કોઈ એક દૂર ગ્રહમંડળમાં આપડી પૃથ્વી જેવો એક ગ્રહ હતો. તેમાં ભારત જેવો જ એક પ્રદેશ હતો. એ પ્રદેશમાં ભ્રષ્ટાસુરના પુત્ર રોડાસુર નામના એક રાક્ષસનો ખુબ જ ત્રાસ હતો. રોડાસુર ગમેત્યારે ગમેતે રોડ પર ગમેતેવા મોટા મોટા ખાડા પાડી દેતો. ઘણીવાર તો આગળ રોડ બનતો હોય અને પાછળ રોડાસુર એના વિકરાળ મુખથી રોડને પાછળથી બચકા ભરી ભરીને ગળી જતો હોય. ઘણીવાર તો કોઈક જગ્યાએ વર્ષો સુધી રોડ દેખાય જ નહિ અને સરકારી ચોપડે તપાસ કરતા માલુમ પડે કે એ જગ્યાએ તો છેલ્લા પાંચ વર્ષમાં વિકાસશીલ સરકાર દસ દસ વાર રોડ બનાવી ચુકી છે. આ જ વાત રોડાસુરની ભયાનકતા દર્શાવે છે કે આ દૈત્ય રોડ તો જવાદો, આખેઆખા રોડ બનાવનાર શ્રમજીવીઓ તથા વિશાળકાય મશીનો સુધ્ધા ગળી જાય છે અને અવશેષ પણ શેષ રાખતો નથી. લોકો ખરેખર આ રોડાસુર દૈત્યથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા કારણ કે રોજ કોઈકના માસુમ બાળકો તો કોઈકના માતાપિતા આ રોડાસુર પોતાના ખાડામાં પાડી છીનવી લેતો. દર વર્ષે હજારો લોકો આ રોડાસુરનો ભોગ બનતા.
આમ રોડાસુરના ત્રાસમાં ઘણા વર્ષો વીતી ગયા. પછી એક દિવસ ચમત્કાર થયો. એ ગ્રહવાસીઓ પણ આપણી જેમ જ નવરાત્રીનો ઉત્સવ મનાવતા અને આદ્યશક્તિ માં જગદંબાની આ રોડાસુરના ત્રાસથી મુક્તિ અપાવવા આરાધના કરતા. એ દિવસે માં જગતજનની શાક્ષાત પ્રગટ થયા અને આકાશવાણી થઇ. આકાશવાણી એ કહ્યું ,”હે શુરવીરો, તમે આવી વીર પ્રજા થઇ ને કેમ આ રોડાસુરનો ત્રાસ સહન કરો છો. મેં તમને જે મગજ આપ્યું છે એ થોડું તો ચલાવો અને આ રોડાસુર પર વિજય મેળવો” પછી એ ગામના વડીલોએ એક યુક્તિ વિચારી અને યુવાનોએ તેનો અમલ કર્યો.
ગામના મંત્રીશ્રીની આગેવાની હેઠળ, રોડ કોન્ટ્રાક્ટરને રોડાસુર સંગ્રામ માટે સેનાપતિ નિયુક્ત કરાયા. પછી એ બંને વીર યોદ્ધાઓએ રોડાસુરે ચોમાસામાં તાજાજ પાડેલા એક વિશાળકાય ભુવામાં જંપલાવ્યું. એક અન્ય પૌરાણિક હસ્તપ્રત એવું પણ કહે છે કે ગામના લોકોએ જ આમને બાંધીને…. પણ આ આપડા કરતા અલગ એક વીરોનો દેશ હોવાથી આપણે એવુજ માનીશું કે મંત્રી અને કોન્ટ્રાક્ટરે સ્વયં રોડાસુર સંગ્રામની આગેવાની લીધી.
એવું કહેવાય છે કે એ ઘટના પછી આજે લખો વર્ષો પછી પણ એ ગ્રહની સંસ્કૃતિએ બનાવેલા રોડ હજી પણ એવાજ રહ્યા છે, અર્થાત એક પણ ખાડા વગરના.
આ વીર પરગ્રહવાસી અને રોડાસુર સંગ્રામની વાર્તાનો જે કોઈ વીર સો વાર પાઠ કરશે એના ગામ પરથી રોડાસુરનો પ્રકોપ જશે અને રોડ આપોઆપ સુધારી જશે. જો તમે બાયલા પુરુષ હોવ તો પણ આ વાર્તા જો તમારા બાળકોને સંભળાવશો તો આવનારી નવી પેઢી રોડાસુરાના ત્રાસથી બચી જશે.
કથા બોધ
જેને માં જગદંબાની આકાશવાણી સમજાશે એ રોડાસુર પર અવશ્ય વિજય પ્રાપ્ત કરશે.
હે મૂર્ખ દેશવાસીઓ, આ ગુરુજી આપની મૂર્ખતાની ફક્ત મજાક જ નથી ઉડાડ્યા કરતા. આવી સુંદર બોધકથાઓ દ્વારા તમને અજ્ઞાની માંથી જ્ઞાની બનવાનો સાચો માર્ગ પણ બતાવે છે. પછી બધું તમારા હાથમાં છે. 😉