જો તમારી વાતમાં હંમેશા એજ સત્યનો રણકાર હશે,
તીરની જરૂર નથી, પર્યાપ્ત ફક્ત ધનુષનો ટંકાર હશે,
બહારના શત્રુઓથી લડવાની એને કોઈ જરૂર નથી ‘હૃષી’,
પરાસ્ત એ પોતાનાથી જ થશે, જેનું અસ્તિત્વ અહંકાર હશે
આજે આ રાષ્ટ્રભૂમિના એક વીર, નિર્ભય અને સત્યના પ્રયોગોમાં તથા પરમાર્થમાં સમગ્ર જીવન સમર્પિત કરનાર એક વિભૂતિનો જન્મદિવસ છે. પૂજ્ય બાપુ, મોહનદાસ કરમચંદ ગાંધી, નો ફક્ત આ દેશે જ નહિ પરંતુ સમગ્ર વિશ્વએ એક મહાત્મા તરીકે સ્વીકાર્યો છે જેમાં કોઈજ અતિશયોક્તિ નથી. આવા વિરલ વ્યક્તિત્વને કોટી કોટી નમન.
પૂજ્ય બાપુનું જીવન જ એ વાતનું પ્રત્યક્ષ ઉદાહરણ છે કે જે વ્યક્તિ સત્યને વળગી રહે છે એને પછી કોઈ ફક્ત ફોટા પડાવવાવાળા કામો કરી લોકચાહના મેળવવાના નાટકો કરવાના દંભની જરૂર નથી.
ઘણા મૂર્ખ લલ્લુઓ ગાંધીજી વિષે ગમેતેમ ટિપ્પણીઓ કરતા હોય છે. આવા લબાડ લોકોને પ્રેમપૂર્વક ( આમ તો વ્યક્તિગત રીતે હું આવા જાનવરોને ઊંધા હાથની બે આપી ને બેસાડી દેવાના મતનો છું પણ આજે બાપુની બર્થડે નિમિત્તે આમન્યા જાળવવાની ) એટલું કહેવાનું કે, હે મૂરખના સરદારો, મહેરબાની કરીને નીચેના મુદ્દાઓ વાંચો અને પછી જો લાયકાત હોય તો બોલજો.
- તમારી સાત પેઢીમાંથી કોઈએ દેશ માટે છાતીમાં ગોળી ખાધી હોય તો બોલો
- જનસેવામાટે જાત ઘસીનાંખી હોય તો બોલો
- અરે ડોબાઓ તમારા કહેવાતા રાજકીય નેતાઓ અને સાંપ્રદયિક ધર્મગુરુઓએ ( આમાં બધા બાબાઓ, ગુરુઓ અને બબૂચકોનો સમાવેશ થઇ ગયો ) જો લોક ઉત્થાન માટે ગાંધીજી કરતા વિશેષ પ્રયત્નો કર્યા હોય તો કહો. એ બધા ધુતારાઓ તો તમને નાત-જાત ને સંપ્રદાયોમાં વિભાજીત કરી દેશને પાંગળો બનાવવાની વાત કરે છે. ગાંધીજીએ વિભાજનવાદી એક પણ શબ્દ ઉચ્ચાર્યો હોય તો કહો.
- પિચકારીઓ મારી ગંદકી ફેલાવતા પિશાચો તો કઈ બોલી જ ના શકે કારણકે તમારા જેવાની ગંદકી બાપુ રોજ સાફ કરતા
- જણે અનીતિનો એક પણ પૈસો ઘરમાં ના મુક્યો હોય એ બોલે
- ગાંધીજી આજીવન નિરક્ષરતા, અસ્પૃશ્યતા અને અંધશ્રદ્ધા જેવા દુષણો સામે લડ્યા છે અને તેમના અગણિત અનુયાયીઓનું જીવન પણ તેની સાક્ષી પુરે છે. તમારો કયો ગુરુ આ દુષણો સામે સ્પષ્ટ બોલે છે? એ તો તમેને ગુરુપૂર્ણિમાના ગરબા ગાતા રાખે છે ને ચરણામૃત પાય છે.
- તમારા ઘરવાળા જ તમારું માનતા નથી જયારે ગાંધીના એક એક શબ્દ પર તમારા જેવા ડફોળશંકરો નહિ પણ એ સમયની વિદ્વાન વિભૂતિઓ પણ આચરણ કરવા તૈયાર રહેતી.
આનો તો કોઈ અંત નથી પણ તમને તમારી લાયકાતનું ભાન કરાવવા તો પૂરતું જ છે. તમારી પૂજ્ય ગાંધીજી જેવી વિભૂતિઓના અંશ માત્રને પણ સમજવાની કોઈ હેસિયત નથી. જો બુદ્ધિનો થોડોક પણ છાંટો હોય તો ‘મારા સ્વપ્નનું ભારત’ પુસ્તકમાં ગાંધીજીના ‘યંગ ઇન્ડિયા’ અને ‘હરિજન’ માંથી ચૂંટેલા લખાણોના અંશ વાંચજો તો તમને ગાંધીજીના ઉદ્દાત વિચારો અને વિશાળ વ્યક્તિત્વની ઝાંખી મળશે, સાથે સાથે એક લીટી પણ સરખી લખી નથી શકતા એવા ડિગ્રીધારી ડફોળોને ગાંધીજીની વિદ્વાત્તાનો પણ પરિચય મળશે.
હે રામ, કૃપા કરી આ મૂર્ખ પ્રજાને થોડી બુદ્ધિ આપો.