Category : Gujarati Poem

ફકીર હોવા છતાં



ફકીર હોવા છતાં  અમીરો જેવા હાલ રાખું છું,
ન આવડે સરગમ પણ અકબંધ તાલ રાખું છું,

ઘરથી અજાણ, પણ દેશવિદેશનો ખ્યાલ રાખું છું,
પોતાનું કાંઈ નથી, એટલે પારકી પંચાત રાખું છું,

કોને ખબર, આ ખિસ્સામાં કેટલો પારકો માલ રાખું છું,
ઉધારીથી ભરેલો તો આખેઆખો ઉપલો માળ રાખું છું,

અસંખ્ય પાપ કરી જીવને  પુણ્યથી  પાયમાલ રાખું છું,
પણ ભગવાનને ભ્રમિત કરવા હાથમાં કરતાલ રાખું છું,

કોઈક તો લક્ષ્મીપતિ સમજશે એમ સમજી ‘હૃષી’,
હું સ્વેચ્છાએ જ  આ માથામાં થોડી ટાલ રાખું છું.



બુરા દેખન મેં ચલા, બુરા ન મિલિયા કોય.
જો દિલ ખોજા આપના, મુઝસે બુરા ન કોય..
– કબીર

શાસ્ત્રોએ આત્મશ્લાઘાની ( સ્વસ્તુતિ ) ના પાડી છે અને પારકી નિંદાની ના પાડી છે પણ સ્વાનિંદા તો કરી શકાય એવું સમજીને આજે કલમ ઉપાડી છે. પહેલી લીટીમાં જ મારો દંભ જુઓ, જાણે કે હું બધું શાસ્ત્ર વચન  પ્રમાણે જ કરતો હોઉં ! રણવીરભાઈની જેમ શારીરિક રીતે નગ્ન થવાની તો મારી ક્ષમતા નથી પણ અહીં શાબ્દિક રીતે જાતને નગ્ન કરી જે આત્મદર્શન હજી સુધી મેં પણ નથી કર્યું એ કદાચ તમને કરાવી શકીશ. મારી પાસે ‘દીપિકા’ ના હોવાથી એમ કરતાં મારુ ચરિત્ર કાંઈ દીપી ઉઠવાનું નથી પણ કોઈની નજર ના લાગે એવું કાળું ટીલું માથે થાય તોય ભલે.

આખા ગામની પંચાત અને બુરાઈ કરવામાં હું ક્યારેક ( વાંચો હંમેશા ) એ ભૂલી જાઉં છું કે આપણા તો અઢારે અંગ વાંકા છે. આજે તો મને એવું જ લાગી આવ્યું કે છાપામાં જાહેરાત જ અપાવી દઉં કે ‘જાહેર ચેતવણી, હું એટલો દંભી છું કે મારી સાથે કોઈએ કોઈ પણ જાતનો સંબંધ રાખવો નહીં…” પણ પછી થયું કે એમ કરવા જતા ઉલટાના જે લેણદારો છે એ સંબંધ વધારશે અને ઘર બહાર જ અડ્ડો જમાવશે. માટે હાલ પૂરતો એ વિચાર મુલતવી રાખ્યો છે. સોસિયલ મીડિયામાં આ લખવાનો વાંધો નથી કારણ કે મોટે ભાગે અભણ લોકો જોડેથી જ ઉધાર લીધા છે અને એ કાંઈ કવિતાઓ બવીતાઓ વાંચવાના નથી. ( ભારતમાં સંપત્તિ કેમ અભણો પાસે વધુ રહેતી હશે ભગવાન જાણે ! )

મેં નોકરી છોડી ને ધંધો ચાલુ કર્યો કે જેથી લોકોને એમ થાય કે ભાઈ કેવા સાહસિક છે. પણ હકીકત તો એ છે કે મને કોઈ નોકરી આપવા તૈયાર જ નહોતું એટલે કોઈ છૂટકો જ નહોતો. વળી, મારી કોઈ ધંધામાં કશી ખાસ આવડત નથી એટલે શેરબજારના સથવારે જ ગાડું ગાબડાવું છું ( ભાઈ આ ભાવે જો પેટ્રોલ હોય તો ગાડી ચલાવવાની મારી હેસિયત નથી. ). પોતાની કંપની ખોલવાની તાકાત નથી એટલે પારકી કંપનીઓના શેર લે-વેચ કરવા એવી અવળી બુદ્ધિ છે. વળી લોભિયાઓના શહેરમાં ( હાલ કોઈ ગાંધીનગર આવીને રસ્તે રખડતા ગાયોના ટોળા જોઈને એમ કહે કે આ શહેર નથી પણ ગામ છે તો હું વિરોધ નહિ નોંધાવું) ધુતારા ભૂખે ના મરે એટલે પાંચ પૈસા મળે છે. 

હવે નોકરી પછી છોકરીનું પણ સત્ય કહી જ દઉં. મિત્રો મને જિતેન્દ્રિય માને છે અને વખાણ કરે છે કે અવિવાહિત રહીને મેં દુઃખોને હિમ્મત પૂર્વક ટાળ્યા છે. પણ સત્ય તો કાંઈ બીજું જ છે. હકીતકત તો એ છે કે રાત-દિવસ ચરખો ચલાવતાં માંડ મારું ધોતિયું બને છે એમાં કોઈને સાડી પહેરાવાવનું આ દરિદ્રનું ગજું નથી. અને ભૂલેચુકે ( આપણી ભૂલે અને સંતતિનિયમનના સાધનની ચુકે ! ) જો બાળક આવે તો મારે પણ કોઈ દ્રોણની જેમ મારા અશ્વથામા માટે ગાય શોધવા નીકળવું પડે. આ સાંભળીને જો કોઈ દ્રુપદનું  હૈયું ( કે ખિસ્સું ) હચમચી ઉઠ્યું હોય તો મારી બેંક ડિટેઈલ્સ માટે મેસેજ કરવો.

ભણતરમાં પણ એવું જ છે. ગુજરાતીમાં ગપ્પા મારીને ગુજરાત યુનિવર્સીટી માંથી ઇજનેરી સ્નાતકની પદવી લીધી પણ પછી ખબર પડી કે આ જાતકના ગ્રહો તો ખુબ નબળા છે માટે હજી અમેરિકા જઈને અંગ્રેજીમાં ગપ્પા મારીને અનુસ્નાતક ના બનો તો કોઈ વેલ્યુ નથી. અનુસ્નાતક બનવાથી પપ્પાના બૅન્કબેલેન્સની વેલ્યુ ખુબ ઘટી પણ આપણી કાંઈ એટલી વધી નઈ. એક તો આપણી વિદ્યા તો હજી બાલન જ રહી, ઉપરથી અમેરિકામાં આંટાફેરા મારીને ભારતના વિદેશી હૂંડિયામણના બેલેન્સ ને અસર કરી આપણા મહામુલા રૂપિયાની વેલ્યુ પણ ઘટાડી. તમે જોઈ શકો છો કે આ રૂપિયાને ડોલર સામે આટલો નીચો લાવવામાં મારો પણ કઈંક પૈસાનો ભાગ છે. આવા દેશદ્રોહી કૃત્યની લજ્જા અને આઘાતમાંથી આજ લગી હું બહાર નથી આવ્યો.

હું જીમમાં પણ જાઉં છું તો લોકોને મફતની સલાહો આપી સ્ટીરોઈડ કે બીજા સ્નાયુવર્ધક ઔષધો લેવાની ના પાડુ છું. છોકરાઓ એમ સમજે છે કે કાકાને આપણા સ્વાસ્થ્યની ચિંતા છે. પણ સાચી વાત તો એ છે કે મને એમના  બે મહિનામાં આવેલા સિક્સ પેકની ઈર્ષા છે. ઘડપણના ઉંબરે ઉભો રહીને પણ હું જવાનીનો મોહ છોડી શકતો નથી અને કોઈ સમાજસેવાનું કામ કરવાને બદલે રોજના બે કલાક જીમમાં બગાડું છું. જે મિત્રો સમય નથી કહીને વ્યાયામ નથી કરતા અને યોગાસનો ( મુખ્યત્વે શવાસન ) કરે છે એમને હું આળસુ કહીને વખોડી કાઢું છું પણ ખરું કહું તો એ જ તો મોટા દેશભક્ત છે અને સાચા સ્વદેશી માલના ગ્રાહક / પ્રચારક છે.   

આજના માટે આટલું પ્રાયશ્ચિત બહુ છે. હજુ પણ જે મિત્રોને મારી નિંદા કરાવી હોય એ નીચે કોમેન્ટમાં છૂટથી કરી શકે છે. હું તમારી પાછળ ઈ.ડી. કે સી.બી.આઈ. નહિ દોડવું. હા પણ એ જ મિત્ર કોમેન્ટ કરે કે જેનું ચરિત્ર મારા કરતાં પણ હલકું હોય…. 😉


Category : Gujarati Poem

રાજકારણી રંગલો



એક રંગલો છે રંગભૂમિનો ખરો કલાકાર,
એની લીલાનો જનતા કદી ના પામે પાર,

સત્તાભૂખ  એ  જ એના સર્વ કર્મોનો સાર,
ઠેર ઠેર મીડિયામાં એના ગપ્પાનો પ્રચાર,

એક આપીને દસ લેવાનો એનો વ્યવહાર,
લલ્લુ જનતા જાય લુંટાતી બનીને લાચાર,

ઉલ્લુ પ્રજા સુજાવે છે હાસ્યાપદ ઉપચાર,
જમણાને તો બહુ માર્યો હવે ડાબે તું માર,

ગુંડા-લુખ્ખાઓ પર પાર્ટી કરતી ઉપકાર,
બેવકૂફોની ટોળીથી જ એ ચલાવે સરકાર,

એના તોતિંગ તાયફાનો પ્રજા પર બહુ ભાર,
મૂર્ખાઓને મન આ જ તો છે ધરમની સરકાર,

કૃષ્ણ કહે, હૃષી રંગલાઓનો અહીં નથી પાર,
વાઢવા બેસું તો બુઠ્ઠી પડે આ સુદર્શનની ધાર.



બૉલીવુડના કલાકારો પણ દિલ્લીની જાત્રાએ જાય છે કરણકે આ નટનટીઓના ઇષ્ટદેવ ત્યાં શાક્ષાત બિરાજે છે. વર્ષોથી એકના એક જ ગપ્પાંવાળા ડાયલોગ બોલીને બહુમતી કેમ મેળવાય એ કલા એમને હસ્તગત છે.

ધૃતરાષ્ટ્રની સત્તા લોલુપતાએ તો પોતાના જ વંશનો અને સાથે સાથે લખો નિર્દોષોનો નાશ નોતર્યો. કંસે તો સત્તા ટકાવવા વ્રજના અગણિત બાળકોના જીવ લીધા. આખો દેશ આ કથાઓ જાણતો હોવા છતાં કોઈ બોધ લેતો નથી. એ જ સાબિતી છે કે મનુષ્ય જાણે છે ઘણું પણ આચરણ અને બોધ વગર બધું વ્યર્થ છે.

ઉપરોક્ત ઉદાહરણ અત્યારના સત્તા સ્વાર્થી રાજકારણીઓને બખૂબી લાગુ પડે છે. દેશમાં લખો લોકો મરે છે પણ અવતારપુરુષ તો અન્ય પ્રાંતોમાં ધર્મધજા લહેરાવવામાં મશગુલ છે. અરે ભાઈ સત્તા લઈને પણ તારે કરવું છે શું એ તો કહે? દિલ્લીમાં પ્રવર્તમાન સરકાર કોઈ સારા કામ ના કરી શકે એ માટે રાતોરાત કાયદો લાવીને લ્યુટેનન્ટ ગવર્નરની સત્તા વધારીને કેન્દ્ર સરકારે એ તો સાબિત કરી જ દીધું છે કે, “હું સારું તો કરતો નથી પણ કોઈને કરવા દેતો પણ નથી” એ જ સૂત્ર સાથે અમે સબકા વિનાશ હમારા વિકાસના એક માત્ર ધ્યેય માટે કાર્યરત છે.

એક તસુભાર પણ સત્તા જતી ના રહે એની બીક આ અવતારપુરુષને એટલી બધી છે કે એ બધી જગાએ એવા જ મંત્રીઓની નિમણૂંક કરે છે કે એ ફક્ત એમના ધાવણ પર જ નભતા હોય. અત્યારે જયારે એવા સ્થાનિક વહીવટી અધિકારીઓ અને મંત્રીઓની જરૂર છે કે જે જનસેવામાં ત્વરિત નિર્ણયો લઇ શકે ત્યારે અહીં ફક્ત અબુધ ધાવતા બાળકો જ રમ્યા કરે છે.   

અત્યારે થતા મોટાભાગના મોત માટે સરકારની અણઆવડત જવાબદાર છે. તમને જો એવું લાગતું હોય કે આ કોરોના તો વૈશ્વિક મહામારી છે અને થોડા સમય પછી જતી રહેશે પછી તો જલસા જ છે. તો હે અલ્પબુદ્ધિ વડીલ આ વાત કોતરી રાખો કે આપના દાદાશ્રી અને પિતાશ્રી પણ આવું જ વિચારતા હતા અને એમની વિકેટ પડી ગઈ છે. જો તમે અત્યારે જેમ તેમ બચી જશો અને આવી જ જડતા જાળવી રાખશો તો નજીકના ભવિષ્યમાં તમે પણ પૂરતી તબીબી સુવિધાના અભાવે કે આપના માનીતા મંત્રીશ્રીની અણઆવડતના પ્રભાવે રન આઉટ થશો. વધુમાં આપનો કુલદીપક કે દીપિકા પણ કયા વાવાઝોડામાં હોલવાઈ જશે એની ખબર પણ નહિ પડે. માટે જ કહું છું કે આપના પૂર્વજોએ કરેલી ભૂલોને સુધારો અને એક સુગઠિત સુશાશનયુક્ત સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે આજથી જ પાયો નાખો. નહીંતર જો કોરોનામુકત હોવ તો અભણ, લુખ્ખા અને ભ્રષ્ટાચારીઓને વહીવટ સોંપવાનો સ્વાદ તો આપ ચાખી જ રહ્યા છો.


અર્જુન : હે કેશવ, આ પ્રજા કહે છે કે કોઈ વિકલ્પ નથી. શું એ વાત સાચી છે?

શ્રીકૃષ્ણ ( સસ્મિત ઉત્તર આપે છે ) : પાર્થ, વિકલ્પો તો હંમેશા હતા, છે, અને રહેશે. પણ મનુષ્યની મૂર્ખતા દ્વારા એ ઢંકાયેલા રહે છે.

અર્જુન : વાસુદેવ, મારુ મન તો આ અકારણ ઢળતી લાશોના ઢગલા જોઈને વ્યથિત થઇ રહ્યું છે.

શ્રીકૃષ્ણઃ એમના કર્મનોનું ફળ એમને ભોગવવા દે પાર્થ. મેં એમને બુદ્ધિ આપી જ છે. જો ઉદ્ધાર કરવો હશે તો વાપરશે…


Category : Gujarati Poem , Videos In Gujarati

ટીપી – 2



જેમની રસિકતાને આ શુષ્ક સાંસારિક સંબંધો સુકવી નાખે,
એ તરસ્યા મિત્રોને ટીપેટીપે આ ટીપી જ હવે નવજીવન આપે,

બાળકોની રોકકળ અને પત્નીની પકડ, જેને તોડી મરોડી નાખે,
એ દુઃખી આત્માને, એક ટીપીનું આશ્વાસન જ હવે જીવિત રાખે,

જે નાલાયકોને કન્યાપક્ષ અસહ્ય ને અવિરત ગાળો આપે,
એ ટપોરીઓને પણ ટીપી મિત્રો જ બે ઘડી આનંદ આપે,

9 વાગે પત્નીને ગુડ નાઈટ કહયા પછી, જે આખી રાત જાગે,
ધન્ય છે એ નર જે મિત્રો સંગ ટીપી માટે સમસ્ત સંસાર ત્યાગે,

મોજની મદિરાનો ખરો સ્વાદ તો છે આ રૂબરૂ આવવાવાળા મિત્રો માટે,
ફક્ત ફોટાની અપડેટ્સવાળા તો ઘરે બેસીને ખાલી ગ્લાસ ચાટે,

બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને પથરીનો અસહ્ય દુખાવો અડધી રાતે,
આ બધુજ ઈશ્વર મોકલે, ‘બહાર છુ’ નું બહાનું કાઢી ઘેર પડી રહેનાર માટે,

રામનામ જપવાની કોઈ જ જરૂર નથી એણે અખંડઆનંદ માટે,
ટીપી જ જેની તીર્થયાત્રા ને મિત્ર નામનો મંત્ર લખ્યો જેણે લલાટે.



ટીપી
(ટાઈમ પાસ)
(
એક હાસ્ય કવિતા )

ટીપી એટલે મિત્રો સાથે કરાતી ગોષ્ઠી,
ગપ્પા  મારવામાં  સમાય આખી શ્રુષ્ટિ ।।

TP  means  meaningless talks with mature or mindless friends,
In which universal topics are discussed without any constraints.

જેમની સાથે કોઈ પણ કાળ કે ચોઘડિયાની પળોજણ વિના આખી રાતોની રાતો ટીપી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા પરમ મિત્રોને અર્પણ

આશરે એક વરસના વિરહ પછી ગઈકાલે મિત્રો સાથે ટીપીનો અદભુત આનંદ માણ્યો… જેવું જ આમંત્રણ મળ્યું એવું તુરત જ આ હાસ્યકવિતાનું સર્જન થયું.


( વરસ પહેલાની ટીપી વિશેની હાસ્ય કવિતા માટે અહીં ક્લિક કરો)