Category : Gujarati Poem

ઉખાણું



આ બધા દુઃખી લોકો જુએ છે એ રીતે, 
જાણે કે એમને મન હું કોઈ ઉખાણું છું,
સમાજના સરવાળામાં એ શોધે છે સંતોષ, 
જયારે હું બેવકૂફોની બાદબાકીમાં માનું છું, 

એ બધા અટપટી વાર્તાઓમાં વ્યસ્ત  છે, 
જયારે હું સીધી સરળ વાતમાં જ માનું છું,
પાપ-પુણ્યના ઉપદેશોથી  એમની  જિંદગી  ત્રસ્ત છે, 
જયારે કોઈને નડ્યા વગર હું જીવનની મોજ માણું છું

હૃષી,  એ ગૂંચાયા કરે છે જે ગણતરીઓમાં,
એ બધા દાખલાના સીધા જવાબ હું જાણું છું.



આદિ શંકરાચાર્યએ કહ્યું છે કે “બ્રહ્મ સત્ય, જગત મિથ્યા” અને હું કહું છું કે “સુખ સત્ય, દુઃખ મિથ્યા”. કારણ કે આજ સુધી મેં એવી દુઃખી વ્યક્તિ જોઈ નથી કે જે હાથે કરીને દુઃખી ના હોય. બધા જ દુઃખો જાતે જણેલા હોય છે. અત્યારે એક્ટ્રેસોના કપડાંની વાતો જોરશોરથી ચાલી રહી છે તો એવું જ એક ઉદાહરણ આપીને સમજાવવા પ્રયત્ન કરીશ. દુઃખી થવું એ ‘સ્લીટ ડ્રેસ’ પહેરવા જેવું છે. એક તો જ્યાં જરૂર નથી ત્યાં ચીરો મુકવાનો અને પછી ટાંટિયો બહાર કાઢીને કઢંગી મુદ્રામાં બેલેન્સ સાધીને ઉભા રહેવા પ્રયત્ન કરવાનો. દુઃખ અને દુઃખી થવું એ એક વાહિયાત ફેશન જેવું છે. જેની જીવનમાં કોઈ જરૂર નથી પણ બસ કોઈ કરે છે એમ કરવા જવામાં બધી ઉર્જા અને આનંદની હોળી કરી દેવાની.

એક ચોખવટ : તમારા કપડાં છે, ગમે ત્યાંથી ફાડો, પહેરો કે કાઢો, ‘સંસ્કૃતિ’ને પડતો હશે પણ મને કોઈ ફર્ક પડતો નથી.

બીજી ચોખવટ : તમારી ‘સંસ્કૃતિ’ સાથે મારો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. જેની એના વાલી-વારસોએ નોંધ લેવી. 😉

***

દુઃખના બે પ્રકાર છે. એક મનનું અને બીજું શરીરનું. ચાલો માની લઈએ કે મૂરખલોકો મનના દુઃખને વશ કરવામાં અસમર્થ છે. ( દાયકાઓથી એક જ સરકાર ચૂંટાતી હોય અને લોકો રડતા હોય તો કાં તો પ્રજા અત્યંત મૂર્ખ છે અથવા તો અત્યંત સુખી છે. તો મોટાભાઈ તમે જ વિચારી લો ). પણ શરીરના દુઃખને આપણે દૂર રાખી શકીએ છીએ. આપણી પ્રજાએ જનનાંગોના બ્રહ્મચર્ય કરતાં જીભના બ્રહ્મચર્ય પર વધુ ભાર મુકવાની જરૂર છે. ડેટિંગ એપ પર જો કોઈએ ખૂબ જ આકર્ષક ફોટો મુક્યો હોય અને બાયોમા ‘Foodi’ લખ્યું હોય તો 110% ગેરંટી કે એ ફોટો બેન કે ભાઈ ‘Foodi’ બન્યા એના થોડાક વર્ષો પહેલાનો છે. મારા મતે તો આવી વ્યક્તિઓ ‘Foodi’ નહિ પણ ‘ગાંડી’ છે. પહેલા ગાંડી અને પછી Foodi કે પછી ઉલટા ક્રમમાં એ એટલું અગત્યનું નથી કારણકે એ ચક્રમ છે એ વાત નક્કી. જો મગજ પર ચીઝના થર ના ચડ્યા હોત તો એ gastronome, gourmet, connoisseur કે epicure જેવા શબ્દોનો ઉપયોગ કરત. 😉

***

જો તમે સુખી થવા માગતા હોવ પણ મગજ ચલાવવામાં આળસ આવતી હોય તો આજે જ અમારી આગામી ‘સુખ શિબિર’માં રજીસ્ટ્રેશન કરવો. ચિંતા ના કરો તમને અઠવાડિયુ-દસ દિવસ તમારા જ શ્વાસ જોતા બેસાડી નહિ રાખીએ ( ના ના, એને બંધ પણ નહિ કરીએ ). કોઈપણ જાતના યોગાસન સર્કસ વગર સુખી કરવાની ગેરંટી. કસરત વગર જ બેઠા બેઠા અમારો ચમત્કારી બેલ્ટ પહેરીને કામણગારી કાયા બનાવો ફક્ત 10 દિવસમાં….

ઉપરોક્ત લીટીઓ વાંચીને જો તમને રજીસ્ટ્રેશન કરવાની ઈચ્છા થઇ ગઈ હોય તો સમજી લો કે તમે ખૂબ જ ભોળા / મૂર્ખ છો અને તમારા પૈસે કોઈક બીજો જ સુખી થઇ રહ્યો છે. 😉 :))