Category : Gujarati Poem

વિષ પ્રસાદ



શિવજીને ભોળા ગણી અલકમલકના વરની મંછા કરે,
એ જ પ્રાર્થના, શિવજી મૂર્ખાઓને વિષ-પ્રસાદ કરધરે,

બબૂચકોને મન મહાદેવ બીલીપત્ર ચઢાવે ઉદ્ધાર કરે,
અંતે તો રૌદ્ર ત્રિશૂળ કે નાગપાશ જ એમનો જીવ હરે,

માનસરોવરની પ્રદક્ષિણાથી જ મનોવાંચ્છિત ફળ મળે?
મૂઢ મનુષ્યોના અતિમલિન મન-સરોવરમાં કોણ ફરે?

શિવલિંગ પર જે મંદબુદ્ધિઓ વિવિધ શિરોધારા ધરે,
એ જ પ્રાર્થના કે એના તરકટો પર શિવજી તાંડવ કરે,

આ નરાધમોની નગ્નતા છતી કરી નંદીજી શીંગડે ભરે,
અહંકારીઓને અંતરિક્ષમાં ફંગોળી પૃથ્વીનો ભાર હરે,

અંધ મનુષ્યોની મૂર્ખતા પર બ્રહ્મલોક પણ વ્યંગ કરે,
જુઓ કોઈ પણ યોગ્યતા વગર એ ત્રિનેત્રની પૂજા કરે,

આ શિવરાત્રીએ ભક્ત હૃષી એક જ વિનમ્ર પ્રાર્થના કરે,
પાપીઓને પરાક્રમ બતાવીને હવે શંભુ પુણ્ય પ્રલય કરે.



પ્રતિ,

ભગવાન મહાદેવ શિવશંકર,
કૈલાશ નિવાસ.

વિષય:  પ્રલય પ્રક્રિયામાં ઝડપ કરવા બાબત

હે પ્રભુ ઉમાપતિ શિવજી,

આપ યોગ સમાધિમાંથી જાગો અને જાણો કે કાલકૂટનું વિષપાન કરીને આ પૃથ્વીવાસીઓને બચાવવાની કોઈ જરૂર ન હતી, એના પહેલા એક જાગૃત માનવ તરીકે મારી ફરજ છે કે વહેલામાં વહેલી તકે આપને માહિતગાર કરવા. વળી, આજનો મહાશિવરાત્રીનો અવસર પણ અતિ યોગ્ય છે કારણ કે, આજે આ મૂર્ખ માનવગણ  “હે કૈલાશનિવાસી મારુ કષ્ટ કાપો..’ ની  બૂમો પાડી પાડી ને આપને જગાડવા પ્રયત્ન કરશે. તો હે મહાદેવ, મોકો ચુકતા નહિ અને એમને પણ બુંદ બુંદ વિષપાન કરાવજો. કોઈ દોઢડાહ્યો થાય તો કેજો કે, સંપત્તિ જોઈએ તો શ્રીપતિ પાસે જાઓ, મારી પાસે તો આ કલ્યાણકારી વિષ જ છે. એમાં પણ ભાંગ-ચલમવાળા ચમનોને પ્રાધાન્ય આપજો.

આમતો મેં પહેલા ભગવાન શ્રીકૃષ્ણને રજુઆત કરી હતી અને કહ્યું હતું કે હે બંસીધર હવે ચક્રધર બનવાનો સમય આવી ગયો છે. આ જ વાત, આ જ શબ્દોમાં જયારે પ્રભુ પરશુરામે સાંદિપની ૠષિના આશ્રમમાં કરી ત્યારે તો વાસુદેવ તરત જ તૈયાર થઇ ગયા હતા પણ મારી વાત સાંભળીને એમણે એમના સ્વભાવ મુજબ જ સસ્મિત મને કહ્યું કે,’તું બસ ગીતા અધ્યયન કર અને  સ્થિતપ્રજ્ઞ બનવા પર ધ્યાન આપ, આ ટપોરી લોકોમાટે આપણે ક્યાં ટાઈમ બગાડવો. એ તો મહાદેવ એમનું કામ સમય આવે કરશે’.

પણ પ્રભુ મારાથી જોવાતું નથી અને આ ભૂત પિશાચો સ્મશાનમાંથી સીધા સંસદભવનમાં આવી ગયા છે. ગામનો ઉતાર, જે ઉકરડામાં જતો હતો એ હવે ઉચ્છ કક્ષાના અધિકારી/મંત્રી તરીકે સેવાઓ આપે (હકીકતમાં લે ) છે. મનની વાતો કર્યા કરે ત્યાં સુધી તો ઠીક છે પણ હવે આ બધા મનમાની પર આવી ગયા છે.

રામ અવતાર વખતે દેવગણ આપની ઈર્ષા કરતા કહેતા હતા કે, શિવજીને કેવી કૃપા કે શ્રીરામ લીલા જોવા માટે એમને તો ત્રણ નેત્રો છે. પણ આજે આપ અહીં શ્રીરામના નામે ચાલતા રમખાણોને એક ઝીણી આંખથી પણ નહિ સાંખી શકો.

અંતમાં આશા રાખું કે આ પત્ર આપનું સરનામું બદલાય એ પહેલા પહોંચે. બાકી જો કોઈ કલાકારે કૈલાશની તળેટીમાં ધ્યાનનું ધતિંગ કરતો એક ફોટો પડાવી લીધો તો સમજો આ પર્વતરાજનું નવું નામકરણ નક્કી. અને આ વખતે તો ચશમા પહેરી રાખવાની ભૂલ પણ નહિ કરે અને મૃગચર્મ – ત્રિપુંડના પુરા ગેટઅપ સાથે આવશે. ( મૃગચર્મ મોહમયી નગરીનો કયો નટ લાવી આપશે એ આપ જાણો છો ). બે ઘડી તો નંદી અને ગણો પણ ભ્રમિત થઇ જશે કે, અરે પ્રભુ તળેટીમાં કેમ બેઠા છે.

હે મહાદેવ, આપ પ્રલય પ્રક્રિયા શીઘ્ર કરો એવી પ્રાર્થના.

લિ.

આપના ચરણકમળમાં સમર્પિત,

એક સ્થિતપ્રજ્ઞ શિષ્ય.