Category : Gujarati Poem

ફકીર હોવા છતાં



ફકીર હોવા છતાં  અમીરો જેવા હાલ રાખું છું,
ન આવડે સરગમ પણ અકબંધ તાલ રાખું છું,

ઘરથી અજાણ, પણ દેશવિદેશનો ખ્યાલ રાખું છું,
પોતાનું કાંઈ નથી, એટલે પારકી પંચાત રાખું છું,

કોને ખબર, આ ખિસ્સામાં કેટલો પારકો માલ રાખું છું,
ઉધારીથી ભરેલો તો આખેઆખો ઉપલો માળ રાખું છું,

અસંખ્ય પાપ કરી જીવને  પુણ્યથી  પાયમાલ રાખું છું,
પણ ભગવાનને ભ્રમિત કરવા હાથમાં કરતાલ રાખું છું,

કોઈક તો લક્ષ્મીપતિ સમજશે એમ સમજી ‘હૃષી’,
હું સ્વેચ્છાએ જ  આ માથામાં થોડી ટાલ રાખું છું.



બુરા દેખન મેં ચલા, બુરા ન મિલિયા કોય.
જો દિલ ખોજા આપના, મુઝસે બુરા ન કોય..
– કબીર

શાસ્ત્રોએ આત્મશ્લાઘાની ( સ્વસ્તુતિ ) ના પાડી છે અને પારકી નિંદાની ના પાડી છે પણ સ્વાનિંદા તો કરી શકાય એવું સમજીને આજે કલમ ઉપાડી છે. પહેલી લીટીમાં જ મારો દંભ જુઓ, જાણે કે હું બધું શાસ્ત્ર વચન  પ્રમાણે જ કરતો હોઉં ! રણવીરભાઈની જેમ શારીરિક રીતે નગ્ન થવાની તો મારી ક્ષમતા નથી પણ અહીં શાબ્દિક રીતે જાતને નગ્ન કરી જે આત્મદર્શન હજી સુધી મેં પણ નથી કર્યું એ કદાચ તમને કરાવી શકીશ. મારી પાસે ‘દીપિકા’ ના હોવાથી એમ કરતાં મારુ ચરિત્ર કાંઈ દીપી ઉઠવાનું નથી પણ કોઈની નજર ના લાગે એવું કાળું ટીલું માથે થાય તોય ભલે.

આખા ગામની પંચાત અને બુરાઈ કરવામાં હું ક્યારેક ( વાંચો હંમેશા ) એ ભૂલી જાઉં છું કે આપણા તો અઢારે અંગ વાંકા છે. આજે તો મને એવું જ લાગી આવ્યું કે છાપામાં જાહેરાત જ અપાવી દઉં કે ‘જાહેર ચેતવણી, હું એટલો દંભી છું કે મારી સાથે કોઈએ કોઈ પણ જાતનો સંબંધ રાખવો નહીં…” પણ પછી થયું કે એમ કરવા જતા ઉલટાના જે લેણદારો છે એ સંબંધ વધારશે અને ઘર બહાર જ અડ્ડો જમાવશે. માટે હાલ પૂરતો એ વિચાર મુલતવી રાખ્યો છે. સોસિયલ મીડિયામાં આ લખવાનો વાંધો નથી કારણ કે મોટે ભાગે અભણ લોકો જોડેથી જ ઉધાર લીધા છે અને એ કાંઈ કવિતાઓ બવીતાઓ વાંચવાના નથી. ( ભારતમાં સંપત્તિ કેમ અભણો પાસે વધુ રહેતી હશે ભગવાન જાણે ! )

મેં નોકરી છોડી ને ધંધો ચાલુ કર્યો કે જેથી લોકોને એમ થાય કે ભાઈ કેવા સાહસિક છે. પણ હકીકત તો એ છે કે મને કોઈ નોકરી આપવા તૈયાર જ નહોતું એટલે કોઈ છૂટકો જ નહોતો. વળી, મારી કોઈ ધંધામાં કશી ખાસ આવડત નથી એટલે શેરબજારના સથવારે જ ગાડું ગાબડાવું છું ( ભાઈ આ ભાવે જો પેટ્રોલ હોય તો ગાડી ચલાવવાની મારી હેસિયત નથી. ). પોતાની કંપની ખોલવાની તાકાત નથી એટલે પારકી કંપનીઓના શેર લે-વેચ કરવા એવી અવળી બુદ્ધિ છે. વળી લોભિયાઓના શહેરમાં ( હાલ કોઈ ગાંધીનગર આવીને રસ્તે રખડતા ગાયોના ટોળા જોઈને એમ કહે કે આ શહેર નથી પણ ગામ છે તો હું વિરોધ નહિ નોંધાવું) ધુતારા ભૂખે ના મરે એટલે પાંચ પૈસા મળે છે. 

હવે નોકરી પછી છોકરીનું પણ સત્ય કહી જ દઉં. મિત્રો મને જિતેન્દ્રિય માને છે અને વખાણ કરે છે કે અવિવાહિત રહીને મેં દુઃખોને હિમ્મત પૂર્વક ટાળ્યા છે. પણ સત્ય તો કાંઈ બીજું જ છે. હકીતકત તો એ છે કે રાત-દિવસ ચરખો ચલાવતાં માંડ મારું ધોતિયું બને છે એમાં કોઈને સાડી પહેરાવાવનું આ દરિદ્રનું ગજું નથી. અને ભૂલેચુકે ( આપણી ભૂલે અને સંતતિનિયમનના સાધનની ચુકે ! ) જો બાળક આવે તો મારે પણ કોઈ દ્રોણની જેમ મારા અશ્વથામા માટે ગાય શોધવા નીકળવું પડે. આ સાંભળીને જો કોઈ દ્રુપદનું  હૈયું ( કે ખિસ્સું ) હચમચી ઉઠ્યું હોય તો મારી બેંક ડિટેઈલ્સ માટે મેસેજ કરવો.

ભણતરમાં પણ એવું જ છે. ગુજરાતીમાં ગપ્પા મારીને ગુજરાત યુનિવર્સીટી માંથી ઇજનેરી સ્નાતકની પદવી લીધી પણ પછી ખબર પડી કે આ જાતકના ગ્રહો તો ખુબ નબળા છે માટે હજી અમેરિકા જઈને અંગ્રેજીમાં ગપ્પા મારીને અનુસ્નાતક ના બનો તો કોઈ વેલ્યુ નથી. અનુસ્નાતક બનવાથી પપ્પાના બૅન્કબેલેન્સની વેલ્યુ ખુબ ઘટી પણ આપણી કાંઈ એટલી વધી નઈ. એક તો આપણી વિદ્યા તો હજી બાલન જ રહી, ઉપરથી અમેરિકામાં આંટાફેરા મારીને ભારતના વિદેશી હૂંડિયામણના બેલેન્સ ને અસર કરી આપણા મહામુલા રૂપિયાની વેલ્યુ પણ ઘટાડી. તમે જોઈ શકો છો કે આ રૂપિયાને ડોલર સામે આટલો નીચો લાવવામાં મારો પણ કઈંક પૈસાનો ભાગ છે. આવા દેશદ્રોહી કૃત્યની લજ્જા અને આઘાતમાંથી આજ લગી હું બહાર નથી આવ્યો.

હું જીમમાં પણ જાઉં છું તો લોકોને મફતની સલાહો આપી સ્ટીરોઈડ કે બીજા સ્નાયુવર્ધક ઔષધો લેવાની ના પાડુ છું. છોકરાઓ એમ સમજે છે કે કાકાને આપણા સ્વાસ્થ્યની ચિંતા છે. પણ સાચી વાત તો એ છે કે મને એમના  બે મહિનામાં આવેલા સિક્સ પેકની ઈર્ષા છે. ઘડપણના ઉંબરે ઉભો રહીને પણ હું જવાનીનો મોહ છોડી શકતો નથી અને કોઈ સમાજસેવાનું કામ કરવાને બદલે રોજના બે કલાક જીમમાં બગાડું છું. જે મિત્રો સમય નથી કહીને વ્યાયામ નથી કરતા અને યોગાસનો ( મુખ્યત્વે શવાસન ) કરે છે એમને હું આળસુ કહીને વખોડી કાઢું છું પણ ખરું કહું તો એ જ તો મોટા દેશભક્ત છે અને સાચા સ્વદેશી માલના ગ્રાહક / પ્રચારક છે.   

આજના માટે આટલું પ્રાયશ્ચિત બહુ છે. હજુ પણ જે મિત્રોને મારી નિંદા કરાવી હોય એ નીચે કોમેન્ટમાં છૂટથી કરી શકે છે. હું તમારી પાછળ ઈ.ડી. કે સી.બી.આઈ. નહિ દોડવું. હા પણ એ જ મિત્ર કોમેન્ટ કરે કે જેનું ચરિત્ર મારા કરતાં પણ હલકું હોય…. 😉


Category : Gujarati Poem

તો હું શું કરું?



સ્વપનાઓ  બધા સાકાર ના થાય તો હું શું કરું?
ધારેલો જિંદગીનો આકાર ના થાય તો હું શું કરું?

વિનંતી કરી તેં તો મન મૂકીને વરસ્યો લે,
પછી એ જ પુરમાં તું તણાય તો હું શું કરું?

વચન પર તારા વિશ્વાસ રાખી ઇંતજાર કર્યો લે,
પણ આ જિંદગી જ પુરી થઇ જાય તો હું શું કરું?

મીઠી સરિતા સંગ ચાલવાનો નિશ્ચય કર્યો હતો મેં,
પછી એ જ ખારો સાગર બની જાય તો હું શું કરું?

જમીન-આસમાનનો તફાવત પણ કાયમી નથી લે,
ક્ષિતિજ બતાવું છતાંય  એ ના માને તો હું શું કરું?

એ કહે છે ‘હૃષી’  કે બોલીને  પ્રેમનો એકરાર કરી લે,
પણ આ હોઠોને ચુમવાનું બંધ જ ના કરે તો હું શું કરું?



આગળની પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પણ એક કોલેજ કાળની રચના છે. આ લખ્યા પછી કવિશ્રીના જીવનમાં બીજી 20-22 દિવાળીઓ જતી રહી છે એટલે ‘હું શું કરું?’ ની જે અસમર્થતા ( inability ) અહીં વ્યક્ત થઇ છે એ વીતેલા વર્ષોની સાથે પાકટ થયેલી સમજણ સાથે જ જતી રહી છે. એટલે સુજ્ઞ વાચક મિત્રોએ કાંઈ ચિંતા કરવા જેવું નથી. જો કે મોટાભાગનું સહાધ્યાયી મિત્રમંડળ તો હજુ પણ એવીજ વિવશતામાં અટવાયેલું છે એટલે એ કાંઈ કરી શકે તેમ પણ નથી ! 😉

મહદ અંશે દરેક યુવા ( યુવા શબ્દ પે ગોર દીજીએ, આયુ પર નહિ )  હૃદયમાં એક ભભુકતો જ્વાળામુખી હોય છે. આ એ જ નૈસર્ગીક ઉર્જા છે જેના દ્વારા કોઈ પણ કામ શક્ય બને છે. સમય જતા આ ઉર્જા સાત્વિક, રાજસિક અને તામસિક એમ ત્રણ અવસ્થાઓમાં પરિણામે છે. સાત્વિક પરિણામ જાણવા રૂબરૂ મળો. 🙂 તામસિક પરિણામ વાળા રાજકારણમાં, અવળા આધ્યાત્મમાં, વ્યસનમાં અને બીજા કેટલાંય અગડંબગડં કામો કરી સ્વયં પોતાનો અને સાથે સાથે બીજા કેટલાય ભોળા/મુર્ખાઓનો વિનાશ નોતરતા નજરે પડશે. રાજસિક સ્વભાવ ધરાવતા સ્ત્રી-પુરુષો એ જ્વાળામુખી પર્વત પર કોઈ વિજાતીય ( અત્યાર સુધી, પણ હવે કાંઈ કહેવાય નહિ … ) દેવી/દેવતાની સ્થાપના કરે છે. આ વિધિવત સ્થાપનને લગ્નસંસ્થા દ્વારા પ્રમાણિત કર્યા પછી, જાતકની ઉર્જાની ક્ષમતા પ્રમાણે એક થી દસ વરસના અંતરાલમાં આવી વ્યક્તિઓ, વ્યવહારુ ભાષામાં કહીએ તો, ઠંડી પડી જાય છે. બાકીની આંશિક ઉર્જા તેઓ વાર-તહેવારે પોતાના જીવનસાથી પર, બાળકો પર કે પછી ઓફિસમાં સહકર્મીઓ પર કાઢે છે. 😉

ભલે આ લખાણમાં ‘હોશ કમ જોશ જ્યાદા’ છે પણ એ સાવ વ્યર્થ નથી કારણ કે આટલા વર્ષોના અનુભવ પછી એ જીવનને સાચી રીતે મૂલવવામાં એક સાપેક્ષબિંદુ ( રેફેરેંસ પોઇન્ટ ) આપે છે. શરાબી મુવીમાં મહાત્મા વિકીભાઇ ( અમિતાભ  ) આસવની અસર હેઠળ પણ અમૃત વાક્ય કહે છે કે ‘મંઝિલે અપની જગહ હૈ રાસ્તે અપની  જગહ…’. એમ જ ખરેખરતો આપણી ધારણાઓ એક જગ્યાએ અને જીવનની વાસ્તવિકતાઓ બીજી જગ્યાએ હોય છે. એ વાસ્તવિકતાઓને આપણા સ્વપ્નાઓનો આકાર આપવા જો સખત મહેનત કરીએ તો પરસેવાના ટીપાંથી ભલભલી સખત જમીન પોચી થાય છે. એ પોચી જમીનના અવિરત ખોદકામથી ભાગ્ય પ્રમાણે કોઈકને કોલસાની તો કોઈકને સોનાની ખાણ અચૂક મળશે. અને જો એ ખાણમાં કાંઈ ના મળે તો એમ સમજીને પોરસાવું કે આમ આપણી કબર આપણે જાતે જ ખોદી છે એટલે હવે જીવનના અંતમાં પણ કોઈની પાસે દફન કરાવવા મદદ નહિ માંગવી પડે. 😉

કભી દેખો મન નહીં જાગે.. પીછે પીછે સપનો કે ભાગે…

એક દિન સપનોકા રાહી.. ચલા જાયે સપનો કે આગે કહાં …. જિંદગી…. 🙂


Category : Gujarati Poem

નિરાશ ન કર



બને તો કોઈનો જીવનમાં ક્યારેય  એટલો  વિશ્વાસ ન કર,
અથવાતો વિશ્વાસઘાતનું નામ આપી એને બદનામ ન કર,

મૌત જો માંગે તો  ખુશીથી આપી દેજે આ જિંદગી  એને,
આટલા વરસ સાચવી છે કહી એના પર અધિકાર ન કર,

સંજોગોએ બતાવી છે રાહ અને કિસ્મતે કૃપા કરી છે,
મળી છે જો આ કીર્તિ તો હવે એનું અભિમાન ન કર,


સવાલ જો કરે ખુદા કયામતમાં તો કહી દેજે કે વધુ તહકીકાત ન કર,
નક્કી કરીને જ મોકલે જો નિયતિ, તો કરેલી ભૂલોની હવે સજા ન કર,

મારા-તારાની વિચારધારાની પણ ત્યાંજ ભૂલ થાય છે ખરેખર,
આપે જો પ્રેમ એકને તો હવે બીજાને ધિક્કારવાની વાત ન કર,

બનાવીને આ દુનિયા હવે તો એ પણ પછતાય છે હૃષી,
પણ હવે જીવન એવું જીવ કે ઈશ્વરને વધુ નિરાશ ન કર.




આજની અને હવે પછીની બીજી 4-5 રચનાઓ અંદાજે 20-25 વરસ પહેલાની છે. ( હા, ઘણાને નવાઈ લાગશે પણ 2014 પહેલાં પણ આ ગ્રહ પર જીવન શક્ય હતું. ) એક સહાધ્યાયી મિત્રના છેલ્લા દસ-પંદર વર્ષોના અવિરત સત્યાગ્રહે છેવટે આજે મને માળીયા પર ચઢી પ્રાગઐતિહાસીક-કાલીન અવશેષો શોધવા મજબુર કર્યો. મને તો ખાતરી જ હતી કે આપણે કોઈ મહમ્મદ ગઝની નથી અને આ માળિયું કોઈ ગુજરાતનું સોમનાથ નથી કે જેટલીવાર ચડાઈ કરો એટલીવાર હીરામોતી જ હાથ લાગે. પણ લાગે છે કે રામનવમી અને હનુમાનજયંતીનો યોગ ભાડુતી લુખ્ખાઓ લાવીને કોમી રમખાણો કરાવી વોટ મેળવનાર રાજકારણીઓની જેમ મને પણ ફળ્યો. ( ખાસ નોંધ : પ્રજાની ઘોર મૂર્ખતાના લીધે એમને તો દર વખતે ફળે છે ) 😉

જન્મથી જ કર્મયોગીના સંસ્કાર હોવાથી, કોઈ સઘન કર્તાભાવના અભાવે મેં ક્યારેય આવા કોઈ સાહિત્યિક લખાણવાળા કાગળોની જાળવણી પ્રત્યે રુચિ દર્શાવી નથી. એક 50 પાનાની ડાયરીમાં જેણે આખું એન્જીનીયરીંગ પૂરું કર્યું હોય અને છતાં અડધા પાના કોરા હોય એવી વ્યક્તિ જોડે બીજી કઈ અપેક્ષા હોય. એ જ આળસ મારા અક્ષરોમાં પણ પ્રતીત થાય છે. પણ હું એમ પણ કહી શકું કે વર્ષો પહેલા જયારે આ પૃથ્વીને બચાવવા કોઈ ગ્રેટા થનગનતી નહોતી ત્યારનો ‘કાર્બન ફૂટપ્રિન્ટ’ બને એટલી ઓછી રાખવાનો મારો પ્રયત્ન હતો. 😉

હવે જે થોડા જર્જરિત કાગળો હાથ લાગ્યા છે એમાંથી, લિપિ ગુજરાતી હોવા છતાં એ કાંઈ દીપી ઉઠે એવી નથી એટલે, જેટલું વંચાશે એટલું પીરસાશે. 🙂


Category : Gujarati Poem

રામનવમી



શ્રીરામજી  હવે આપ કૃપા કરી મર્યાદા છોડો,
ઉત્તર દિશામાં સંસદ તરફ અમોઘ શસ્ત્ર છોડો,

લંકાનો  હવે કોઈ ભય  નથી  દિલ્લી તરફ દોડો,
જનસમુદાય પરથી જડભરતોનું આધિપત્ય તોડો,

ખર અને દૂષણ તો આજે બન્યા છે ભારત વિભૂષણ,
રાજનેતાઓ  સામે  રાવણનો  અત્યાચાર પડે મોળો,

માનવ કરતા વાનર ભલો, પણ એમ જ આશા ના છોડો,
રામરાજ્યમાં પણ રાજનીતિ છે, ભલે વાત મારી વખોડો,

રામનવમીને  યોગ્ય  અવસર સમજી હવે યુદ્ધ રથ જોડો,
જનહિતમાં ત્વરા કરજો ભલે આ ભક્તનો સંદેશો છે મોડો.



હનુમાનજીએ શ્રીરામને પૂછ્યું,” પ્રભુ, અયોધ્યામાં આપના ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે એના દર્શનની કામના છે. તો આપના રામાવતારના જન્મદિન નિમિત્તે પૃથ્વીલોકના પ્રવાસની અનુમતિ આપો.”

શ્રીરામ ટોણો મારે છે, “હનુમાન આપ તો ‘બુદ્ધિમતાં વરિષ્ઠમ’ છો અને આવી મતિ કેમ થઇ કે અનુચિત કામ માટે અનુમતિ માંગો છો? ત્યાં જઈને શું જોશો જે મારા સહવાસમાં નથી? ” 😉

હનુમાન સમજી જાય છે કે ભગવાન હજુ પણ પૃથ્વીલોક બાબતે ઉત્સુક નથી. ત્યાંજ નારદમુનિ પ્રગટ થાય છે અને હનુમાનજીને કહે છે કે આપ પણ સમજી નથી શકતા કે પ્રભુ શ્રીરામ સ્વયં ક્યારેય પોતાના મંદિરના દર્શનની પરવાનગી ના આપે. એ તો મર્યાદા પુરુષ છે. માટે આપ જેવા ભક્તે તો અવશ્ય જવું જોઈએ. વળી એમ પણ સલાહ આપે છે કે, અયોધ્યાની ગલીઓમાં પગપાળા ના જતા, રખડતી શ્વાન સેનાનો ખુબજ ત્રાસ છે, માટે આકાશમાર્ગ જ ઉચિત છે.

હનુમાનજી માનવ રૂપ ધારણ કરીને પ્રગટ થાય છે. ચોતરફ થતા જય શ્રીરામના નાદથી હનુમાનજીનું મન પ્રફુલ્લિત થઇ ઉઠે છે અને તેઓ પણ એ હર્ષનાદમાં જોડાઈ જાય છે.

હનુમાનને આટલા ઉત્સાહથી જય શ્રીરામ બોલતા સાંભળીને બાજુમાં ઉભેલા ભાઈ કહે છે કે ભાઈ નાહક આટલી ઉર્જા વ્યય ના કરો, ઉદઘાટનવાળા પ્રધાનનું પ્લેન મોડું છે અને હજી તો બીજા ચાર કલાક બોલવાનું છે. હનુમાન ચકિત થઈને કહે છે કે ચાર કલાક શું ચાર યુગ સુધી બોલું તો પણ ઓછું છે. પેલા ભાઈને લાગે છે કે આમની ચસકી ગઈ લાગે છે. કુતુહલવશ પૂછે છે કે,”કેટલાનો વાયદો કર્યો છે? ડબલ મળવાના છે કે શું તે આટલા જોશથી બરાડો છો?” જયારે હનુમાન વિસ્મયથી જુએ છે ત્યારે એ કહે છે કે,”તમારો ઉત્સાહ જોઈને તો લાગે છે કે તલાટીઓએ મફતમાં બોલાવેલા શિક્ષક તો તમે નથી. હટ્ટાકટ્ટા છો તો કોઈ ભાડુતી જ લાગો છો. બાકી આમારે શિક્ષકોએ તો આ રાજકારણીઓ જે તાયફામાં તેડાવે ત્યાં જવું પડે છે.” હનુમાનજી કાંઈ ઝાઝુ સમજ્યા નઈ પણ મનોમન એમ વિચારીને આગળ વધ્યા કે વાહ શ્રીરામના જન્મોત્સવમાં શિક્ષકો-આચાર્યો પણ આવી પહોંચ્યા છે, ધન્ય છે આ રાજ્ય અને નસીબદાર છે તેમના વિદ્યાર્થીઓ.

આગળ જતા તેમણે કેટલાક યુવકોને પથ્થર વીણતાં જોયા. કોઈ દિવ્ય સેતુનું નિર્માણકાર્ય થઇ રહ્યું લાગે છે એમ વિચારીને હનુમાને પણ આ શ્રમયજ્ઞમાં જોડાવાની અનુમતિ માંગી. તો એક વિચિત્ર લગતા વ્યક્તિએ પૂછ્યું કે,”અલ્યા કઈ જેલમાંથી આવ્યો છે? ભાગેડુ-ફરાર કે જામીન પર છે? જો પકડાય તો પાર્ટીની કોઈ જવાબદારી નથી. શું સમજ્યો? “. એટલામાં જ કોઈ બાજુમાં ઉભેલા વ્યક્તિએ કહ્યું કે,” સાહેબ, આને આપણા દળમાં સામેલ કરીલો. જે રીતે રામ નામ બોલતો હતો એ જોઈને તો પુરેપુરો બ્રેઇનવોશ લાગે છે. રમખાણોમાં આવા જ ઝનૂની જોઈએ.”

ત્યાંજ અચાનક કોઈ કોલાહલ શરુ થયો અને ટોળું દોડ્યું. હનુમાનજી પાછળ જઈને જુએ છે તો થોડાક યુવકો કોઈ દુકાનને આગ લગાડી રહ્યા છે અને કોઈકને ગડદાપાટુથી મારી રહ્યા છે. હનુમાનને હેરતની વાત તો એ લાગી એ લોકો દુકાનદારોને મારતી વખતે એમનું નામ કેમ લેતા હતા…

નારદમુનિ આ બધો ખેલ ઉપરથી જુએ છે…

અને સાચા રામભક્તો પરિસ્થિતિની વિવશતાની લીધે આવા ખેલ અહીં રહીને રોજ જુએ છે…. જય શ્રીરામ 🙂


Category : Gujarati Poem

શા માટે?



નથી કરતો કોઈ કામ ફક્ત સારું કે ખોટું લગાડવા માટે,
ભેગાં નથી કરવા, હું તો બોલું છું ફક્ત ભગાડવા માટે,
‘હૃષી’ શું કરે કોઈનું જીવન સુધારવા કે બગાડવા માટે?
કોણ નવરું છે અહીં, જડ જનસમુદાયને જગાડવા માટે.



ચંદુ : કેમ છો ચીમનભાઈ? કાશ્મીર ફાઇલ્સ જોઈ કે નઈ?

ચીમન : યાર ચંદુ તને તો ખબર છે કે જો પાંચ – પચ્ચીસ મળતા ના હોય તો હું મારા ટેબલ પરની ફાઈલ પણ જોતો નથી. કેમ એવું તો શું છે કે તું આજે શેરબજારમાંથી કમાવવાની વાતો મૂકીને સિનેમાની ચર્ચાએ ચડ્યો છે?

ચં : યાર બધી વાતમાં પૈસાપૈસા ના હોય. દેશપ્રેમ જેવુંએ કૈંક હોવું જોઈએ કે નહિ. બિચારા કાશ્મીરી પંડિતોનું દુઃખ આપણે પણ સમજવું જોઈએ.

ચી : જો ભાઈ, કોઈનું દુઃખ સમજવામાં ટાઈમ બગાડવા કરતા આપણે કોઈ નવું દુઃખ સહન કરવાનું આવે એ પહેલા તૈયારી કરવામાં સમય આપવો જોઈએ.

ચં : મતલબ ?

ચી : મતલબ એ, કે આ દેશમાં સતયુગમાં કાયદો-વ્યવસ્થા પોતે પરિશ્રમ કરી પ્રજાને દૂધ આપતી ગાયોના હાથમાં હતી, હવે કળિયુગમાં હોંચી હોંચી કરતા ગધેડાઓના હાથમાં ( કે લાતમાં ) છે અને હવે પછીના ઘોર કળિયુગમાં એ કરડતા કુતરાઓના હાથમાં જશે. તો આપણે આ કાશ્મીર ફાઈલ છોડીને આપણા ટેબલ પરની ફાઈલો માંથી કમાણી કરીને કોઈ આપણને વિસ્થાપિત થવાની ફરજ પાડે એ પહેલાં બીજા કોઈ દેશમાં બરાબર સ્થાપિત થઇ જવાનું. 

ચં : ધેટ્સ વેરી સેલ્ફીશ થીંકીંગ ચીમન.

ચી : નો. ઇટ્સ વેરી પ્રેગ્મેટિક થીંકીંગ માય ફ્રેન્ડ. જો, થોડા વર્ષોમાં હું વિદેશમાં સેટલ હોઈશ. આજથી થોડા દસકાઓ પછી મારા કોઈ પૌત્ર-પૌત્રી કોઈક વૈજ્ઞાનિક શોધ-શંશોધન કરશે કે પછી અવકાશમાં જશે, કદાચ કોઈ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં સી ઈ ઓ થશે કે પછી કોઈ રાજદ્વારી હોદ્દો સંભળાશે. એમાં કોઈ મોટી નવાઈની વાત નથી કરણકે એ બધા દેશોમાં આવી કોઈ આખા દેશને હીબકે લેવડાવતી ફાઈલો પેન્ડિંગ નથી એટલે લોકો આવા જ કોઈ કામો કરે છે.      

__________________________

ઉપરોક્ત સંવાદમાં કોઈકને ચંદુની વાત સાચી લાગશે તો કોઈકને ચીમનની. ( આપને કોની લાગી? સાચું બોલજો, શાકમાર્કેટમાં તમારા પાડોશીની પાછળ પડેલી ગાયના સમ ) 😉

મારામાં સાચા ખોટાનો ભેદ પારખવાની ખરેખર ક્ષમતા હોત તો કદાચ મને એ ખબર હોત કે આ દેશમાં ખરેખર કયો પ્રશ્ર્ન મહત્વનો છે? પંડિતોનું કાશ્મીરમાંથી નીકળી જવું કે, નાચથી વખતે પુષ્પાના પગમાંથી ચંપલ નીકળી જવું ? વળી પાછું આવતા મહિને આ દેશનું ટોળું ક્યા મેળે જશે એ કહેવું ખરેખર મુશ્કેલ છે ! 🙂