ્યો? “. એટલામાં જ કોઈ બાજુમાં ઉભેલા વ્યક્તિએ કહ્યું કે,” સાહેબ, આને આપણા દળમાં સામેલ કરીલો. જે રીતે રામ નામ બોલતો હતો એ જોઈને તો પુરેપુરો બ્રેઇનવોશ લાગે છે. રમખાણોમાં આવા જ ઝનૂની જોઈએ.”
ત્યાંજ અચાનક કોઈ કોલાહલ શરુ થયો અને ટોળું દોડ્યું. હનુમાનજી પાછળ જઈને જુએ છે તો થોડાક યુવકો કોઈ દુકાનને આગ લગાડી રહ્યા છે અને કોઈકને ગડદાપાટુથી મારી રહ્યા છે. હનુમાનને હેરતની વાત તો એ લાગી એ લોકો દુકાનદારોને મારતી વખતે એમનું નામ કેમ લેતા હતા…
નારદમુનિ આ બધો ખેલ ઉપરથી જુએ છે…
અને સાચા રામભક્તો પરિસ્થિતિની વિવશતાની લીધે આવા ખેલ અહીં રહીને રોજ જુએ છે…. જય શ્રીરામ 🙂