ગુસ્સો તો બહુ આવે છે કહીને પળમાં ઠરી જશે,
સાથે ઉભા રહીશું કહેવાવાળા કાલે જ ફરી જશે,
કાયરોની પ્રજા તો વળી કઈ કમાલ કરી જશે?
મુર્ખાઓ તો હૃષી આમ જ જીવ્યા ને મરી જશે.
અત્યારે એવા સમાચાર આવે છે કે ઘણા ડફોળશંકરો દવાખાનામાં તોડફોડ કરે છે અને ડોક્ટરો તથા સ્ટાફને મારે છે. પરિસ્થિતિવશ ગુસ્સો આવવો સ્વાભાવિક છે પણ મોટાભાઈ સાચી વાત સાંભળવાની કે સમજવાની આપના નાના મગજની ક્ષમતા નથી. માટે ધીરજ રાખો અને આપના પણ યમદેવના નિમંત્રણની રાહ જુઓ. ના ના, કોઈ ફિકર ના કરો વડીલ, યમદેવના ત્યાં પ્રસંગ નિમિત્તે કેટલા જીવ ભેગા કરવા એની કોઈ લિમિટ નથી. અને આપ જેવા ઉલ્લુઓ માટે તો ખાસ આમંત્રણ છે. 😉
કોણે તમારી આ દશા કરી ( ઓફ કોર્સ આપની બળદબુદ્ધિ પછી જ તો ) એ તો ખબર પડતી નથી અને જે ડોક્ટરો અને અન્ય સ્ટાફ જીવના જોખમે આપની સેવા કરે છે એના પગે પડવાને બદલે આવું હીન કૃત્ય કરો છો. ચરણામૃત તમારા ચંબુ જેવા રાજકીય અને ધાર્મિક સ્વામી સાધુઓના નહિ પણ આ ડોક્ટરોના પીવો. કોઈ કહેશે કે અરે એ તો પૈસા માટે કરે છે. અરે વડીલ એવો કોઈ માઈનો લાલ આપના હલકટ કુળમાંથી ગોતી લાવો કે જે ને ખબરહોય કે સામે મોત છે પણ પૈસા માટે આવી પરિસ્થિતિમાં કામ કરે.
હવે મુખ્ય મુદ્દા પર આવીએ. પૂરતી તબીબી સુવિધાઓ નથી એના માટે કોણ જવાબદાર છે? કોન બનેગા કરોડપતિ કરતા પણ વધુ રૂપિયાનો સવાલ છે, જો આપને એક જીવની શું કિંમત છે એ ખબર હોય તો. જવાબ હું નહિ આપું. જો આપના સ્નેહીજનો અને પોતાનો જીવ વહાલો હોય તો ઘેર બેઠા આટલું હોમવર્ક કરજો.
આજે ઘેર ઘેર કોઈ કાં તો અસહ્ય રીતે બીમાર છે અથવાતો કોઈ એ જીવ ગુમાવ્યો છે. છતાં પણ જો આપની બુદ્ધિ ના ચાલતી હોય તો ધન્ય છે આપના વોટ્સએપિયા જ્ઞાનને. આવી નિર્દોષ લોકોની લાશો પર તાગડધિન્ના કરનારની કોઈ બુદ્ધિમાન અને બળવાન સમાજ શું હાલત કરે એ તમને ડફોળો અને કાયરો ને તો ખબર નહિ જ પડે.
એક ખાસ સ્પષ્ટતા કે હું કોઈ પક્ષ કે વ્યક્તિના વિરોધ કે સમર્થનમાં નથી. હું ફક્ત અને ફક્ત અજ્ઞાન અને કાયરતાનો વિરોધી છું અને સત્ય, શિવ અને સુંદરતા નો ચાહક અને સમર્થક છું. એટલે મારી વાતોને કોઈ રાજકીય રંગ આપવો નહિ. કારણ કે મને તમારી બુદ્ધિક્ષમતા ખબર છે અને જેવી મતિ એવી ગતિ. હું સ્પષ્ટ કહીશ કે અત્યારે 100 મરે છે એમાંથી 99 નો મને કોઈ શોક નથી. ફક્ત એક નિર્દોષ અને જ્ઞાની ઓછો થાય એનો ગમ છે. લલ્લુ લોકોને લાડ લડાવવાના તો સમજણ આવી ત્યારથી જ બંધ કરી દીધા છે. હું કોઈ ડાયરાનો સસ્તો કલાકાર નથી કે લોકોને સારું લગાડવા લખીશ કે બોલીશ. જ્ઞાન અને સ્વમાન એળે મૂકીને સાચી અને હિતકારી વાત ટાળવાની કે નિર્માલ્ય બનીને જીવવાની કળા મને આવડતી નથી.
કોઈ કહેશે કે યાર આવી ‘ગંભીર’ પરિસ્થિતિમાં તો રડમસ બનો. એમને ખેદ સાથે ( પણ સસ્મિત ) કહેવાનું કે હું આવેલી પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર, કે નિર્ભયતા, ધૈર્ય, બુદ્ધિ અને સામર્થ્ય સાથે પ્રતિકાર કરવામાં માનું છું. હા, અમરપટ્ટો લખાવીને તો હું નથી આવ્યો એટલે આમાં ડફોળ પ્રજાના વાંકે મારી પણ વિકેટ ગમેત્યારે પડી શકે છે. તો શું મોજીલો સ્વભાવ છોડી દેવો? હું પણ જો સામાન્ય માણસની જેમ દુઃખી થાઉં તો મારા ગુરુજી શ્રીકૃષ્ણના ગીતાજ્ઞાનને લાંછન લાગે. માટે આપણને તો બંને બાજુ જલસા છે. જો જીવીશું તો થોડા તો લલ્લુઓ ઓછા હશે એની હાશ છે, બાકી સ્વર્ગમાં તો આનંદ જ આનંદ છે ભાઈ. ના ના તમારે મુર્ખાઓ એ તો પાછા નાગાબાવા બનીને અહીં કુમ્ભમાં જ આવવાનું છે… 😉