Category : Gujarati Poem , Thoughts in Gujarati

દેશનું ભવિષ્ય



ભૂતોને ભજીને જો તમે ભગવાન કરો,
પછી ના કહો ઈશ્વરને કે કલ્યાણ કરો,
મૂર્ખાઓને તો એ જ કહેવાનું છે હૃષી,
મોતને માથે બેસાડયું છે તો હવે મરો.


મિત્રો,

ભાઈઓ ઔર બહેનો,

યે અનપઢ, ગંવાર ઔર ગુંડો કો સંસદમેં કિસને બિઠાયા? આપને.

હમ જૈસે જુઠે, ભ્રષ્ટ ઔર ગપ્પીદાસો કે હાથોંમેં દેશ કો કિસને થમાયા? આપને.

ખુદ અંધભક્ત બનકે હમે ભગવાન કિસને બનાયા? આપને.

અબ જબ દેશકે સાથ ગદ્દારી કરકે, આપની માં જૈસી જન્મભૂમિ કો હમારે જૈસે હવસખોરો કે હાથોંમેં આપને ઇતને પ્યારસે દે દિયા હૈ, તો બોલો મેરે પ્યારે દેશવાસીઓ, આપકો આપને પાપોકી સજા મિલની ચાહિયે કી નહિ મિલની ચાહિયે? 😉

ચાલો આ તો થઇ એક રાજકારણીની મનની વાત. પણ વાત તો સાચી છે, શું કહો છો મોટાભાઈ? 😉

ખરેખર તો આ દેશના લોકો દયાને પાત્ર નથી પણ હાંસી ને પાત્ર છે. મોટા ભાગનાને અક્કલ નથી એટલે આટલી સીધી વાત સમજાતી નથી કે આપણી પરિસ્થિતિ માટે આપણે પોતે જ જવાબદાર છીએ. ગરીબો રડારોળ કરે છે કે એમના દૂખ કોઈ દૂર નથી કરતુ, પરંતુ ચૂંટણી વખતે બે ચાર વાર દારૂ અને ચવાણું ખાઈને એ કોને વોટ આપે છે? ત્યારે તો કોઈ સજ્જનને પૂછવા નથી જતા કે મોટાભાઈ અમને ખબર નથી પડતી પણ આપ સલાહ આપો કે અમારા કલ્યાણ માટે કોને વોટ આપીએ. બીજો આખો મૂરખ વર્ગ ફક્ત ધર્મ અને જાતિ ને જ જુએ છે. તમારા ધરમભાઈઓ જ પછી તમારું ધોતિયુ ખેંચીને ખસી કરે છે અને નાતીવાળા જ ચૂંટાયા પછી તમે આજીવન ભૂખ્યા નાગા રહો એની પુરેપુરી તકેદારી રાખે છે.

તમે નહિ તો તમારો કોઈ લાડકો કે સગો, આજે જો કોરોનાથી બચી જશો તો કાલે એ કોઈ રોડના ખાડામાં પડી મરશે. કોઈ રખડતી ગાયોની હડફેટે સ્વર્ગવાસી થશે. કોઈ તબીબી સુવિધાના અભાવે જશે કે પછી એ મેળવવા માટે જરૂરી આવક માટે યોગ્ય રોજગાર ના મળવાથી જીવન ટૂંકાવશે. શૂરવીર સૈનિકો તો આમતેમ વગર કારણે શહીદ થયા જ કરે છે. કોઈ ગંદકી જન્ય રોગોને શરણે થશે અને કોઈ ખાદ્ય પદાર્થોની ભેળસેળના ભરડામાં જશે.

પ્રધાનસેવક તો મોર રમાડવામાં જ મશગુલ છે માટે મોત સામે તો તમારે જ લડવું પડશે. આમ ભલે રાજકારણીઓને લોકો ગપ્પીદાસ કહેતા હોય પણ એક વાત તો એમણે સ્પષ્ટ જ કહી છે કે અમારો ઉદ્દેશ ફક્ત વિરોધપક્ષ મુક્ત ભારત કરવાનો છે, ભ્રષ્ટાચાર કે બળાત્કાર મુક્ત કરવાનો નહિ. અને શિક્ષણ તો અમે આપવા માંગતા જ નથી. એટલે તો સરકારી શાળાઓ બંધ કરી છે. શિક્ષિત બેરોજગાર મુક્ત ભારત માટે જ તો… 😉

હવે જો તમે મંદિરોમાં જઈને રડતા હોવ કે હે ઈશ્વર મદદ કરો તો એ પ્રભુ વતી આ પ્રભુસેવકનો એક નમ્ર સંદેશો છે કે, બેટા આ જ તો તારા કર્મોનું ફળ છે. 😉

વિકાસ ક્યાં છે એ છોડો અને અત્યારે વેન્ટિલેટર શોધો… 😉

Category : Gujarati Poem , Videos In Gujarati

મને ગમતો ઝંઝાવાત



નદીઓના નીર લૂટતો, ઝરણાંઓના ઝરણ ઝુંટતો,
પારકા પાણીએ થયેલી ગર્વિષ્ટ એની જાત છે,
આમ ચારેકોર બસ દરિયાની દુષ્ટતાની જ વાત છે,
જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,
પણ મને ગમતો આ ઝંઝાવાત છે

પવનના સથવારે તને પાનો ચઢે,
દુષ્ટ દરિયા તું કેમ ના છાનો પડે,
શેનો તને આટલો ઘુઘવાટ છે,
જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,
પણ મને ગમતો આ ઝંઝાવાત છે

ખજાનાતો દિલમાં મારા પણ અમાપ છે,
મોતી થકી જ દરિયામાં પડું, ના એવી કોઈ વાત છે,
બસ તારા વિકરાળ મોજાને મારે આજ દેવી માત છે,
જોઈલે આ ભુજાઓ સામે તારી ભરતીની શી વિસાત છે,
જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,
પણ મને ગમતો આ ઝંઝાવાત છે

લાવ તારા ઊંડાણમાં ઉતરું,
અંધારપટમાં અજવાળા ચીતરું,
આજ તું કેમ છુપાવીશ, વણઉકેલ્યો તારો જે ભાગ છે,
રોકી શકે તો રોક, આજ મેળવવો મારે તારો તાગ છે,
જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,
પણ મને ગમતો આ ઝંઝાવાત છે

કૃષ્ણ જેમ મથુરા મેલી દ્વારકા ગયા,
આટ-આટલી ધરા છોડી વિષ્ણુ ક્ષીરસાગરમાં રહ્યા,
તો આપણે પણ કિનારો શોધવાની ક્યાં વાત છે,
‘હૃષી’, બસ મને ગમતો આ ઝંઝાવાત છે…



મચ્છર મારી મારીને કોઈ મહાન બનતું નથી. વળી, મહાપરાક્રમી બનાવા માટે એટલું જ તપ કરવું પડે છે. વ્યક્તિનો આંતરિક સ્વભાવ, સંસ્કાર અને પોતાની જાતને ઉન્નત કરવા આદરેલા પ્રયત્નોના ફળ સ્વરૂપ જ એની ગતિ હોય છે.

એક સંસ્કૃત સુભાષિત કહે છે કે, જયારે વનમાં અંધારી અને ધોધમાર વરસાદી રાતે ભયંકર વીજળીના કડાકા થાય છે ત્યારે બીકણ શિયાળવા રડતા રડતા ઘરમાં ઘુસી જાય છે. પરંતુ સ્વભાવથી જ વનરાજ એવો સિંહ, જાણે એ વીજળીના કડાકા એને પડકારી રહ્યા હોય એમ, પોતાની ગુફામાંથી બહાર આવીને આકાશ સામે એટલી જ ભયંકર ગર્જના કરે છે. 

એ જ રીતે મનુષ્ય સામે સૌથી મોટો પડકાર એના મનને જીતવાનો છે. જે મનને આધીન છે એ હંમેશા ગુલામ છે અને જેણે મનને વશમાં કરી લીધું છે એ સ્વભાવે જ સર્વસ્વનો સ્વામી છે. સમુદ્રના વિકરાળ મોજા જેવા પરિસ્થિતિઓના પડકારો અને પ્રલોભનો મનુષ્યના મનને વિચલિત કર્યાકરે છે. જે આ વિકટ સમુદ્રને પાર કરી શકે છે એ જ ખરેખર કઈંક પામી શકે છે. ઈશ્વર એ કહેવાય છે કે છે સમુદ્રમંથન  ( શાસ્ત્રોમાં આવતા આ બધા એક જાતના રૂપકો છે, પણ મૂર્ખ પ્રજા એનો શાબ્દિક અર્થ શોધે છે) અર્થાત પરિસ્થિતિ જન્ય પ્રાપ્ત થતા વિષ અને લક્ષ્મીને સમાનભાવે સ્વીકારે છે અને એમના મન એક રતીભાર પણ ક્ષોભ કે ગર્વ પામતા નથી.

ઇહૈવ તૈર્જિત: સર્ગો  યેષાં સામ્યે સ્થિતં મનઃ||
(ગીતા – 5.19)

અર્થાત, જેમનું મન સમભાવમાં સ્થિત છે, તેમણે આ જીવંત અવસ્થામાં જ સમસ્ત સંસાર જીતી લીધો છ…

આ કવિતા આવા જ વિરલ વ્યક્તિઓને સમર્પિત છે જેમને મન પડકારોને પરાસ્ત કરાવવામાં એક મોજ છે. રોતડ અને માયકાંગલા લોકો મને ક્યારેય ગમ્યાં નથી. આવા જ સમુદ્ર જેવા ગહન પણ સાથે સાથે અસ્તિત્વના આનંદની મોજ ના હિલોળા લેતા લોકોનો સંગ જ મને ગમે છે.

જવાની જાણે એક શક્તિ આસમાની…
ગગનમાં ઘૂમતી જાણે ભવાની…


Category : Gujarati Poem , Videos In Gujarati

ટીપી – 2



જેમની રસિકતાને આ શુષ્ક સાંસારિક સંબંધો સુકવી નાખે,
એ તરસ્યા મિત્રોને ટીપેટીપે આ ટીપી જ હવે નવજીવન આપે,

બાળકોની રોકકળ અને પત્નીની પકડ, જેને તોડી મરોડી નાખે,
એ દુઃખી આત્માને, એક ટીપીનું આશ્વાસન જ હવે જીવિત રાખે,

જે નાલાયકોને કન્યાપક્ષ અસહ્ય ને અવિરત ગાળો આપે,
એ ટપોરીઓને પણ ટીપી મિત્રો જ બે ઘડી આનંદ આપે,

9 વાગે પત્નીને ગુડ નાઈટ કહયા પછી, જે આખી રાત જાગે,
ધન્ય છે એ નર જે મિત્રો સંગ ટીપી માટે સમસ્ત સંસાર ત્યાગે,

મોજની મદિરાનો ખરો સ્વાદ તો છે આ રૂબરૂ આવવાવાળા મિત્રો માટે,
ફક્ત ફોટાની અપડેટ્સવાળા તો ઘરે બેસીને ખાલી ગ્લાસ ચાટે,

બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને પથરીનો અસહ્ય દુખાવો અડધી રાતે,
આ બધુજ ઈશ્વર મોકલે, ‘બહાર છુ’ નું બહાનું કાઢી ઘેર પડી રહેનાર માટે,

રામનામ જપવાની કોઈ જ જરૂર નથી એણે અખંડઆનંદ માટે,
ટીપી જ જેની તીર્થયાત્રા ને મિત્ર નામનો મંત્ર લખ્યો જેણે લલાટે.



ટીપી
(ટાઈમ પાસ)
(
એક હાસ્ય કવિતા )

ટીપી એટલે મિત્રો સાથે કરાતી ગોષ્ઠી,
ગપ્પા  મારવામાં  સમાય આખી શ્રુષ્ટિ ।।

TP  means  meaningless talks with mature or mindless friends,
In which universal topics are discussed without any constraints.

જેમની સાથે કોઈ પણ કાળ કે ચોઘડિયાની પળોજણ વિના આખી રાતોની રાતો ટીપી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા પરમ મિત્રોને અર્પણ

આશરે એક વરસના વિરહ પછી ગઈકાલે મિત્રો સાથે ટીપીનો અદભુત આનંદ માણ્યો… જેવું જ આમંત્રણ મળ્યું એવું તુરત જ આ હાસ્યકવિતાનું સર્જન થયું.


( વરસ પહેલાની ટીપી વિશેની હાસ્ય કવિતા માટે અહીં ક્લિક કરો)

Category : Gujarati Poem

વિષ પ્રસાદ



શિવજીને ભોળા ગણી અલકમલકના વરની મંછા કરે,
એ જ પ્રાર્થના, શિવજી મૂર્ખાઓને વિષ-પ્રસાદ કરધરે,

બબૂચકોને મન મહાદેવ બીલીપત્ર ચઢાવે ઉદ્ધાર કરે,
અંતે તો રૌદ્ર ત્રિશૂળ કે નાગપાશ જ એમનો જીવ હરે,

માનસરોવરની પ્રદક્ષિણાથી જ મનોવાંચ્છિત ફળ મળે?
મૂઢ મનુષ્યોના અતિમલિન મન-સરોવરમાં કોણ ફરે?

શિવલિંગ પર જે મંદબુદ્ધિઓ વિવિધ શિરોધારા ધરે,
એ જ પ્રાર્થના કે એના તરકટો પર શિવજી તાંડવ કરે,

આ નરાધમોની નગ્નતા છતી કરી નંદીજી શીંગડે ભરે,
અહંકારીઓને અંતરિક્ષમાં ફંગોળી પૃથ્વીનો ભાર હરે,

અંધ મનુષ્યોની મૂર્ખતા પર બ્રહ્મલોક પણ વ્યંગ કરે,
જુઓ કોઈ પણ યોગ્યતા વગર એ ત્રિનેત્રની પૂજા કરે,

આ શિવરાત્રીએ ભક્ત હૃષી એક જ વિનમ્ર પ્રાર્થના કરે,
પાપીઓને પરાક્રમ બતાવીને હવે શંભુ પુણ્ય પ્રલય કરે.



પ્રતિ,

ભગવાન મહાદેવ શિવશંકર,
કૈલાશ નિવાસ.

વિષય:  પ્રલય પ્રક્રિયામાં ઝડપ કરવા બાબત

હે પ્રભુ ઉમાપતિ શિવજી,

આપ યોગ સમાધિમાંથી જાગો અને જાણો કે કાલકૂટનું વિષપાન કરીને આ પૃથ્વીવાસીઓને બચાવવાની કોઈ જરૂર ન હતી, એના પહેલા એક જાગૃત માનવ તરીકે મારી ફરજ છે કે વહેલામાં વહેલી તકે આપને માહિતગાર કરવા. વળી, આજનો મહાશિવરાત્રીનો અવસર પણ અતિ યોગ્ય છે કારણ કે, આજે આ મૂર્ખ માનવગણ  “હે કૈલાશનિવાસી મારુ કષ્ટ કાપો..’ ની  બૂમો પાડી પાડી ને આપને જગાડવા પ્રયત્ન કરશે. તો હે મહાદેવ, મોકો ચુકતા નહિ અને એમને પણ બુંદ બુંદ વિષપાન કરાવજો. કોઈ દોઢડાહ્યો થાય તો કેજો કે, સંપત્તિ જોઈએ તો શ્રીપતિ પાસે જાઓ, મારી પાસે તો આ કલ્યાણકારી વિષ જ છે. એમાં પણ ભાંગ-ચલમવાળા ચમનોને પ્રાધાન્ય આપજો.

આમતો મેં પહેલા ભગવાન શ્રીકૃષ્ણને રજુઆત કરી હતી અને કહ્યું હતું કે હે બંસીધર હવે ચક્રધર બનવાનો સમય આવી ગયો છે. આ જ વાત, આ જ શબ્દોમાં જયારે પ્રભુ પરશુરામે સાંદિપની ૠષિના આશ્રમમાં કરી ત્યારે તો વાસુદેવ તરત જ તૈયાર થઇ ગયા હતા પણ મારી વાત સાંભળીને એમણે એમના સ્વભાવ મુજબ જ સસ્મિત મને કહ્યું કે,’તું બસ ગીતા અધ્યયન કર અને  સ્થિતપ્રજ્ઞ બનવા પર ધ્યાન આપ, આ ટપોરી લોકોમાટે આપણે ક્યાં ટાઈમ બગાડવો. એ તો મહાદેવ એમનું કામ સમય આવે કરશે’.

પણ પ્રભુ મારાથી જોવાતું નથી અને આ ભૂત પિશાચો સ્મશાનમાંથી સીધા સંસદભવનમાં આવી ગયા છે. ગામનો ઉતાર, જે ઉકરડામાં જતો હતો એ હવે ઉચ્છ કક્ષાના અધિકારી/મંત્રી તરીકે સેવાઓ આપે (હકીકતમાં લે ) છે. મનની વાતો કર્યા કરે ત્યાં સુધી તો ઠીક છે પણ હવે આ બધા મનમાની પર આવી ગયા છે.

રામ અવતાર વખતે દેવગણ આપની ઈર્ષા કરતા કહેતા હતા કે, શિવજીને કેવી કૃપા કે શ્રીરામ લીલા જોવા માટે એમને તો ત્રણ નેત્રો છે. પણ આજે આપ અહીં શ્રીરામના નામે ચાલતા રમખાણોને એક ઝીણી આંખથી પણ નહિ સાંખી શકો.

અંતમાં આશા રાખું કે આ પત્ર આપનું સરનામું બદલાય એ પહેલા પહોંચે. બાકી જો કોઈ કલાકારે કૈલાશની તળેટીમાં ધ્યાનનું ધતિંગ કરતો એક ફોટો પડાવી લીધો તો સમજો આ પર્વતરાજનું નવું નામકરણ નક્કી. અને આ વખતે તો ચશમા પહેરી રાખવાની ભૂલ પણ નહિ કરે અને મૃગચર્મ – ત્રિપુંડના પુરા ગેટઅપ સાથે આવશે. ( મૃગચર્મ મોહમયી નગરીનો કયો નટ લાવી આપશે એ આપ જાણો છો ). બે ઘડી તો નંદી અને ગણો પણ ભ્રમિત થઇ જશે કે, અરે પ્રભુ તળેટીમાં કેમ બેઠા છે.

હે મહાદેવ, આપ પ્રલય પ્રક્રિયા શીઘ્ર કરો એવી પ્રાર્થના.

લિ.

આપના ચરણકમળમાં સમર્પિત,

એક સ્થિતપ્રજ્ઞ શિષ્ય.


Category : Gujarati Poem

મારી કવિતા



ક્ષુલ્લક પ્રેમ ઇશ્ક મહોબ્બતનું વેવલાપણું;
મારી કવિતામાં નથી,
મતિ વ્યંધ વ્યસનીઓનું બેવળાપણું;
મારી કવિતામાં નથી,

ફકત સુરા સાકીની કરે વાહ વાહ,
 એવા દારૂડિયાઓને કાંઈ દેવાપણું નથી,
સહારા તરસ ને રણના ઝરણના મૃગજળનું,
કાંઈ આભાસીપણું નથી,

પ્રેમીનો વ્યર્થ વિરહ, વ્યસનીની વ્યર્થ વ્યથા,
કે અજ્ઞાનનું આંધળાપણું નથી,
કોઈ દંભીનો વાણીવિલાસ, પ્રપંચીનો પાખંડ,
પોતીકું કે પારકાપણું નથી,

આનંદ ઉલ્લાસ અને આત્મચિંતન છે,
રાવ રોકકળ અને રોતલપણું નથી,
રમત રોમાન્ચ અને રમ્યતા છે,
રિક્ત રોષ-દોષ અને ઉચ્છુણખલપણું નથી,

વિરાટ છું હું, તો એવોજ વિચાર આપીશ,
કોઈ અગણ્ય અલ્પ અણુ નથી,
શબ્દોમાં જીવ જગત અને ઈશ્વરને આવરી લીધા,
‘હૃષી’ એય શું ઘણું નથી?



મારા મતે સારો સર્જક એ છે કે જે વાચક માટે નહિ પણ ‘વિચાર’ માટે સર્જન કરે છે. જો વપરાશકારોની ઈચ્છાને અનુરૂપ જ વસ્તુ બનાવવાની હોત તો એપલ કંપની, એક તરબૂચ જેવી બનવાના બદલે હજુ પણ ચણીબોર જેટલી જ હોત. 😉

એ જ રીતે જો વાહવાહી માટે જ કાંઈ લખવું હોત તો હું પણ હજુ ‘ચાંદી જેસા રંગ, સોને જેસે બાલ…’ પર જ અટક્યો હોત. પણ ઈશ્વરકૃપાથી યોગ્ય સમયે સદબુદ્ધિ પ્રાપ્ત થયેલી છે અને વિવિધ વિચારોને શબ્દોમાં મુકવાની સમજણ મળે જાય છે.

ઘણીવાર વાચકો લેખકના વ્યંગ અને વ્યક્તિગત વિચાર વચ્ચેનો ભેદ સમજતા નથી. તમે કોઈનો વ્યંગ કરો એનો મતલબ એવો નથી કે તમે એનો વિરોધ કરો છો. ખરેખર તો વિરોધ એ વ્યંગની અંદર છુપાયેલા વિચારનો હોય છે, વ્યક્તિ કે સંસ્થા કે સમાજનો નહિ. જયારે કોઈ આધ્યાત્મિક અથવા બીજા કોઈ ગહન વિષય પર રચના હોય ત્યારે જ એમાં મારો વ્યક્તિગત અભિપ્રાય કે સંવેદના હોય છે. બાકી બધી વ્યંગ રચના તો ફક્ત નિર્દોષ હાસ્ય માટે છે.

હું દંભી નથી અને મારી કોઈ સ્પેસિફિક ઈમેજ – ચોક્કસ માનસિક છબી ઉભી કરાવવાનો ઈરાદો નથી, તેથી હું કોઈ પણ વિષય પર બેધડક મારો સ્વતંત્ર અભિપ્રાય આપી શકું છું.

કવિતાનું માધ્યમ પસંદ કરવા પાછળનો આશય એટલો જ કે, બહુ ઓછા લોકો કવિતા વાંચે છે. વળી, વાંચે એમાંથી ભાગ્યે જ કોઈ સમજી શકે છે. જો તમે સીધા વાક્યોમાં કોઈ વ્યક્તિ, વિચાર કે દુષણ વિષે બોલો તો આજના સમયમાં સાવધાની રાખવી પડે એમ છે. પરંતુ કવિતામાં તમે કાંઈ પણ કહી શકો છો અને મુર્ખાઓની મગજમારી માંથી છટકી શકો છો. 😉

અંતમાં એ પણ કહેવાનું કે કોઈ ભાષા બચાવવાના, સમાજ સુધારણાના, વ્યસન મુક્તિના, ધર્મ શુદ્ધિના કે જ્ઞાન-પ્રેરણાના ઉપદેશો આપવાના કોઈ પણ ઝંડા લઈને આપણે ફરતા નથી. હું તો બસ બબૂચકોથી બેફિકર રહીને અસ્તિત્વનો આનંદ લૂટું છું અને લૂંટાવું છું. મસ્ત, મોજીલા અને મેધાવી હોય એ જ આવે… પપ્પુઓ માટે પ્રવેશનિષેદ્ધ. 😉