Category : Gujarati Poem

જન્માષ્ટમી



વિસર્યો જ છું હું ક્યારે કે ફરી એને યાદ કરું,
અજ્ઞાત એ છે જ નહિ કે ફરી એને જ્ઞાત કરું,
જો પોતાનામાં અને પરમાત્મામાં ભેદ જ નથી,
તો હૃષી તમે જ કહો કોના માટે પૂજાપાઠ કરું?


ના કદી હું મંદિરોના વ્યર્થ ફેરામાં સંગાથ કરું,
આદત જ ક્યાં છે મને કે ગોળગોળ વાત કરું,
જાતને ભૂલવા હૃષી સક્ષમ હોવ તો કહેજો મને,
પળમાંજ પરમેશ્વરને ચર્તુભુજ રૂપે સાક્ષાત કરું.



ગત સપ્તાહે આંશિક ભારત ભ્રમણ કરતાં કરતાં મારે વૃંદાવન જવાનું થયું. આમ તો કહેવાતા પવિત્ર ધામોને હું દૂરથી જ પ્રણામ કરું છું પણ આ કેસમાં ગયા વગર છૂટકો નહોતો. વળી મનમાં એમ પણ હતું કે આપણા પરમ ગુરુ અને મિત્ર ભગવાન શ્રીકૃષ્ણની ભૂતકાળની લીલાભૂમિ લગભગ બે દસકા પછી જોઈએ તો ખરા કે કેવી પરિસ્થિતિમાં છે. 

ગંદકી, ઘોંઘાટ અને અવ્યવસ્થિતતાનો ત્રિવેણી સંગમ આવતાની સાથે જ અણસાર આવી ગયો કે ‘પવિત્ર ધામ’ નજીકમાં જ હશે. જે મિત્ર અને એના માતાપિતા સાથે આ યાત્રા હતી એ આમ તો મારા વિચારોથી સુપરિચિત છે જ પણ તેમ છતાં મેં સ્પષ્ટ કરી દીધું હતું કે કાર પાર્ક થયા પછી ‘દર્શનાર્થીઓ’ એમના રસ્તે અને હું મારા રસ્તે. વૃંદાવનની ગલીઓમાં ડગલે ને પગલે ગાંધીછાપના વિનિમયથી કરાવતા VIP દર્શનરૂપી કન્યાઓના માંગા એક વિરક્ત સાધુની જેમ ઠુકરાવતો, જાણે જ્યાં જ્યાં ભગવાનના પગલાં પડ્યા હોય એને છાણથી ઢાંકીને પોતાનો પ્રેમ દર્શાવવા આતુર બનેલી  અને શ્રીકૃષ્ણના ગમન બાદ સુધબુધ ખોઈ બેઠેલી ગોપીઓની જેમ રખડતી બનેલી ગાયોથી મારી જાતને બચાવતો બચાવતો હું વસુદેવની જેમ મારા હૃદયના ટોપલામાં રાખેલા શ્રીકૃષ્ણ સાથે આગળ વધી રહ્યો હતો.

તે દરમ્યાન મિત્ર કુટુંબની ધીરજ અને સહનશક્તિ ખૂટતાં, એમનાથી થયેલા VIP દર્શનના આશીર્વાદના સ્વીકારરૂપી સંયમચ્યુતના સમાચાર મળ્યા. સાથી સૈનિકોના પક્ષપલટાથી મનમાં થોડું દૂખ તો થયું પણ ઈશ્વરને ગમ્યું તે ખરું અને થયું કે વિશ્વામિત્ર પણ જો મેનકાથી ચલિત થયા પછી પણ બ્રહ્મપદ પામી શકે તો મારા સાથીઓ પણ પછી પ્રાયશ્ચિત કરી લેશે અને મોક્ષમાર્ગે આગળ વધશે.

મંદિર જેમ જેમ નજીક આવતું જતું હતું તેમ તેમ (મૂર્ખ)માનવ મહેરામણ આગળના રસ્તાને ઘેરી વળ્યું હતું. વસુદેવને યમુનાનું જળ જેમ ગળાથી ઉપર વધીને માથા સુધી પહોંચતા જેવી થઇ હશે એવી જ રૂંધામણ મને શરુ થઇ. પણ શ્રીકૃષ્ણને કૃપાસાગર એમ થોડા કીધા છે? જેમ બાળકૃષ્ણે પિતા વસુદેવ માથેના ટોપલામાંથી પોતાનો પગ બહાર કાઢીને જેવો પોતાનો અંગુઠો યમુનાની તોફાની ધારામાં ઝબોળ્યો કે તુરત જ ભગવાનના ચરણસ્પર્શથી ધન્ય થયેલી યમુનાએ વસુદેવને માર્ગ કરી આપ્યો , તેમ કોઈ ચમત્કાર થાય એની હું રાહ જોતો હતો પણ તેવામાં જ એક આકાશવાણી થઇ જે કદાચ મને એકલાને જ સંભળાઈ. આકાશવાણી બોલી ઉઠી કે હે હૃષી, એ તો દેવી યમુના હતી કે માર્ગ આપ્યો, પણ આ જડ-સમુદાય તો પ્રભુ સ્વયં આવીને ધક્કા મારે તો પણ નહિ હટે , માટે એક જ્ઞાની ભક્ત થઈને આવી ઈચ્છા કરીને પ્રભુને ધર્મસંકટમાં ના મુકીશ.

જેવી ઈશ્વર ઈચ્છા સમજીને મેં કદમ પાછા વળ્યાં ત્યાં જ ચમત્કાર થયો. અચાનક જ એક બૂકસ્ટોર પ્રગટ થયો અને મારે બ્રહ્મસૂત્ર અને ગીતાભાસ્યો વિષે જે પુસ્તકો ઘણા સમયથી જોઈતા હતા તે મળ્યા. વળી, શ્રીવિષ્ણુ અને શંકર જોડીમાં ભ્રમણ કરવા નીકળ્યા હોય એમ, બે સાધુઓ પણ ત્યાં આવ્યા અને મારા હાથમાંના પુસ્તકો જોઈને થોડી ચર્ચા કરી અને માર્ગદર્શન આપ્યું. બસ આ જ્ઞાન પ્રસાદ લઈને હું પાછો કાર પાર્કિંગ એરિયામાં આવ્યો. જેવા અમે કારમાં બેઢા કે મિત્રની મમ્મીએ ડ્રાઈવરને પ્રશ્ન કર્યો કે, “તમે પણ દર્શન કર્યા કે નહિ?”. ડ્રાઈવરે જવાબ આપ્યો,”બહેનજી, હું તો અહીંયા આવતો જતો રહું છું એટલે તમને દર્શન થયા એટલે બસ. વળી, મારા માટે તો મારા માતાપિતા જ તીર્થ સમાન છે એટલે બીજા તીર્થોના દર્શન થાય ના થાય એનો કોઈ ગમ નથી….”. આ જવાબ સાંભળીને મારાથી પ્રસન્નતાથી હસી પડાયું ને થયું કે આ જ તો ભગવાન શ્રીકૃષ્ણની સ્ટાઇલ છે કે હંમેશા છેલ્લા બોલે સિક્સર મારવી …. 😉

ઘરે આવીને જયારે બીજા દિવસે સવારે શ્રીકૃષ્ણ સાથે હું ચા-કોફી પીતો હતો ત્યારે મેં આ વાત છેડી. તો ઈશ્વર હસતા હસતા બોલ્યા, એમ કાંઈ હું વૃંદાવન છોડીને દ્વારકા આવ્યો હતો. અને લલ્લુ લોકોએ ત્યાં પણ હેરાન કરવાનું ના છોડ્યું તો દ્વારકા પણ મારે સમુદ્રમાં અદ્રશ્ય કરવી પડી… છેવટે મેં પૂછ્યું કે આ બિર્થડેમાં લોકો એવું શું કરે તો આપને ગમશે. પ્રભુનો સસ્મિત પ્રત્યુત્તર હતો કે લોકો પોતાના નાનકડા દીકરા દીકરીઓને કાનુડો ને રાધાના વાઘા પહેરાવે છે એ તો બધું ઠીક છે પણ જો એની સાથે મેં આપેલા ગીતાજ્ઞાનના બે શબ્દો પણ સંભળાવતા અને સમજાવતા હોય તો સારું. કારણકે એના વગર અત્યારે ઇન્સ્ટાગ્રામ લાઈક માટે કપડાં થકીજ બનેલા કાનૂડાઓ મોટા થઈને કંસ જેવા કપૂત અને રાધાઓ રોતડ ને વેવલી બનીને રહી જશે… 🙂