ડ્રીમ ઓફ અ ડ્રાય સ્ટેટ
(હાસ્ય કવિતા)
ડ્રાય સ્ટેટમાં પણ પીવાવાળાનો ક્યાં તોટો છે,
કોઈની પાસે કૂવો તો કોઈક પાસે લોટો છે,
બિયર, વ્હિસ્કી, રમ વગર કોણ અહીં રોતો છે,
જ્યાં ના મળે અંગ્રેજી, ત્યાં પોટલીવાળો મોટો છે,
હે ઈશ્વર, સુર અસુર જો સુરાને ના પામી શકે,
એવો આ કાયદાનો જુલમ સરાસર ખોટો છે,
પ્રતિબંધ હશે એટલે, કે તમે કદર કરી શકો,
પીધા પછી કોણ જાણે, ગુલાબ છે કે ગલગોટો છે,
સૌને સમાન અધિકાર આપો, મનફાવે તે વ્યસન ચાખો,
આજ કોઈ ના કહે, ખાલી જામ કરતા માવો શું ખોટો છે,
આલકોહોલથી જ આચમન કરે, આખો દી નિર્જળા ફરે,
એવા મદિરા-આસક્તનો આજ મળવો મુશ્કેલ જોટો છે,
કોણ શું ખાયપીવે એનો ન્યાય હવે આપ ના કરો,
આ કળિયુગમાં પણ કાજી બની, ઉપરવાળો બેઠો છે,
આવ બતાવું આ ડ્રાય સ્ટેટનો ભરમ જેને જેને પેઠો છે,
જોઈ લે આ મહેફિલમાં સુરાથી હોંઠ કોનો કોનો એંઠો છે,
‘હૃષી’ તમે કાંઈ અડતા નથી, છાંટોપાણી કદી કરતા નથી,
છતાં આ રસિક રચનાઓથી ભરેલો કેમ તમારો કોઠો છે!
………………
**મદિરાપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે
આજના આ પવિત્ર દિવસે રજાનો આનંદ મદિરા સાથે માણતા, એક એક ઘૂંટ સાથે રંક પ્રજા હોવા છતાં રાજા હોવાના આભાસમાં રાચતા, દ્રાક્ષારસના સેવનાર્થીઓને , કોઈ પણ જાતના માદક દ્રવ્યની અસર હેઠળ આવ્યા વગર, સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં મારા તરફ થી અર્પણ… 😉 🙂