(ક્ષમા યાચના સાથે… મારા પ્રિય શ્રી નરસિંહ મહેતાના એક અદભુત પ્રભાતિયા ‘જળકમળ છાંડી જાને’ પરથી…દેશનો એક વિદ્વાન જાગૃત વ્યક્તિ કે જે ભ્રષ્ટ રાજ્યકર્તાઓથી દેશને બચાવવા માંગે છે અને એક ગપ્પીદાસ શિરોમણી પ્રધાનના તળિયા ચાટતા મંત્રી વચ્ચેનો સંવાદ…)
રાજકારણ છાંડી જાને બાળા, પ્રધાન અમારો જાગશે
જાગશે, તને મારશે, મને રાજદ્રોહ લાગશે…
કહે રે વિદ્વાન તું મારગ ભુલ્યો? કે આ વિરોધપક્ષોએ વળાવીઓ?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, સંસદ ભણી શીદ આવીઓ?…
નથી મંત્રી હું મારગ ભુલ્યો, કે કોઈ વિરોધપક્ષે વળાવીઓ,
કોરોના કાળમાં રેલીઓ કાઢતા ગપ્પીદાસને ભાળીઓ….
બળમાં શુરો, બુદ્ધિમાં પૂરો, દીસતો કૃદ્ધ ને કાળ સમો,
આ માતૃભુમિએ આટલા જનમ્યાં, એમાં તું જ કેમ અકળામણો…
આ માતૃભુમિએ બહુ જનમ્યાં, તેમાં હું જ ખરેખર જાગતો,
બોલાવ તારા પ્રધાનને, મારુ નામ કૃષ્ણ કાનુડો…
લાખ સવાની મારી નોટો આપું, આપું હું તુજને કેબિનેટ પોર્ટફોલિયો,
આટલું મારા દેશવાસીથી છાનું, આપું તુજ ને ચોરીઓ…
શું કરું મંત્રી નોટો તારી? શું કરું તારો પોર્ટફોલિયો?
શાને કાજે મંત્રી તારે કરવી દેશમાં જ ચોરીઓ?
દાઢી ખેંચી, મૂછ મરડી, મંત્રીએ પ્રધાનને જગાડીઓ,
ઉઠોને ગપ્પીદાસ કોઈ, સામે સત્યશોધક આવીઓ…
બેઉ બળિયા ચૂંટણી લડીયા, કૃષ્ણે ગપ્પીદાસ નાથિયો,
સહસ્ત્ર વેણ ફુંફવે ભલે, સમસ્ત મીડિયાના મદારીઓ…
મંત્રી સહુ વિલાપ કરે છે, પ્રધાનને આ પાણીચું આપશે,
પ્રપંચી બધા પદભ્રષ્ટ કરશે, પછી ઉજળો પક્ષ એ સ્થાપશે…
બેઉ કર જોડી વિનવે, સ્વામી! છોડો અમારા ગપ્પીદાસ ઘંટને,
અમે ભ્રષ્ટાચારી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને…
જાગ્રત બની પ્રજાજન સર્વે, વોટથી કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથે જ તો, દુષ્ટોથી દેશ છોડાવીયો…
મને વિશ્વાસ છે કે શ્રી નરસિંહ મેહતા એમની અદભુત કૃતિનો આવો ઉપયોગ કરવા બદલ એમ સમજીને મને માફ કરશે કે એનો આશય જનજાગૃતિનો છે. જે પવિત્ર ઉદ્ધેશ્યથી પ્રભાતિયાં રચાતા હતા એવો જ મારો ભાવ છે. કે સવાર સવારમાં લોકોના કાને બે સારા શબ્દો પડે. પણ દુઃખદ વાત એ છે કે આ દેશમાં લોકોના કાને ભલે ગમેતેવા સારા શબ્દો પડે, એ છેવટે તો કાંઈ મગજમાં ઉતારવાના નથી. 😉
બાણભટ્ટ રચિત કાદમ્બરીમાં કથા નાયક ચંદ્રાપીડના યૌવરાજ્યાભિષેકના એક દિવસ પહેલા મહામંત્રી શુકનાસ તેને ઉપદેશ આપતા કહે છે કે,”હે કુમાર,તમારે એવી રીતે વર્તવાનો પ્રયત્ન કરવો કે મનુષ્યો તમારી હાંસી કરે નહિ, સજ્જનો નિંદા કરે નહિ, ગુરુજનો તમને ધિક્કારે નહિ, મિત્રો ઠપકો આપે નહિ અને વિદ્વાનો તમારા માટે શોક કરે નહિ ….”.
મિત્રો, હવે જો એમાંથી બધુજ ઉલટું થતું હોય તો યુવરાજનો કોઈક તો દોષ હોવો જોઈએ કે ના હોવો જોઈએ? 😉 કાં તો યુવરાજ કોઈનો ઉપદેશ સાંભળતા નથી, કાં તો સાંભળીને પણ મનનું ધાર્યું જ કર્યા કરે છે. અને મનમાં કોઈ વહીવટી આવડત તો છે નહિ એટલે પ્રજ તો આપત્તિ સમયે મરી જ સમજો.
આ દેશની કોમેડી એ છે કે હજી પણ લલ્લુ પબ્લિકને એટલી ગતાગમ નથી કે જરૂર સરકારો બદલવાની નહિ પણ ખરેખર તમારામાં સાચી સમજણ લાવવાની છે. જો તમારામાં સદબુદ્ધિ આવશે તો સરકારો આપોઆપ બદલાઈ જશે. બાકી તો એક કાળીનાગ ને કાઢો તો બીજો એનાથી પણ વધુ ઝેરી સર્પ સત્તા પર સવાર થઇ જશે. યાદ રાખજો કે જો તમે કાયર રહેશો તો તમારા કપાળેતો રાજા કંસ જ લખેલા છે.
સોશ્યિલ મીડિયામાં સ્ટેટ્સ બદલવા જેટલો સમય જો સાચી સમજણ લાવવામાં કાઢો તો તમારા વ્યક્તિત્વનું અને છેવટે સમાજનું અને દેશનું સ્ટેટ્સ અપગ્રેડ થાય. 🙂