કોઈ પણ વિચારનો હવે પ્રચાર નથી કરવો,
સાચી કે ખોટી વાતનો હવે પ્રસાર નથી કરવો,
અનુભવને હવે જીવનમાં ઊંડે ઉતારવો છે હૃષી,
કાંકરા દળીને હવે કોઈ કંસાર નથી કરવો,
***
સ્વાર્થ વગર અહીં હવે કોઈ વ્યવહાર નથી કરવો,
મૂર્ખ જનતા પર ડાહ્યાં બની કોઈ ઉપકાર નથી કરવો,
જે છે એ એમનું એમજ રહેવાનું છે એમ સમજી હૃષી,
પરિસ્થિતિને પ્રેમ કે એનો તિરસ્કાર નથી કરવો.
ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પ્રમાણે જો વિચારીએ ( ના તમારાથી આ કામ નઈ થાય મોટાભાઈ એટલે રહેવાદો અને અમને એ કરવાદો ), તો મોટાભાગની પ્રજાનું મગજ સદીઓ / પેઢીઓથી વપરાતું ના હોવાના કારણે લુપ્ત થયું છે. ભવ્ય ભારતભૂમિનું દરેક ઈલેક્શન એની સાબિતી છે. મગજની વાતો મગજ વગરના લોકો સામે ઘણી કરી છે પણ આજે વાત કરવાની છે અન્ય એક અંગની કે જે અગેઇન સદીઓ / પેઢીઓથી વપરાતું ના હોવાથી ટૂંક સમયમાં લુપ્ત થઇ જશે. આપણા દેશની પ્રજામાં મગજ પછી બીજું કોઈ એવું અંગ હોય કે જે ના વપરાતું હોય તો તે છે કાન.
એક વિજ્ઞાનને તિલાંજલિ આપનારા બાબાના આશ્રમની બેશરમ દાવા કરતી લેબના સંશોધનો પ્રમાણે તો ભારતીયોના કાનમાં પડદા નહિ પણ ખુબ જ જાડી દીવાલો છે. જેને હલાવવી ખૂબ જ મુશ્કેલ છે. માટે જ તો અહીં કોઈ કંઈ સાંભળતું નથી. ખરેખર તો એમ કહેવું જોઈએ કે સાંભળી શકતું જ નથી તો બિચારા શું સાંભળે. મેં એક લંપટ સાધુને ( આમતો વર્તમાન કથિત સાધુ-સંતો આગળ કોઈ વિશેષણ લગાવવું જરૂરી નથી કારણ કે એક એવો નંગ નથી કે જે ખરેખર નંગ ના હોય ) પૂછ્યું કે આપ ( હા, હું લબાડ લોકોને પણ માનપૂર્વક જ સંબોધું છું ) આટઆટલી કથાઓ કરો છો તો કોઈ કાંઈ સાંભળે છે ખરું? એમણે ખંધુ હસતા હસતા કહ્યું,”બેટા, સાંભળે કે ના સાંભળે એની કોઈ ચિંતા નથી પણ પભુનો એટલો ઉપકાર કે આખા શરીરમાં કાનના જ બે દ્વાર એવા છે કે એમાંથી મનુષ્યો કાંઈ કાઢતા નથી”. મને પણ એમની વાત સાચી લાગી કે, કાન દ્વારા કોઈ કાંઈ અંદર ઉતારે કે ના ઉતારે, એટલીસ્ટ એનાથી કોઈ ગંદકી તો નથી ફેલાવતા. એય ઘણું છે.
લોકોને કાન બંધ રાખવા ગમે છે એવું પણ નથી. કાનને ચાલુ કરવા માટે તમે ઘણા લોકોને કાનમાં ચાવી નાખીને ફેરવતા જોયા હશે. મારી બાલ્યાવસ્થામાં મને એમ હતું કે જયારે ખુબ અવાજ થાય છે ત્યારે ઘણા લોકો આવીરીતે કાનમાં ચાવી ફેરવીને કદાચ કાનને લોક મારતા હશે. પછી એ જ ચાવીથી જયારે એ સ્કૂટરનું લોક ખોલતા ત્યારે એવું વિચારતો કે કદાચ માસ્ટર-કી હશે. પછી જયારે એમને સ્કૂટર ચલાવતાં ગુટકાની પિચકારી મારતા જોતો ત્યારે એમ વિચાર આવતો કે ભૂલથી બીજી કોઈ ચાવી કાનમાં ફેરવી છે અને આમનું મગજ બંધ થઇ ગયું છે. હવે મોટા થયા પછી સમજી શકાય છે કે મજગ તો હોતું નથી માટે એ ચાવી કાનની જ હશે.
આ લખી રહ્યો છું ત્યાં જ કોઈ ગધેડો ઘોડે ચડ્યો છે ( કળિયુગની વધુ એક નિશાની ) અને આખું ગામ ગજાવી મૂક્યું છે. છોટા-હાથી ( ના ભાઈ, વેવાઈનું લાડકું નામ નથી, આ તો નાના ખટારાનું નામ છે ) કે એવો જ કોઈ બીજો ટ્રક કે ટ્રેકટર ભરીને લોઉડસ્પીકર લાવવાના અને આજુબાજુના મિનિમમ એક કિલોમીટરની ત્રિજ્યાના રહીશોના કાન પર અમાનુષી બળાત્કાર ગુજારવાનો. વિચિત્ર વાત એ કે, ગુજરાતીઓના લગ્નમાં માણસો ( ભલે જંગલી અને અસંસ્કારી હોય ) સિવાય બીજું બધું જ પંજાબી હોય છે. લગ્નની વિધિઓ પણ !! પાછું ગીત વાગે છે — “આજ મેરે યાર કી શાદી હૈ, મન્ને કોઈ રોકો ના”. ભાઈ તારા મા-બાપને ના રોકી શકાયા એના પ્રત્યાઘાતો આ અખિલ બ્રહ્માંડમાં હજુ પણ પ્રવર્તી રહ્યા છે માટે તને રોકવો ખુબ જ જરૂરી છે. બીજું એ કે, તારા લગન નથી એટલે પણ તને રોકવો જરૂરી છે. યારની શાદીમાં તારે આટલા કુદકા મારવાની ક્યાં જરૂર છે. ખરેખર તો એવું ગીત વગાડાય કે — “આજ મેરે યાર કી શાદી હૈ, કોઈ ઉસ ગધે કો રોકો ના”. પાછા મૂળ મુદ્દા પર આવીએ. જે લોઉડસ્પીકરનો પહાડ મારા હૃદયની ગતિ 1 કિમી દૂરથી બદલી શકે છે એની 1 સેમી નજીકમાં માતાજીઓ નાચે છે અને ભુવા ધૂણે છે!! તો આમને બહેરા ના કહીએ તો શું કહીએ. પાછા ઘણા તો આટલો ઘોંઘાટ ઓછો હોય એમ આકાશમાં બંદૂકોના ભડાકા કરે છે. જાણે કે ઈશ્વર પર ગોળીઓ છોડીને મજાક કરતા હોય કે, જોયું,”મને આવો મૂરખ લલ્લુ બનાવ્યો, ને તને એમ કે મને કોઈ કન્યા નઈ આપે. તો જો અમે આ ઘોડે ચડ્યા”.
મારી વાત પર અહીં વિરામ મુકું છું. હવે કોઈને કાંઈ કહેવું હોય તો કહી શકે છે. પણ હું સાંભળીશ એની કોઈ ગેરંટી નથી… 😉