Category : Gujarati Poem

સંબંધ અને સમજ



સૌરમંડળ જેવા હોય છે સંબંધો,
સૌ પોત-પોતાની ધરી પર ફરવામાં તન્મય છે,
એક ડગલું આગળ ભરો તો બળવાનો,
જો ડગલું પાછળ મુકો તો ઠરી જવાનો ભય છે

સૂર્ય તો છે સ્વયંમાં અચળ,
ગ્રહોની ભ્રમણામાં જ એનો અસ્ત કે ઉદય છે,
હૃષી બુદ્ધિ તો જાણે છે બધું,
પણ લોકોને ગોળ ગોળ ઘુમાવતું તો હૃદય છે

##

બ્રહ્માંડની વિશાળતા છે અપાર,
હર ક્ષણ ક્યાંક સર્જન તો ક્યાંક પ્રલય છે,
મર્મ સમજ્યો એને મળ્યો મંઝિલનો સાર,
જેમાંથી છે ઉદ્દભવ અંતે એમાં જ વિલય છે

બધાની એ જ છે ફરિયાદ,
કે સફર છે લાંબી ને ઓછો સમય છે,
છતાં ઉતાવળનો કોઈ અર્થ નથી હૃષી,
આનંદ એ જ પામે જેનો સર્વ સ્થિતિમાં એક જ લય છે



મનુષ્ય જ નહિ પરંતુ કોઈ પણ જીવના  ( પ્રાણી, પક્ષી, જીવજંતુ વગેરે ) અસ્તિત્વનું અભિન્ન અંગ છે ‘સંબંધો’. મનુષ્યની જ વાત કરીએ તો ઘણા જન્મ સાથે જ જોડાયેલા હોય છે ( જેમ કે માતા-પિતા, ભાઈ-બહેન વગેરે ) અને બાકીના સમય સંજોગોને આધારે બનતા હોય છે. શું તમે કહી શકો કે આપણા જીવનમાં સંબંધો વધારે અગત્યના છે કે આપણા અસ્તિત્વ વિશેની સમજણ? બીજા શબ્દોમાં, શું સમજણ પહેલાં કે સંબંધ? સમજણ હોય તો જવાબ સરળ છે નહીંતર એ આવે નહિ ત્યાં સુધી રાહ જોવી પડશે 😉

હવે જો હું એમ પુછું કે શું સમજણ વગર કોઈ સંબંધને જાણી શકે? જો આ સવાલનો જવાબ તમે વિચારી શકો તો કદાચ બધા સંબંધોનું તથ્ય તમને સમજાઈ જશે. જે વ્યક્તિનો માનસિક વિકાસ થયો નથી એવા વ્યક્તિને મન કોઈ પણ સંબંધનું અસ્તિત્વ હોતું નથી. જેમ કોઈ માનસિક રીતે અસ્થિર વ્યક્તિ ગમેતેને ગમેતે કહેશે કે પછી ગમેતેમ વર્તશે. આપણા બધાજ સંબંધોના સ્વાસ્થ્યનો આપણી માનસિક પરિપક્વતા સાથે સીધો સંબંધ છે.

શરીર, મન અને વ્યવસાય સંબંધી તમામ સંબંધો માંથી મળતા સુખ-દુઃખ માટે તમારી સમજણ જવાબદાર છે. કોઈ કહેશે કે, હું તો સમજદાર છું પણ મારી પત્ની કે પતિ જો ના સમજે અને મને દૂખી કરે તો? સૌ પ્રથમ તો આવો સવાલ કોઈ સમજદાર વ્યક્તિ ક્યારેય નહિ પૂછે. કારણ કે જયારે તમે પોતે જ સમજદાર નથી હોતા એવી અવસ્થામાં જ નાસમજ વ્યક્તિ જોડે સંબંધ બાંધો છો. મનોવિજ્ઞાનીઓ  ( psychologist ) એને મુગ્ધાવસ્થા કહે છે પણ સ્પષ્ટ શબ્દોમાં એ મુર્ખાવસ્થા છે. 😉

માનસિક પરિપક્વતાની સર્વોચ્ચ અવસ્થા પર કોઈ પણ સાંસારિક સંબંધોનું અસ્તિત્વ નથી. તત્વજ્ઞાન સમજ્યા વગર કોઈ તૂટી પડે એ પહેલાં કહી દઉં કે, ‘અસ્તિત્વ નથી’ એનો મતલબ એ કે સમજણ વગરના માણસો જે રીતે ભય-લોભના સંબંધો રાખે છે એની વાત થાય છે અને નિમ્ન સ્તરના સંસારનો પાયો જ સ્વાર્થ છે. કોઈ અણસમજુ કહેશે કે એવી આસક્તિ વગરની અવસ્થા તો સાવ નીરસ જીવન કહેવાય. હકીકતમાં એ જ અવસ્થા પામ્યાં પછી તમે જીવન નામની અમૂલ્ય ભેટને ખરેખર આનંદ પૂર્વક માણી શકો છો. લોક વ્યવહારની બાલિશતા જયારે સમજાય છે ત્યારે જ જિંદગીના બધા ગમ જતા રહે છે અને ઘર-ઘરની ગમ્મતથી તમે ઉપર ઉઠી જાઓ છો. 🙂

જિંદગી જો એક ટ્રેનની સફર હોય તો, તમે અચાનક જ કોઈ ડબ્બામાં આવી પડ્યા છો. હવે એ તમારા પર છે કે આ સફરને આનંદથી માણવી કે પછી ફરિયાદો કરીને દૂખી થયા કરવું કે, આ મારો ડબ્બો નથી, હું તો ફલાણા વર્ગના ડબ્બાના જ લાયક છું, મારાથી ભિન્ન રંગ, જાતિ, શિક્ષણ કે ધર્મવાળા સહયાત્રીઓ સાથે મને ના ફાવે… જુઓ ભાઈ, જે આ ટ્રેન, રેલવેસ્ટેશન અને સમગ્ર બ્રહ્માંડનો માલિક છે એને બધી જ ખબર છે કે તમે કયા ડબ્બાના લાયક છો. એટલે ખોટી ફરિયાદોમાં ટાઈમ બગાડવો નહિ અને એટલો સમય પોતાની જાતના વિકાસ માટે ફાળવવો, તો કદાચ આગળની કોઈ સફરમાં તમને બીજો ડબ્બો કે બીજા સહયાત્રીઓ કે કોઈ સિનિક રૂટ મળશે. બાકી રડારોળ કરો કે સફરને રંગીન બનાવો, દરેક યાત્રીનું છેલ્લું સ્ટેશન એને ખબર જ છે…તો પછી બાજુવાળા માસીના થેપલા ખાઈને જલસા કરોને મોટાભાઈ. ક્યાં કોઈ ગપ્પીદાસ કજિયારા કાકાઓની વાતોમાં આવીને લેવાદેવા વગરની ધમાલ મચાઓ છો. 😉


Category : Gujarati Poem

અડગ આત્મવિશ્વાસ



વિપરીત પરિસ્થિતિને પછાડીને થા પગભર,
અવરોધોથી જે રૂંધાય, એ તો છે કાયર નર,

અડગ આત્મવિશ્વાસથી આજ એવા ડગ ભર,
જાણે રામ ધનુષમાંથી નીકળ્યું અમોઘ સર,

મંથર ગતિથી તો ચૂકીશ તું મહાનતાના અવસર,
પ્રચંડ વેગ જોઈને તારો કાંપશે દિશાઓ થરથર,

યુવાનને  વળી શું  હોય  કદી  નિષ્ફળતાનો ડર?
વીરને મન તો હર ક્ષણ જાણે પરાક્રમનો અવસર,

ત્યાં સુધી અટકશે નહીં ‘હૃષી’ શબ્દોની આ સફર,
જ્યાં સુધી ન વર્તાય ક્રાંતિકારી વિચારોની અસર.



એક પશુ જ પરિસ્થિતિ સામે લાચાર હોય છે. પરિસ્થિતિ સામે પરવશતા એ સામાન્ય મનુષ્યનું લક્ષણ છે. ખરેખર તો સામાન્ય અને અસામાન્ય વ્યક્તિ વચ્ચે એક જ પગથિયાનું અંતર છે, અને એ પગથિયાનું નામ છે દૃઢ નિશ્ચય. એટલે પ્રશ્ર્ન તો  એ જ છે કે તમારે સામાન્ય જ રહેવું છે કે પોતાનામાં રહેલી વિશિષ્ટ પ્રતિભાને પામવી છે?

પોતાના વિકાસ માટે દૃઢ નિશ્ચય કરવા માટે અને પછી એને એટલી જ મક્ક્મતાથી વળગી રહેવા માટે જરૂરી છે આત્મવિશ્વાસ. અને આત્મવિશ્વાસ આવે છે સ્વયં ને બરાબર ઓળખ્યા પછી, અર્થાત આત્મજ્ઞાન થાય ત્યારે. જયારે તમે તમારી જાતને જાણો છો એ જ ક્ષણે તમે પરિસ્થિતિ જન્ય સુખ-દુઃખ, લાભ-હાનિ અને સરળતા-વિકટતાના દ્વંદ્વથી પર થઇ જાઓ છો. પછી બસ રહે છે માત્ર તમે અને તમારો જ્ઞાન-વિજ્ઞાન, આત્મ-વિકાસ અને સમાજ કલ્યાણ લક્ષી અથાગ પ્રયત્ન. આ જ તો છે ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે ઉપદેશેલો કર્મયોગ. 🙂

કદાચ કોઈના મનમાં પ્રશ્ન થતો હોય કે તો શું ‘રામ રાખે તેમ રહીએ’ એ તત્વજ્ઞાન ખોટું? તો એવા આળસુ મુર્ખાત્માઓને આદર સહીત જણાવવાનું કે એ ભજનમાં મીરાંબાઈ ફક્ત સંજોગો વસાત આવી પડેલ પરિસ્થિતિને આનંદપૂર્વક માણવાનું કહે છે. કારણ કે આપણા હાથમાં ફક્ત પ્રયત્નો જ છે પરિણામ નહિ. પણ એ ભજનમાં કયાંય પણ એવી લીટી નથી કે જે કહેતી હોય કે ‘આજીવન મૂરખના મૂરખ જ રહીએ ઓધવજી… રામમાંથી કોઈ સદ્-ગુણ ના કદી લઈએ… ફક્ત રામ-રામ એમ જીભ જ હલાવતા રહીએ … ‘ 😉

યાદ રાખો, રામ કદી કોઈને નમાલા અને ભિખારી રાખવા માંગતા નથી. લક્ષ્મણ, હનુમાન, સુગ્રીવ, જાંબુવાન, નીલ અને  અંગદ જેવા અગણિત શૂરવીર અને બુદ્ધિશાળી વ્યક્તિઓ એમની આસપાસ જોવા મળશે. એક પણ લલ્લુને લંકા યુદ્ધમાં સાથે રાખ્યો હોય તો બતાવો! રાંક જ રહેવું હોય તો રામ નામ જપવાનું બંધ કરો કારણ કે એ અવધપતિનું અપમાન છે. રામાયણ અને મહાભારતનો એજ ઉપદેશ છે કે, એમાં વર્ણવેલા તેજસ્વી મહાપુરુષોનું આહવાન કરી એવા બનવા પ્રયત્ન કરો તો ઈશ્વર સામેથી તમારા સારથી બનશે. બાકી સદીઓથી મંદિરોના ઘંટ વગાડી વગાડીને સમાજ ઘંટ જેવો તો બની જ ગયો છે. 😉


Category : Gujarati Poem

રાજકારણ છાંડી જાને



(ક્ષમા યાચના સાથે… મારા પ્રિય શ્રી નરસિંહ મહેતાના એક અદભુત પ્રભાતિયા ‘જળકમળ છાંડી જાને’ પરથી…દેશનો એક વિદ્વાન જાગૃત વ્યક્તિ કે જે ભ્રષ્ટ રાજ્યકર્તાઓથી દેશને બચાવવા માંગે છે અને એક ગપ્પીદાસ શિરોમણી પ્રધાનના તળિયા ચાટતા મંત્રી વચ્ચેનો સંવાદ…)


રાજકારણ છાંડી જાને બાળા, પ્રધાન અમારો જાગશે
જાગશે, તને મારશે, મને રાજદ્રોહ લાગશે…

કહે રે વિદ્વાન તું મારગ ભુલ્યો? કે આ વિરોધપક્ષોએ વળાવીઓ?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, સંસદ ભણી શીદ આવીઓ?…

નથી મંત્રી હું મારગ ભુલ્યો, કે કોઈ વિરોધપક્ષે વળાવીઓ,
કોરોના કાળમાં રેલીઓ કાઢતા ગપ્પીદાસને ભાળીઓ….

બળમાં શુરો, બુદ્ધિમાં પૂરો, દીસતો કૃદ્ધ ને કાળ સમો,
આ માતૃભુમિએ આટલા જનમ્યાં, એમાં તું જ કેમ અકળામણો…

આ માતૃભુમિએ બહુ જનમ્યાં, તેમાં હું જ ખરેખર જાગતો,
બોલાવ તારા પ્રધાનને, મારુ નામ કૃષ્ણ કાનુડો…

લાખ સવાની મારી નોટો આપું, આપું હું તુજને કેબિનેટ પોર્ટફોલિયો,
આટલું મારા દેશવાસીથી છાનું, આપું તુજ ને ચોરીઓ…

શું કરું મંત્રી નોટો તારી? શું કરું તારો પોર્ટફોલિયો?
શાને કાજે મંત્રી તારે કરવી દેશમાં જ ચોરીઓ?

દાઢી ખેંચી, મૂછ મરડી, મંત્રીએ પ્રધાનને જગાડીઓ,
ઉઠોને ગપ્પીદાસ કોઈ, સામે સત્યશોધક આવીઓ…

બેઉ બળિયા ચૂંટણી લડીયા, કૃષ્ણે ગપ્પીદાસ નાથિયો,
સહસ્ત્ર વેણ ફુંફવે ભલે, સમસ્ત મીડિયાના મદારીઓ…

મંત્રી સહુ વિલાપ કરે છે, પ્રધાનને આ પાણીચું આપશે,
પ્રપંચી બધા પદભ્રષ્ટ કરશે, પછી ઉજળો પક્ષ એ સ્થાપશે…

બેઉ કર જોડી વિનવે, સ્વામી! છોડો અમારા ગપ્પીદાસ ઘંટને,
અમે ભ્રષ્ટાચારી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને…

જાગ્રત બની પ્રજાજન સર્વે, વોટથી કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથે જ તો, દુષ્ટોથી દેશ છોડાવીયો…



મને વિશ્વાસ છે કે શ્રી નરસિંહ મેહતા એમની અદભુત કૃતિનો આવો ઉપયોગ કરવા બદલ એમ સમજીને મને માફ કરશે કે એનો આશય જનજાગૃતિનો છે. જે પવિત્ર ઉદ્ધેશ્યથી પ્રભાતિયાં રચાતા હતા એવો જ મારો ભાવ છે. કે સવાર સવારમાં લોકોના કાને બે સારા શબ્દો પડે. પણ દુઃખદ વાત એ છે કે આ દેશમાં લોકોના કાને ભલે ગમેતેવા સારા શબ્દો પડે, એ છેવટે તો કાંઈ મગજમાં ઉતારવાના નથી. 😉 

બાણભટ્ટ રચિત કાદમ્બરીમાં કથા નાયક ચંદ્રાપીડના યૌવરાજ્યાભિષેકના એક દિવસ પહેલા મહામંત્રી શુકનાસ તેને ઉપદેશ આપતા કહે છે કે,”હે કુમાર,તમારે એવી રીતે વર્તવાનો પ્રયત્ન કરવો કે મનુષ્યો તમારી હાંસી કરે નહિ, સજ્જનો નિંદા કરે નહિ, ગુરુજનો તમને ધિક્કારે નહિ, મિત્રો ઠપકો આપે નહિ અને વિદ્વાનો તમારા માટે શોક કરે નહિ ….”.

મિત્રો, હવે જો એમાંથી બધુજ ઉલટું થતું હોય તો યુવરાજનો કોઈક તો દોષ હોવો જોઈએ કે ના હોવો જોઈએ? 😉 કાં તો યુવરાજ કોઈનો ઉપદેશ સાંભળતા નથી, કાં તો સાંભળીને પણ મનનું ધાર્યું જ કર્યા કરે છે. અને મનમાં કોઈ વહીવટી આવડત તો છે નહિ એટલે પ્રજ તો આપત્તિ સમયે મરી જ સમજો.

આ દેશની કોમેડી એ છે કે હજી પણ લલ્લુ પબ્લિકને એટલી ગતાગમ નથી કે જરૂર સરકારો બદલવાની નહિ પણ ખરેખર તમારામાં સાચી સમજણ લાવવાની છે. જો તમારામાં સદબુદ્ધિ આવશે તો સરકારો આપોઆપ બદલાઈ જશે. બાકી તો એક કાળીનાગ ને કાઢો તો બીજો એનાથી પણ વધુ ઝેરી સર્પ સત્તા પર સવાર થઇ જશે. યાદ રાખજો કે જો તમે કાયર રહેશો તો તમારા કપાળેતો રાજા કંસ જ લખેલા છે.

સોશ્યિલ મીડિયામાં સ્ટેટ્સ બદલવા જેટલો સમય જો સાચી સમજણ લાવવામાં કાઢો તો તમારા વ્યક્તિત્વનું અને છેવટે સમાજનું અને દેશનું સ્ટેટ્સ અપગ્રેડ થાય. 🙂


Category : Thoughts in Gujarati

ગુજરાતી બાળકનો પત્ર



વિદ્વાન મિત્રો ગંભીર ના બની જાય એના માટે થોડું હાસ્ય

ડોક્ટરો વૈદકીય ઈલાજો સુચવીને ગ્રુપને સ્વસ્થ રાખે છે તો હું થોડા વિનોદ દ્વારા સત્યને ઉજાગર કરતી થોડી ગમ્મ્ત કરીશ.

એક ચેતવણી : સ્ટ્રોંગ રાજકીય મત ધરાવતા મિત્રોએ આગળ વાંચીને મગજની નસો ખેંચવી નહિ. કારણકે લલ્લુ પ્રજા માટે કોઈ પણ સરકાર હોય કાંઈ ફરક પડતો નથી. સો જસ્ટ ચીલ


ગુજરાતના એક નાના બાળકનો દિલ્લીમાં રહેતા એના મમ્મી પપ્પાને પત્ર

( આમાં કયું પાત્ર કોણ છે એ તો આપ સુશિક્ષિત મિત્રો જાણી જ ગયા હશો )

મારા વહાલા મમ્મી પપ્પા,

જય શ્રીરામ સાથે જણાવવાનું કે આપ મારા જેવા ધાવતા બાળકને આમ મૂકીને જતા રહ્યા છો તો મને બહુ એકલું એકલું લાગે છે. જતા પહેલા તમે તો કહેતા હતા કે મારે તો અહીંયા કશુંજ કરવાનું નથી. ફક્ત ઘોડિયામાં ઝૂલવાનું છે અને મમ્મી પપ્પાની આજ્ઞા ઝીલવાની છે. પણ આ કોરોનાના સંકટે  તો બધી બાજી જ બગાડી દીધી છે. મામા ને કાકાઓ કહેતા હતા કે તમે તો કોઈ દીદી જોડે બીઝી છો એટલે આવતા વાર લાગશે. પણ તમે તો ક્યારેય કહ્યું નથી કે મારે એક દીદી પણ છે!

એ જે હોય તે, પણ તમે વહેલા ઘરે આવો. લોકો પણ કહે છે કે કાળીનાગ અને કંસ ગોકુલ છોડ્યા પછી મથુરામાં પાછા દેખાતા નથી. એ કૃષ્ણ અને બલરામની વાર્તા હતી કે કાળીનાગ અને કંસની એ હું ભૂલી ગયો છું પણ એવુજ કંઈક હતું. અત્યારે રામની વાર્તાઓ યાદ રાખવામાં હું એ બધું ભૂલી જાઉં છું, પણ તમે જલ્દી આવો અને મને લોકોના મહેણાંટોણા અને રોષથી બચાવો. જુઠ્ઠું બોલવાના અને ગપ્પા મારવાના સંસ્કારતો આપણા કુળમાં ગળગૂંથીથી જ અપાય છે પણ મને હજુ એટલું બોલતા આવડતું નથી અને મારી કાલીઘેલી વાતોની મીડિયા મજાક ઉડાડે છે. ( જોકે આમ તો  મીડિયા આપનાથી ડરે છે એટલે બહુ કાંઈ વાયરલ થતું નથી એટલી હાશ છે ) 

ચિંતા ના કરતા, મેં ( અને તમે પણ ) આટલું બધું બાફ્યું છે છતાં અહીં તમારો કોઈ ઉધડો નહિ લે. ઉપરથી આ નમાલી પ્રજા તો આપને ફૂલડે વધાવશે.

એક નવું નક્કોર સ્મશાન બનાવીને રાખ્યું છે. આપ આવો પછી જ રીબીન કાપીએ. આશા છે કે ત્યારે પણ સ્મશાનમાં આટલી જ લાઈનો હશે.   (મેડ ઈન ચાઈના છે પણ એ જ લોકો સૌથી વધુ કમિશન આપવા તૈયાર હતા. ખરેખર પપ્પા મેક ઈન ઇન્ડિયા કરે છે પણ આપણા વાળાઓને જયારે પૂછીએ ત્યારે એક જ જવાબ આપે છે કે પોસાતું નથી. કોઈને ધંધો કરતાં જ નથી આવડતું બોલો.)

મમ્મી પપ્પાને કહેજે કે પૈસાની ચિંતા નથી. નોટબંધી વખતના હજુ ચાલે છે. વેન્ટિલેટર બેન્ટીલેટર પાછળ ખોટા ખરચા કર્યા નથી. આમેય 5/10 દિવસે મરવાના જ હોય એમને ક્યાં ટોટીઓ નાખીને હેરાન કરવા. હા એક નવું એરોપ્લેન લીધું છે કારણકે બધા સગાસંબંધીઓ ઘરે રહીને અકળાઈ ગયા છે તો ખાલી ખાલી અમદાવાદ મહેસાણા વચ્ચે આંટા ફેરા મારીને મન હળવું કરીએ છીએ. અને ઉપર રહીને પ્રજાથી સેફ ફિઝિકલ ડિસ્ટન્સ જાળવી રાખીએ છીએ.

લિ.

આપનો ઘોડિયામાં રમતો.. બકુડો ચકુડો…

તા.ક. : આવો ત્યારે કેટલાના ટોળા ભેગા કરવાના છે એ થોડું અગાઉથી જણાવજો કારણકે અત્યારે ઘણા તલાટી અને શિક્ષકો કોરોનાગ્રસ્ત હોવાથી એટલું જલ્દી લોકોને પૈસા ( અને સુરા )ની લાલચે બોલાવી નહિ શકે.


Category : Gujarati Poem

મૂર્ખતા એ જ મોત



ગુસ્સો તો બહુ આવે છે કહીને પળમાં ઠરી જશે,
સાથે ઉભા રહીશું કહેવાવાળા કાલે જ ફરી જશે,
કાયરોની પ્રજા તો વળી કઈ કમાલ કરી જશે?
મુર્ખાઓ તો હૃષી આમ જ જીવ્યા ને મરી જશે.



અત્યારે એવા સમાચાર આવે છે કે ઘણા ડફોળશંકરો દવાખાનામાં તોડફોડ કરે છે અને ડોક્ટરો તથા સ્ટાફને મારે છે. પરિસ્થિતિવશ ગુસ્સો આવવો સ્વાભાવિક છે પણ મોટાભાઈ સાચી વાત સાંભળવાની કે સમજવાની આપના નાના મગજની ક્ષમતા નથી. માટે ધીરજ રાખો અને આપના પણ યમદેવના નિમંત્રણની રાહ જુઓ. ના ના, કોઈ ફિકર ના કરો વડીલ, યમદેવના ત્યાં પ્રસંગ નિમિત્તે કેટલા જીવ ભેગા કરવા એની કોઈ લિમિટ નથી. અને આપ જેવા ઉલ્લુઓ માટે તો ખાસ આમંત્રણ છે. 😉

કોણે તમારી આ દશા કરી ( ઓફ કોર્સ આપની બળદબુદ્ધિ પછી જ તો ) એ તો ખબર પડતી નથી અને જે ડોક્ટરો અને અન્ય સ્ટાફ જીવના જોખમે આપની સેવા કરે છે એના પગે પડવાને બદલે આવું હીન કૃત્ય કરો છો. ચરણામૃત તમારા ચંબુ જેવા રાજકીય અને ધાર્મિક સ્વામી સાધુઓના નહિ પણ આ ડોક્ટરોના પીવો. કોઈ કહેશે કે અરે એ તો પૈસા માટે કરે છે. અરે વડીલ એવો કોઈ માઈનો લાલ આપના હલકટ કુળમાંથી ગોતી લાવો કે જે ને ખબરહોય કે સામે મોત છે પણ પૈસા માટે આવી પરિસ્થિતિમાં કામ કરે.

હવે મુખ્ય મુદ્દા પર આવીએ. પૂરતી તબીબી સુવિધાઓ નથી એના માટે કોણ જવાબદાર છે? કોન બનેગા કરોડપતિ કરતા પણ વધુ રૂપિયાનો સવાલ છે, જો આપને એક જીવની શું કિંમત છે એ ખબર હોય તો. જવાબ હું નહિ આપું. જો આપના સ્નેહીજનો અને પોતાનો જીવ વહાલો હોય તો ઘેર બેઠા આટલું હોમવર્ક કરજો.

આજે ઘેર ઘેર કોઈ કાં તો અસહ્ય રીતે બીમાર છે અથવાતો કોઈ એ જીવ ગુમાવ્યો છે. છતાં પણ જો આપની બુદ્ધિ ના ચાલતી હોય તો ધન્ય છે આપના વોટ્સએપિયા જ્ઞાનને. આવી નિર્દોષ લોકોની લાશો પર તાગડધિન્ના કરનારની કોઈ બુદ્ધિમાન અને બળવાન સમાજ શું હાલત કરે એ તમને ડફોળો અને કાયરો ને તો ખબર નહિ જ પડે.

એક ખાસ સ્પષ્ટતા કે હું કોઈ પક્ષ કે વ્યક્તિના વિરોધ કે સમર્થનમાં નથી. હું ફક્ત અને ફક્ત અજ્ઞાન અને કાયરતાનો વિરોધી છું અને સત્ય, શિવ અને સુંદરતા નો ચાહક અને સમર્થક છું. એટલે મારી વાતોને કોઈ રાજકીય રંગ આપવો નહિ. કારણ કે મને તમારી બુદ્ધિક્ષમતા ખબર છે અને જેવી મતિ એવી ગતિ. હું સ્પષ્ટ કહીશ કે અત્યારે 100 મરે છે એમાંથી 99 નો મને કોઈ શોક નથી. ફક્ત એક નિર્દોષ અને જ્ઞાની ઓછો થાય એનો ગમ છે. લલ્લુ લોકોને લાડ લડાવવાના તો સમજણ આવી ત્યારથી જ બંધ કરી દીધા છે. હું કોઈ ડાયરાનો સસ્તો કલાકાર નથી કે લોકોને  સારું લગાડવા લખીશ કે બોલીશ. જ્ઞાન અને સ્વમાન એળે મૂકીને સાચી અને હિતકારી વાત ટાળવાની કે નિર્માલ્ય બનીને જીવવાની કળા મને આવડતી નથી.

કોઈ કહેશે કે યાર આવી ‘ગંભીર’ પરિસ્થિતિમાં તો રડમસ બનો. એમને ખેદ સાથે ( પણ સસ્મિત ) કહેવાનું કે હું આવેલી પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર, કે નિર્ભયતા, ધૈર્ય, બુદ્ધિ અને સામર્થ્ય સાથે પ્રતિકાર કરવામાં માનું છું. હા, અમરપટ્ટો લખાવીને તો હું નથી આવ્યો એટલે આમાં ડફોળ પ્રજાના વાંકે મારી પણ વિકેટ ગમેત્યારે પડી શકે છે. તો શું મોજીલો સ્વભાવ છોડી દેવો? હું પણ જો સામાન્ય માણસની જેમ દુઃખી થાઉં તો મારા ગુરુજી શ્રીકૃષ્ણના ગીતાજ્ઞાનને લાંછન લાગે. માટે આપણને તો બંને બાજુ જલસા છે. જો જીવીશું તો થોડા તો લલ્લુઓ ઓછા હશે એની હાશ છે, બાકી સ્વર્ગમાં તો આનંદ જ આનંદ છે ભાઈ. ના ના તમારે મુર્ખાઓ એ તો પાછા નાગાબાવા બનીને અહીં કુમ્ભમાં જ આવવાનું છે… 😉