ફકીર હોવા છતાં અમીરો જેવા હાલ રાખું છું,
ન આવડે સરગમ પણ અકબંધ તાલ રાખું છું,
ઘરથી અજાણ, પણ દેશવિદેશનો ખ્યાલ રાખું છું,
પોતાનું કાંઈ નથી, એટલે પારકી પંચાત રાખું છું,
કોને ખબર, આ ખિસ્સામાં કેટલો પારકો માલ રાખું છું,
ઉધારીથી ભરેલો તો આખેઆખો ઉપલો માળ રાખું છું,
અસંખ્ય પાપ કરી જીવને પુણ્યથી પાયમાલ રાખું છું,
પણ ભગવાનને ભ્રમિત કરવા હાથમાં કરતાલ રાખું છું,
કોઈક તો લક્ષ્મીપતિ સમજશે એમ સમજી ‘હૃષી’,
હું સ્વેચ્છાએ જ આ માથામાં થોડી ટાલ રાખું છું.
બુરા દેખન મેં ચલા, બુરા ન મિલિયા કોય.
જો દિલ ખોજા આપના, મુઝસે બુરા ન કોય..
– કબીર
શાસ્ત્રોએ આત્મશ્લાઘાની ( સ્વસ્તુતિ ) ના પાડી છે અને પારકી નિંદાની ના પાડી છે પણ સ્વાનિંદા તો કરી શકાય એવું સમજીને આજે કલમ ઉપાડી છે. પહેલી લીટીમાં જ મારો દંભ જુઓ, જાણે કે હું બધું શાસ્ત્ર વચન પ્રમાણે જ કરતો હોઉં ! રણવીરભાઈની જેમ શારીરિક રીતે નગ્ન થવાની તો મારી ક્ષમતા નથી પણ અહીં શાબ્દિક રીતે જાતને નગ્ન કરી જે આત્મદર્શન હજી સુધી મેં પણ નથી કર્યું એ કદાચ તમને કરાવી શકીશ. મારી પાસે ‘દીપિકા’ ના હોવાથી એમ કરતાં મારુ ચરિત્ર કાંઈ દીપી ઉઠવાનું નથી પણ કોઈની નજર ના લાગે એવું કાળું ટીલું માથે થાય તોય ભલે.
આખા ગામની પંચાત અને બુરાઈ કરવામાં હું ક્યારેક ( વાંચો હંમેશા ) એ ભૂલી જાઉં છું કે આપણા તો અઢારે અંગ વાંકા છે. આજે તો મને એવું જ લાગી આવ્યું કે છાપામાં જાહેરાત જ અપાવી દઉં કે ‘જાહેર ચેતવણી, હું એટલો દંભી છું કે મારી સાથે કોઈએ કોઈ પણ જાતનો સંબંધ રાખવો નહીં…” પણ પછી થયું કે એમ કરવા જતા ઉલટાના જે લેણદારો છે એ સંબંધ વધારશે અને ઘર બહાર જ અડ્ડો જમાવશે. માટે હાલ પૂરતો એ વિચાર મુલતવી રાખ્યો છે. સોસિયલ મીડિયામાં આ લખવાનો વાંધો નથી કારણ કે મોટે ભાગે અભણ લોકો જોડેથી જ ઉધાર લીધા છે અને એ કાંઈ કવિતાઓ બવીતાઓ વાંચવાના નથી. ( ભારતમાં સંપત્તિ કેમ અભણો પાસે વધુ રહેતી હશે ભગવાન જાણે ! )
મેં નોકરી છોડી ને ધંધો ચાલુ કર્યો કે જેથી લોકોને એમ થાય કે ભાઈ કેવા સાહસિક છે. પણ હકીકત તો એ છે કે મને કોઈ નોકરી આપવા તૈયાર જ નહોતું એટલે કોઈ છૂટકો જ નહોતો. વળી, મારી કોઈ ધંધામાં કશી ખાસ આવડત નથી એટલે શેરબજારના સથવારે જ ગાડું ગાબડાવું છું ( ભાઈ આ ભાવે જો પેટ્રોલ હોય તો ગાડી ચલાવવાની મારી હેસિયત નથી. ). પોતાની કંપની ખોલવાની તાકાત નથી એટલે પારકી કંપનીઓના શેર લે-વેચ કરવા એવી અવળી બુદ્ધિ છે. વળી લોભિયાઓના શહેરમાં ( હાલ કોઈ ગાંધીનગર આવીને રસ્તે રખડતા ગાયોના ટોળા જોઈને એમ કહે કે આ શહેર નથી પણ ગામ છે તો હું વિરોધ નહિ નોંધાવું) ધુતારા ભૂખે ના મરે એટલે પાંચ પૈસા મળે છે.
હવે નોકરી પછી છોકરીનું પણ સત્ય કહી જ દઉં. મિત્રો મને જિતેન્દ્રિય માને છે અને વખાણ કરે છે કે અવિવાહિત રહીને મેં દુઃખોને હિમ્મત પૂર્વક ટાળ્યા છે. પણ સત્ય તો કાંઈ બીજું જ છે. હકીતકત તો એ છે કે રાત-દિવસ ચરખો ચલાવતાં માંડ મારું ધોતિયું બને છે એમાં કોઈને સાડી પહેરાવાવનું આ દરિદ્રનું ગજું નથી. અને ભૂલેચુકે ( આપણી ભૂલે અને સંતતિનિયમનના સાધનની ચુકે ! ) જો બાળક આવે તો મારે પણ કોઈ દ્રોણની જેમ મારા અશ્વથામા માટે ગાય શોધવા નીકળવું પડે. આ સાંભળીને જો કોઈ દ્રુપદનું હૈયું ( કે ખિસ્સું ) હચમચી ઉઠ્યું હોય તો મારી બેંક ડિટેઈલ્સ માટે મેસેજ કરવો.
ભણતરમાં પણ એવું જ છે. ગુજરાતીમાં ગપ્પા મારીને ગુજરાત યુનિવર્સીટી માંથી ઇજનેરી સ્નાતકની પદવી લીધી પણ પછી ખબર પડી કે આ જાતકના ગ્રહો તો ખુબ નબળા છે માટે હજી અમેરિકા જઈને અંગ્રેજીમાં ગપ્પા મારીને અનુસ્નાતક ના બનો તો કોઈ વેલ્યુ નથી. અનુસ્નાતક બનવાથી પપ્પાના બૅન્કબેલેન્સની વેલ્યુ ખુબ ઘટી પણ આપણી કાંઈ એટલી વધી નઈ. એક તો આપણી વિદ્યા તો હજી બાલન જ રહી, ઉપરથી અમેરિકામાં આંટાફેરા મારીને ભારતના વિદેશી હૂંડિયામણના બેલેન્સ ને અસર કરી આપણા મહામુલા રૂપિયાની વેલ્યુ પણ ઘટાડી. તમે જોઈ શકો છો કે આ રૂપિયાને ડોલર સામે આટલો નીચો લાવવામાં મારો પણ કઈંક પૈસાનો ભાગ છે. આવા દેશદ્રોહી કૃત્યની લજ્જા અને આઘાતમાંથી આજ લગી હું બહાર નથી આવ્યો.
હું જીમમાં પણ જાઉં છું તો લોકોને મફતની સલાહો આપી સ્ટીરોઈડ કે બીજા સ્નાયુવર્ધક ઔષધો લેવાની ના પાડુ છું. છોકરાઓ એમ સમજે છે કે કાકાને આપણા સ્વાસ્થ્યની ચિંતા છે. પણ સાચી વાત તો એ છે કે મને એમના બે મહિનામાં આવેલા સિક્સ પેકની ઈર્ષા છે. ઘડપણના ઉંબરે ઉભો રહીને પણ હું જવાનીનો મોહ છોડી શકતો નથી અને કોઈ સમાજસેવાનું કામ કરવાને બદલે રોજના બે કલાક જીમમાં બગાડું છું. જે મિત્રો સમય નથી કહીને વ્યાયામ નથી કરતા અને યોગાસનો ( મુખ્યત્વે શવાસન ) કરે છે એમને હું આળસુ કહીને વખોડી કાઢું છું પણ ખરું કહું તો એ જ તો મોટા દેશભક્ત છે અને સાચા સ્વદેશી માલના ગ્રાહક / પ્રચારક છે.
આજના માટે આટલું પ્રાયશ્ચિત બહુ છે. હજુ પણ જે મિત્રોને મારી નિંદા કરાવી હોય એ નીચે કોમેન્ટમાં છૂટથી કરી શકે છે. હું તમારી પાછળ ઈ.ડી. કે સી.બી.આઈ. નહિ દોડવું. હા પણ એ જ મિત્ર કોમેન્ટ કરે કે જેનું ચરિત્ર મારા કરતાં પણ હલકું હોય…. 😉