મલિન મન મનુજને રાતદિવસ ડહોળે,
ભલે એ જાતને ગંગામાં રોજ ઝબોળે,
અલિપ્ત રહેવું, ના વહેવું કોઈ ટોળે,
જાગ્રત તો બસ મનથી મનને જ ખોળે,
ભવિષ્ય ઓછું એ ભૂતકાળ વાગોળે,
દુઃખી રાહ જુએ ભવિષ્યની કાગડોળે,
સ્થિતપ્રજ્ઞ જ સર્વકાળ સુખી છે ‘હૃષી’,
તત્વજ્ઞ ના ચઢે કોઈ કાળના હિંડોળે.
માનવ જીવનના બે સૌથી મહત્વના પ્રશ્નો જો કોઈ હોય તો એ છે, જાગૃત અવસ્થા એટલે શું? અને સમય શું છે? ( સ્પષ્ટતા : મહત્વના એના માટે કે જેનામાં મગજ છે અને જે એ વાપરવા ઉત્સુક છે. બાકીના બેવકૂફો માટે તો બીજા હજારો પ્રશ્નો મહત્વના છે જેની ચર્ચા અત્રે ઉપસ્થિત નથી. )
હકીકતમાં જાગૃત ( enlightened ) માટે સમયનું અસ્તિત્વ નથી અને જે સમયથી પર થાય છે એ એક સંપૂર્ણ જાગૃત અવસ્થા જ હોઈ શકે. માટે ઉપરોક્ત બંને પ્રશ્નોના જવાબો અંતે તો એક જ સત્ય તરફ નિર્દેશ કરે છે. માટે જ નરસિંહ મહેતા કહે છે કે,
જાગીને જોઉં તો જગત દીસે નહિ,ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે …
સામાન્ય બૌદ્ધિક વિચારધારાનો ( common purpose rationality ) પ્રતિવાદ હોઈ શકે કે હોવું કે ના હોવું એ દ્રષ્ટા પર આધારિત કેવી રીતે હોઈ શકે જયારે દ્રશ્યનું સ્વતંત્ર અસ્તિત્વ છે. આ જ તો બૌદ્ધિકતા અને તાત્વિકતા વચ્ચેનો ભેદ છે. પણ એ ગીતાજ્ઞાન અન્ય કોઈ પ્રસંગે પિરસીશું. અત્યારે ગીતાના સાંખ્યયોગના આ શ્લોકો વધારે સુસંગત છે
ન ત્વેવાહં જાતુ નાસં ન ત્વં નેમે જનાધિપાઃ|
ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમત: પરમ||
દેહિનોસ્મિન યથા દેહે કૌમારં યૌવનં જરા |
તથા દેહાન્તર પ્રાપ્તિર્ધીરસ્તત્ર ન મુહ્યતિ ||
(ગીતા 2.12,13)
અર્થાત, શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે એવું ક્યારેય ન હતું કે હું ના રહ્યો હોઉં કે તું ના રહ્યો હોય અથવા તો આ બધા રાજાઓ ના રહ્યા હોય. વળી એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહિ હોઈએ. જેમ દેહમાં રહેલો આત્મા આ શરીરમાં બાળપણ, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાંથી નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે, મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવા પરિવર્તનોથી મૂંઝાતો નથી.
મેં ક્યારેય કોઈ બાળકને ભૂતકાળની વાતો કરતા નથી સાંભળ્યું. કારણ સ્પષ્ટ છે, કે એની પાસે એટલી બધી મોજ આવનારા ભવિષ્યમાં કેદ છે કે એને કદી પાછા ફરીને જોવાનો વિચાર જ આવતો નથી. આવી જ રીતે, કોઈ પણ જીવનની મોજથી ભરેલા વ્યક્તિ પાસેથી તમે ફક્ત ભવિષ્યના અંતરંગ વિચારો સાંભળશો. જો કોઈ ભૂતકાળની વાતો કરી કરી ને પકાવે તો સમજવું કે હવે આ ભાઈ કે બહેન ફક્ત જીવતી લાશ છે.
જે એ સમજી ચૂકયા છે કે જીવન એ કોઈ શરૂઆત નથી અને મૃત્યુ એ અંત નથી એ જ આનંદથી ભરેલા જોવા મળશે.
2020 એ ઈશ્વરે લીધેલી એક surprise test હતી. તમારું પરિણામ જાણવા નીચેના વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરો.
1. બહુ કપરો કાળ હતો 2020
2. હવે 2021 સારું આવે તો સારું
3. આજે કઈ તારીખ છે?
પરિણામ : ઈશ્વરને બીજા હજારો કામ છે, એ કોઈ ડફોળ પૃથ્વીવાસીઓની પરીક્ષા લેવા નવરા નથી. માટે પોતાની જાતને એટલી મહત્વની સમજવાની ભૂલ કરવાવાળા બધા નાપાસ.. હા હા હા… 😉