Category : Gujarati Poem

ફિતૂર



ચહેરા પર જેના કોઈ નૂર નથી,
સૌંદર્ય  હશે  પણ એ હૂર નથી,

સુંદર હશે પણ જો એ શૂર નથી,
ભોટ છે એ નર જે ભરપૂર નથી,

નદી હશે પણ જો કોઈ પૂર નથી,
ઉભરા વગર  કોઈ મશહૂર નથી,

પામવો દુષ્કર હશે પણ દૂર નથી,
ઈશ્વર તો પ્રેમ છે, એ નિષ્ઠુર નથી,

કુદરત કાતિલ  હશે પણ ક્રૂર નથી,
પાપ-પુણ્યનો એ કોઈ દસ્તૂર નથી,

હૃષીનું જ્ઞાન લેવામાં કોઈ ફિતૂર નથી,
પણ શબ્દો વાંચવા કોઈ મજબૂર નથી.



ફિતૂર – દોષ , રાજદ્રોહ
દસ્તૂર – ધર્મગુરુ , રિવાજ ( પણ આ અર્થ લેવાનો નથી )

લોકો કહે છે કે રામ અયોધ્યા પાછા આવ્યા એની ખુશીમાં અયોધ્યાવાસીઓએ દીપ પ્રગટાવ્યા અને અયોધ્યા જળહળી ઉઠી. એ જ પરંપરા હેઠળ દિવાળી ઉજવાય છે. ઘટના સાચી હશે પણ અર્થઘટન સાથે હું સંમત નથી. મારા મતે તો એમ કહેવું જોઈએ કે રામના આગમનથી અયોધ્યા જળહળી ઉઠી. શું ભલા લખો કરોડો દીવડાઓ સૂર્યનો પથ અજવાળી શકે? ભગવાન રામ એ જ કોટી કોટી સૂર્યોનું તેજ છે. જનસમુદાય ફક્ત એના ગુણ અને ચારિત્રના તેજનું પ્રતિબીંબ જ જો હૃદયમાં ધરે તો પણ રોજ દિવાળી થાય. 

જયારે અશોકવાટિકામાં રાવણે સીતાને કહ્યું કે, હું વચન આપું છું કે મંદોદરી સહીત બધી રાણીઓને તારી દાસી બનાવી દઈશ, શરત એ કે તું ફક્ત મારી સામે એક વાર જુવે. જવાબમાં સીતા કહે છે કે,

સુનુ દસમુખ ખદ્યોત પ્રકાસા, કબહું કી નલિની કરઈ બિકાસા … ( રામચરિતમાનસ )
અર્થાત – હે દસાનન, શું કોઈ કમળ ક્યારેય આગિયાના પ્રકાશથી ખીલે છે? (કહેવાનો મતલબ કે કમળ તો ફક્ત સૂર્યપ્રકાશમાં જ ખીલે)

પછી તુલસીદાસજી કહે છે કે..

આપુહિ સુની ખદ્યોત સમ રામહિ ભાનુ સમાન, પરુષ બચન સુની કાઢી અસિ બોલા અતિ ખિસિઆન…
અર્થાત – પછી (સીતાના મોઢે ) પોતાને આગિયો અને રામને સૂર્ય સમાન, જેવા કઠોર વચન સાંભળીને રાવણ તલવાર કાઢીને ખિજાઈને બોલ્યો…

સીતાના ઉત્તરમાં પોતાના પ્રેમી-પતિના સામર્થ્ય અને બીજા અધૂરા વ્યક્તિની ઉણપની સરખામણી કરતો કેવો અદભુત કટાક્ષ છે. Isn’t it so romantic? 😉

બાહ્ય પ્રકાશ અંદરના અંધારાને ભગાડી નથી શકતો. આકર્ષક બનવા માટે પહેલાં તો ભરેલા હોવું જરૂરી છે અને પછી આનંદ માટે ઉભરાતા હોવું જરૂરી છે. અને આ પછી પણ શક્તિ બચી હોય અને રેલાતા રહો તો વિકાસ થાય અને નવી નવી જગાઓ સુધી પહોંચાય. ખાલી લોકો જ બીજાના પ્રેમ, સહારા અને સહાનુભૂતિની અપેક્ષા રાખે છે. જો આ દિવાળીના તહેવારમાં નવા વર્ષે પોતાની જાતને ખરેખર કશાથી ભરવી હોય તો એ ભગવાન શ્રીરામથી વિશેષ શું હોઈ શકે? જો એમ કરી શકો તો પછી પોતાના વ્યક્તિત્વની અધૂરપને ફિલ્ટરવાળી સેલ્ફીઓના લાઈકથી ભરવાનો વ્યર્થ પ્રયત્ન કરવાની, કે પોતાની સત્તા-સંપત્તિથી તમારા જેવાજ બીજા અધૂરા મનુષ્યોને આંજીને સોસીયલ મીડિયામાં વાહવાહીની લાઇક્સની જરૂર નહિ પડે. 😉 😉

જય શ્રીરામ. 🙂

Category : Gujarati Poem , Videos In Gujarati

મને ગમતો ઝંઝાવાત



નદીઓના નીર લૂટતો, ઝરણાંઓના ઝરણ ઝુંટતો,
પારકા પાણીએ થયેલી ગર્વિષ્ટ એની જાત છે,
આમ ચારેકોર બસ દરિયાની દુષ્ટતાની જ વાત છે,
જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,
પણ મને ગમતો આ ઝંઝાવાત છે

પવનના સથવારે તને પાનો ચઢે,
દુષ્ટ દરિયા તું કેમ ના છાનો પડે,
શેનો તને આટલો ઘુઘવાટ છે,
જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,
પણ મને ગમતો આ ઝંઝાવાત છે

ખજાનાતો દિલમાં મારા પણ અમાપ છે,
મોતી થકી જ દરિયામાં પડું, ના એવી કોઈ વાત છે,
બસ તારા વિકરાળ મોજાને મારે આજ દેવી માત છે,
જોઈલે આ ભુજાઓ સામે તારી ભરતીની શી વિસાત છે,
જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,
પણ મને ગમતો આ ઝંઝાવાત છે

લાવ તારા ઊંડાણમાં ઉતરું,
અંધારપટમાં અજવાળા ચીતરું,
આજ તું કેમ છુપાવીશ, વણઉકેલ્યો તારો જે ભાગ છે,
રોકી શકે તો રોક, આજ મેળવવો મારે તારો તાગ છે,
જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,
પણ મને ગમતો આ ઝંઝાવાત છે

કૃષ્ણ જેમ મથુરા મેલી દ્વારકા ગયા,
આટ-આટલી ધરા છોડી વિષ્ણુ ક્ષીરસાગરમાં રહ્યા,
તો આપણે પણ કિનારો શોધવાની ક્યાં વાત છે,
‘હૃષી’, બસ મને ગમતો આ ઝંઝાવાત છે…



મચ્છર મારી મારીને કોઈ મહાન બનતું નથી. વળી, મહાપરાક્રમી બનાવા માટે એટલું જ તપ કરવું પડે છે. વ્યક્તિનો આંતરિક સ્વભાવ, સંસ્કાર અને પોતાની જાતને ઉન્નત કરવા આદરેલા પ્રયત્નોના ફળ સ્વરૂપ જ એની ગતિ હોય છે.

એક સંસ્કૃત સુભાષિત કહે છે કે, જયારે વનમાં અંધારી અને ધોધમાર વરસાદી રાતે ભયંકર વીજળીના કડાકા થાય છે ત્યારે બીકણ શિયાળવા રડતા રડતા ઘરમાં ઘુસી જાય છે. પરંતુ સ્વભાવથી જ વનરાજ એવો સિંહ, જાણે એ વીજળીના કડાકા એને પડકારી રહ્યા હોય એમ, પોતાની ગુફામાંથી બહાર આવીને આકાશ સામે એટલી જ ભયંકર ગર્જના કરે છે. 

એ જ રીતે મનુષ્ય સામે સૌથી મોટો પડકાર એના મનને જીતવાનો છે. જે મનને આધીન છે એ હંમેશા ગુલામ છે અને જેણે મનને વશમાં કરી લીધું છે એ સ્વભાવે જ સર્વસ્વનો સ્વામી છે. સમુદ્રના વિકરાળ મોજા જેવા પરિસ્થિતિઓના પડકારો અને પ્રલોભનો મનુષ્યના મનને વિચલિત કર્યાકરે છે. જે આ વિકટ સમુદ્રને પાર કરી શકે છે એ જ ખરેખર કઈંક પામી શકે છે. ઈશ્વર એ કહેવાય છે કે છે સમુદ્રમંથન  ( શાસ્ત્રોમાં આવતા આ બધા એક જાતના રૂપકો છે, પણ મૂર્ખ પ્રજા એનો શાબ્દિક અર્થ શોધે છે) અર્થાત પરિસ્થિતિ જન્ય પ્રાપ્ત થતા વિષ અને લક્ષ્મીને સમાનભાવે સ્વીકારે છે અને એમના મન એક રતીભાર પણ ક્ષોભ કે ગર્વ પામતા નથી.

ઇહૈવ તૈર્જિત: સર્ગો  યેષાં સામ્યે સ્થિતં મનઃ||
(ગીતા – 5.19)

અર્થાત, જેમનું મન સમભાવમાં સ્થિત છે, તેમણે આ જીવંત અવસ્થામાં જ સમસ્ત સંસાર જીતી લીધો છ…

આ કવિતા આવા જ વિરલ વ્યક્તિઓને સમર્પિત છે જેમને મન પડકારોને પરાસ્ત કરાવવામાં એક મોજ છે. રોતડ અને માયકાંગલા લોકો મને ક્યારેય ગમ્યાં નથી. આવા જ સમુદ્ર જેવા ગહન પણ સાથે સાથે અસ્તિત્વના આનંદની મોજ ના હિલોળા લેતા લોકોનો સંગ જ મને ગમે છે.

જવાની જાણે એક શક્તિ આસમાની…
ગગનમાં ઘૂમતી જાણે ભવાની…