ટીપી
(ટાઈમ પાસ)
( એક હાસ્ય કવિતા )
ટીપી એટલે મિત્રો સાથે કરાતી ગોષ્ઠી,
ગપ્પા મારવામાં સમાય આખી શ્રુષ્ટિ ।।
TP means meaningless talks with mature or mindless friends,
In which universal topics are discussed without any constraints.
જેમની સાથે કોઈ પણ કાળ કે ચોઘડિયાની પળોજણ વિના આખી રાતોની રાતો ટીપી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા પરમ મિત્રોને અર્પણ…
પ્રસ્તાવના
સુજ્ઞ શ્રોતા/વાચક ગણની જાણ સારું એટલું કહેવાનું કે, ટીપી અર્થાત ટાઈમ પાસ એવા ટીપીના શાબ્દિક અર્થમાં ના પડતા, આ શબ્દની ભાવનાઓને સમજવા પ્રયત્ન કરવો. દેવ, અસુર તથા મનુષ્ય લોકમાં તથા આકાશ, પાતાળ તથા સ્વર્ગલોકમાં જો અચૂક કરાતી કોઈ પ્રવૃત્તિ હોય તો એ ટીપી છે. વેદ, પુરાણ તથા અન્ય શાસ્ત્રોમાં દેવલોકની નૃત્ય, સંગીત, સુરા તથા શાસ્ત્રાર્થ ચર્ચા સાથેની ટીપી ના અસંખ્ય અને અદભુત વર્ણન જોવા મળે છે. આ વૈદિક પરંપરાને જાળવી રાખવાનો અથાગ પ્રયત્ન કરવામાં અમે ગર્વ અનુભવીએ છીએ.
આ કૃતિ, શ્રી સંતશિરોમણી વેદવિજ્ઞાતા પરમ પૂજ્ય અક્ષરબ્રહ્મ બુદ્ધ મહર્ષિ એવા સત્તચિત્તઆનંદ સ્વરૂપ અવતાર પુરુષ શ્રી હ્રષી પટેલ દ્વારા સમસ્ત ટીપી પુરાણ તથા જ્ઞાત-અજ્ઞાત સમસ્ત ટીપી શાસ્ત્રોના સારરૂપ સ્વાનુભૂતિથી જનસામાન્યના આનંદ તથા મનોરંજનાર્થે દૈવીકૃપાથી રચવામાં આવી છે.**
શાસ્ત્રોક્ત રીતે ટીપી કેવી રીતે કરવી તથા ટીપી ને લગતી અન્ય બતાતો વિશેની સવિસ્તૃત માહિતી માટે રૂબરૂ, દૂરભાષ્ય દ્વારા અથવા તો WhatsApp / Instagram નામક મંચ પર આચાર્યનો યોગ્ય ચોઘડિયામાં સંપર્ક સાધવો. અત્રે ટીપી વિષેની ગુરુપ્રસાદ સ્વરૂપ રચનાનો આસ્વાદ માણીએ.
** વિશેષણો ઉપર વિસ્તૃત ટિપ્પણી કાવ્યના અંતમાં
દોહા
ટીપીનો મહિમા જે નર અને નારી જાણે છે,
અઠવાડિયામાં થોડા કલાક અવશ્ય કાઢે છે,
જે જાણ્યા છતાં નથી કરી શકતા,
એ ટીપી વગર જીવ બાળે છે
……………
ઘર, સમાજ અને સગાવ્હાલાના કામ બધા તું જરૂરી કર,
સાંસારિક જવાબદારી તારી બધી પુરી કર,
ભલેને તું દોર્યા કરે વ્યર્થ વર્તુળો,
મિત્રો સાથે મળીને એક સીધી લીટી કર,
દોસ્ત, તું એક વાર અમારી સાથે ટીપી કર…
ચા, કોફી, બીડી, સિગારેટ ને માવો,
વ્યસનની કમી ભલે બધી પુરી કર,
પણ જો ભુલવીજ હોય બધી વ્યથાઓ,
તો મિત્રો સાથે ચર્ચાઓની ચિલમ ભર,
પછી તને પેગ પણ નહિ લાગે એટલો પ્રીતિકર,
આ બધી કુટેવો છોડવા, અમારી સાથે ટીપી કર…
CM કે PM પણ જે ના કરી શકે,
મનની એ અધૂરી વાત બધી પુરી કર,
છોડ તું બધા ડર, બનીને નિડર, ખોજ તારા અંતરનો સ્વર,
ક્યાં સુધી નાચીશ બીજાની સીટી પર,
આવ, બનાવીએ તને બાહુબલી, આજ રાતની ટીપી પર…
કોઈ દેશ, ધર્મ, જાતિ કે વેશ પર,
નાણાં કે એના નિવેશ પર,
પોતાની સમજણ સંવાદથી તું સીધી કર,
આ બેઠક પર એક વાર તું ટીપી કર…
બનીને વિદ્વાન વિવેચક, ગણીને બાકી બધાને બબુચક,
દલીલબાજીમાં આપીશ નહિ તું મચક,
કરપ્શન કે ક્રિકેટ, ટોપિક તું સિલેક્ટ કર,
ગ્લોબલ વોર્મિંગની અસર કે કેટરીનાની કમર,
બધી છુટ તને શનિવારની આ ટીપી ઉપર…
ગમેતેવી ગંભીર વાત પર પણ,
બિન્દાસ બની ખીખી કર,
નીતિ-નિયમોને નેવે મૂકી,
આખી રાત હાહા-હીહી કર,
હોય ભલે એ કાફે કે પછી ચા ની કિટલી પર,
પણ યથાશક્તિ તું ટીપી કર…
એડમીન, લે તું આ સંગત ની સેલ્ફી,
અને તેને જ ગ્રૂપનું ડીપી કર,
હસતા ચહેરા જોઈને બેફિકર,
દુઆ કરો આ ટીપી રહે અમર…
આ ટીપી રહે અમર…
ૐ લોકવિનોદાર્થે જનસામાન્યરંજનાર્થે ટીપીરહસ્ય પ્રાગટયાર્થે
શ્રી આચાર્ય હ્રષી પટેલ નિર્મિત ટીપી માહાત્મ્ય સમાપ્તમ||
******
**સુજ્ઞ વાચકો સમજી જ ગયા હશે કે આ બધા વિશેષણો ફક્ત ને ફક્ત વ્યંગ અને કાવ્યની રસક્ષતિ ના થાય એ હેતુથી જ પ્રયોજવામાં આવ્યા છે. તેના દ્વારા મૂર્ખ અને કથિત સાધુ સંતો તથા પોથીપંડિતો પર કટાક્ષનુ જ પ્રયોજન છે. મહદ અંશે ભાવભક્તિમાં (વાંચો અંધભક્તિમાં) ઘેલા/ચેલા ભક્તો જ આવા વિશેષણો તેમની મૂર્ખતાના પ્રદર્શાનાથે પ્રયોજતા હોય છે. અથવા તો નરસિંહ કહેતા એમ “એ સઘળા પ્રપંચ પેટ ભરવા તણા” વાળા ઠગો જ આવી નિમ્નસ્તરીય આત્મશ્લાઘામાં રાચતા હોય છે. મારુ એવું દૃઢ પણે માનવું છે કે આમાંના કોઈ પણ વિશેષણો વાપરવાની કોઈ પણ મનુષ્ય દેહધારીની ક્ષમતા કે પાત્રતા નથી. સુન્દરમ ના શબ્દોમાં કહીએ તો ‘હું માનવી માનવ થાઉં તોયે ઘણું’.
કોઈ પણ કૃતિ પ્રત્યે મારો કોઈ કર્તાભાવ કે અહમ નથી. જે કાંઈ કલા સર્જન છે એ ફક્ત ને ફક્ત માં સરસ્વતીની કૃપાથી જ શક્ય બને છે અને તેના માધ્યમ તરીકે કોઈ પણ હોઈ શકે. બધુજ સારું સર્જન ઈશ્વરકૃપા તથા અયોગ્ય, અરુચિકર તથા ભૂલ ભરેલી બધીજ ક્ષતિઓ મારી પોતાની ગણી વિરમું છું.
**************