આ ઘર છોડીને હવે ક્યાંય જવું નથી,
કારણ વગર બહાર હવે વિચરવું નથી,
પહોંચી ગયો છું ત્યાં, કે કદમ ભરવું નથી,
નથી આગળ વધવું કે પાછા પણ પડવું નથી,
આ જ્યોતમાં લિન થઈને કશું કરવું નથી,
વધુ બળવું પણ નથી કે પછી ઠરવું નથી,
આત્મજ્ઞાનનો આ કેવો અવ્યક્ત આનંદ,
હવે પામીને હસવું કે ગુમાવીને રડવું નથી,
સમજણનો સાર તો છે સમત્વની સપાટી પર,
‘હૃષી’ હવે ઊંડે ડૂબવું નથી કે ઊંચે ઉડવું નથી.
સુખની શોધમાં બહાર ભટકવું એ અજ્ઞાન છે. પરંતુ એનો મતલબ એવો નથી કે ‘સબ મોહ માયા હૈ’ નો બકવાસ કરતા રહીને પ્રકૃતિના અદભુત સૌંદર્યને માણવાનું મૂકી દેવું. કાયર, અશક્ત અને મૂર્ખ લોકો જ ‘સંસાર અસાર છે’ ની ફાલતુ ફિલોસોફીનું થૂંક ઉડાડતા ફરે છે. એ કાયર છે કારણ કે નિષ્ફળતા અને ‘લોગ ક્યાં કહેંગે’ ના ડરથી એ કશું કરતા નથી. અશક્તિ એમને 56 ભોગ ( કે 50 શેડ્સ ઓફ ગ્રે ) ભોગવવા દેતી નથી. મૂર્ખતા વિષે કાંઈ કહેવા જેવું નથી ( પુરાવા માટે 8મી તારીખ સુધી રાહ જોવી, કઈ 8મી પૂછવાવાળાઓએ દેવકીના 8માં પુત્રની રાહ જોવી, એ જ કદાચ આપને સમજાવી શકશે, કારણ કે આપ જેવી વિભૂતિને સમજાવવામાં આ સામાન્ય મનુષ્ય અસમર્થ છે. હું એટલું કહી શકું કે આ 8મી કોઈ જન્માષ્ટમી નથી પણ એ દિવસે કોઈ કંસ જનમવાનો છે એટલી ઇન્ફોરમેશન આપના માટે કાફી છે ). 😉
ઉપરોક્ત કાવ્ય પંક્તિમાં કવિ એટલું જ કહેવા માંગે છે કે, સમત્વ નામની ચમચી મળ્યા પછી તમે સંસારના તમામ રસોનો અદભુત સૂપ પી શકો છો, એન્જોય કરી શકો છો અને હાથ પણ બગડતા નથી ( અર્થાત વ્યવહારના ભૂત તમને વળગતા નથી કારણ કે તમે ‘કહાની ઘર ઘર કી’ જાણી ચુક્યા છો ). 🙂
મારા પ્રવાસો હવે સુખ શોધવાના પ્રયાસો નથી હોતા પણ ઉલટું હું સુખનો ખજાનો વહેંચવા નીકળું છું. મારી યાત્રાઓ હવે કોઈ ઈશ્વરના દર્શનની દાસ નથી, કે યાત્રા કોઈ ‘દુઃખ દૂર કરો, સુખ ભરપૂર કરો’ ની યાચિકા નથી. યાત્રા હવે એ યોગનું જ ઍક્સટેંશન છે જ્યાં તમે તમારી જાતને જ વિસ્તરિત થતી જુઓ છો અને કોઈ જ ભેદભાવ વગર દરેક પ્રસંગ કે પરિચયમાં આનંદની અનુભૂતિ કર્યા કરો છો. 🙂
આ કાવ્યની પ્રેરણા ગીતા જ છે. જીવનમાં સમુદ્ર સમાન સમજણ આપનાર અને અપાર આનંદનો આસ્વાદ કરાવનાર પ્રિય જ્ઞાનસ્રોત બીજું શું હોઈ શકે? 🙂
યથા દીપો નિવાતસ્થો નેગતે સોપમા સ્મૃતા…. ( ગીતા 6.19 )
( જેવી રીતે વાયુ રહિત સ્થાનમાં દીવાની જ્યોત ડોલતી નથી…. )