Category : Gujarati Poem , Uncategorized

જાગ્રત સમય



મલિન મન મનુજને રાતદિવસ ડહોળે,
ભલે  એ  જાતને ગંગામાં રોજ ઝબોળે,
અલિપ્ત  રહેવું,  ના વહેવું  કોઈ ટોળે,
જાગ્રત તો બસ મનથી મનને જ ખોળે,

ભવિષ્ય  ઓછું એ ભૂતકાળ વાગોળે,
દુઃખી રાહ જુએ ભવિષ્યની કાગડોળે,
સ્થિતપ્રજ્ઞ જ સર્વકાળ સુખી છે ‘હૃષી’,
તત્વજ્ઞ ના ચઢે  કોઈ કાળના હિંડોળે.



માનવ જીવનના બે સૌથી મહત્વના પ્રશ્નો જો કોઈ હોય તો એ છે, જાગૃત અવસ્થા એટલે શું? અને સમય શું છે?  ( સ્પષ્ટતા : મહત્વના એના માટે કે જેનામાં મગજ છે અને જે એ વાપરવા ઉત્સુક છે. બાકીના બેવકૂફો માટે તો બીજા હજારો પ્રશ્નો મહત્વના છે જેની ચર્ચા અત્રે ઉપસ્થિત નથી. )

હકીકતમાં જાગૃત ( enlightened  ) માટે સમયનું અસ્તિત્વ નથી અને જે સમયથી પર થાય છે એ એક સંપૂર્ણ જાગૃત અવસ્થા જ હોઈ શકે. માટે ઉપરોક્ત બંને પ્રશ્નોના જવાબો અંતે તો એક જ સત્ય તરફ નિર્દેશ કરે છે. માટે જ નરસિંહ મહેતા કહે છે કે,

જાગીને જોઉં તો જગત દીસે નહિ,ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે …

સામાન્ય બૌદ્ધિક વિચારધારાનો ( common purpose rationality ) પ્રતિવાદ હોઈ શકે કે હોવું કે ના હોવું એ દ્રષ્ટા પર આધારિત કેવી રીતે હોઈ શકે જયારે દ્રશ્યનું સ્વતંત્ર અસ્તિત્વ છે. આ જ તો બૌદ્ધિકતા અને તાત્વિકતા વચ્ચેનો ભેદ છે. પણ એ ગીતાજ્ઞાન અન્ય કોઈ પ્રસંગે પિરસીશું. અત્યારે ગીતાના સાંખ્યયોગના આ શ્લોકો વધારે સુસંગત છે

ન ત્વેવાહં જાતુ નાસં ન ત્વં નેમે જનાધિપાઃ|
ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમત: પરમ||

દેહિનોસ્મિન યથા દેહે કૌમારં યૌવનં જરા |
તથા દેહાન્તર પ્રાપ્તિર્ધીરસ્તત્ર ન મુહ્યતિ ||

(ગીતા 2.12,13)

અર્થાત, શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે  એવું ક્યારેય ન હતું કે હું ના રહ્યો હોઉં કે તું ના રહ્યો હોય અથવા તો આ બધા રાજાઓ ના રહ્યા હોય. વળી એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહિ હોઈએ. જેમ દેહમાં રહેલો આત્મા આ શરીરમાં બાળપણ, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાંથી નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે, મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવા પરિવર્તનોથી મૂંઝાતો નથી.  

મેં ક્યારેય કોઈ બાળકને ભૂતકાળની વાતો કરતા નથી સાંભળ્યું. કારણ સ્પષ્ટ છે, કે એની પાસે એટલી બધી મોજ આવનારા ભવિષ્યમાં કેદ છે કે એને કદી પાછા ફરીને જોવાનો વિચાર જ આવતો નથી. આવી જ રીતે, કોઈ પણ જીવનની મોજથી ભરેલા વ્યક્તિ પાસેથી તમે ફક્ત ભવિષ્યના અંતરંગ વિચારો સાંભળશો. જો કોઈ ભૂતકાળની વાતો કરી કરી ને પકાવે તો સમજવું કે હવે આ ભાઈ કે બહેન ફક્ત જીવતી લાશ છે.

જે એ સમજી ચૂકયા છે કે જીવન એ કોઈ શરૂઆત નથી અને મૃત્યુ એ અંત નથી એ જ આનંદથી ભરેલા જોવા મળશે.

2020 એ ઈશ્વરે લીધેલી એક surprise test હતી. તમારું પરિણામ જાણવા નીચેના વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરો.

1. બહુ કપરો કાળ હતો 2020

2. હવે 2021 સારું આવે તો સારું

3. આજે કઈ તારીખ છે?

પરિણામ : ઈશ્વરને બીજા હજારો કામ છે, એ કોઈ ડફોળ પૃથ્વીવાસીઓની પરીક્ષા લેવા નવરા નથી. માટે પોતાની જાતને એટલી મહત્વની સમજવાની ભૂલ કરવાવાળા બધા નાપાસ.. હા હા હા… 😉



Category : Gujarati Poem , Thoughts in Gujarati

સરકારી ડિસિઝન – (આયુર્વેદિક સર્જન)



સુનો  ભાઈ  સાધો,  સરકાર  કે  ડિસીઝનમાં કભી કછુ  લોજીક નાહે,
અગર  મંત્રીમાં  મગજ  હોત,  તો વો  ખુદહી  દાકતર ના બન જાહે?

મંતરીવા  તો  મૂરખ  જાત,  આપન  ઇતને  કછુ  નાહી  ગભરાવે,
સબહું  રામ  શરણ  ભજી  જાવે, ઇહાં તો રઘુવીર  હી  દેશ  ચલાવે,

કોન  મારત  હૈ  કોન  તારત હૈ,  કૈસે  કૈસે  માયા કે ખેલ દિખાવે,
આપનહી  જબ  હૈ  મૂરખ  જાત,  સરકારન  કો  કાહે  દોષ  લાવે?

આજ  આયુર્વેદિક   કરહે,  કલ  કો  હમ  ઈન્જીનીયરવા  ભી  કરહે,
જબ  સરકાર  હમરી  ઇતના  સોચત, કોઈ  કાહે  ઇહાં  બેકાર રહહૈ!

કૌન  કભી  ઐસા  સોચત,  બંદરવા  ભી  કભી  ઇતના  વિકાસ કરહૈ,
રામ  કિરપા પાવત, ઈ  અનપઢ મૂરખ જાત કલિયુગમાંહી રાજ કરહૈ!

ઇહાં  પઢાઈ  કી કછુ નાહીં જરૂરત, સબ  કામ જબ અનપઢ ખુબ કરહૈ,
ઈ રામરાજમાં રામકી જરૂરત નાહીં હૃષી, બંદરવા હી સબ ડિસાઈડ કરહૈ!



મિત્રો, જો તમે આયુર્વેદિક સર્જનોના પ્રહારથી જીવતા રહી શકશો તો એ દિવસ પણ દૂર નથી જયારે તમે અમારા જેવા ઇજનેરી શાખાના હોનહાર સ્નાતકો પાસે સર્જરી કરાવતા હશો. 😉

સમાચાર પ્રમાણે સરકારશ્રીએ આયુર્વેદિક સર્જનોને આંખ, કાન, નાક અને ગાળાની 58 પ્રકારની સર્જરી કરવાની પરવાનગી આપી છે. પણ અમે ઇજનેરો તો ફક્ત બેની જ માંગીએ છીએ. મગજ અને મૂત્રપિંડને લગતી !! અર્થાત, ન્યુરોલોજી અને યુરોલોજી.

કારણ કે બંનેમાં જો કોઈ ભૂલચૂક થાય તો કોઈ વાંધો નથી. કારણકે મગજ કોઈને છે નઈ અને હોય તો પણ ક્યાં વાપરે છે! વળી, બધાજ જાણે છે કે વૃષણ અને વિચારક્ષમતાને કોઈ લેવાદેવા નથી. એટલે કોઈનું કથિત પૌરુષત્વ જો અમારી સર્જરીથી જતું રહે તો પણ એ વિચારશીલ રહી આત્મનિર્ભર તો બની જ શકે છે! અને એટલી વસ્તી છે કે કોઈની વંશવૃદ્ધિ જો અટકી જાય તો પણ એ દેશ માટે ફાયદાકારક જ છે.

મેં તો આજથી જ ડૉક્ટર મિત્રો પાસેથી ટ્યૂશનની શરૂઆત કરી દીધી છે. તો મારા બીજા ઇજનેરી શાખાના મિત્રોને પણ સલાહ છે કે પકોડા તળવાનું મૂકીને આવનારા પેશન્ટોને કેવીરીતે તોડવા એનો બંદોબસ્ત કરવામાં લાગી જાઓ.

ધન્ય છે આ સરકાર, ધન્ય છે એનું મંત્રીમંડળ અને સલાહકારો.

એક સાથે બોલો મિત્રો,

હમ સબને આજ નિશ્ચય કિયા, હર એક દેશવાસી કરેગા શલ્યક્રિયા  

રામ લલ્લા ચાહે હમ મર ભી જાયેંગે, સર્જરી હમ એન્જીનીઅર સે હી કરવાએગે

ઘર ઘર યહી નારા હૈ, યે સ્કાલપેલ હમારા હૈ

ઈશ્વર આ ડફોળોને સદબુદ્ધિ આપે હા હા હા :))

Category : Gujarati Poem

Diwali



દિવાળી


મેં પૂછ્યું કે આ દેશમાં  આજ રાત કેમ આટલી કાળી છે,
લોકો કહે,  શું વાત કરો છો,  આજ તો અહીં દિવાળી છે!
એ ચમનનું ભવિષ્ય તો ક્યાંથી ઉજ્જવળ હોઈ શકે ‘હૃષી’,
દંભી, બેશરમ, ભ્રષ્ટાચારી ને ચોરલૂંટારા જ જેના માળી છે.



આમતો કળિયુગમાં જુઠ્ઠું જ બોલવાનો રિવાજ છે. તહેવારના દિવસોમાંતો ખાસ. ખોટા અભિનંદન ને ખોટી પૂજાઓ. નવા વરસના પ્રથમ દિવસે ઈશ્વર દર્શન અને પછી આખું વરસ પોતાની પિશાચી વૃત્તિઓનું પ્રદર્શન. એટલે ખોટું ખોટું અને ગળ્યું ગળ્યું બોલવામાં કોઈ વાંધો તો નહોતો પણ એક વડીલ તરીકે એવું લાગે કે બાળકોને સાચી વાત તો કહેવી જ જોઈએ. 😉

દિવાળી ભગવાન શ્રીરામના અયોધ્યા પુનરાગમનનો જ તહેવાર હોવાથી રામાયણની જ વાત કરીએ.

રાવણને આવનારા વિનાશ અને સંકટ માટે એક વિભીષણ સિવાય કોઈ પણ સભાસદે સાચી વાત કહેવાની હિંમત કરી નહોતી. જયારે શ્રીરામની સેનાએ સમુદ્ર ઓળંગી લીધો ત્યારે રાવણે સભા બોલાવીને પૂછ્યું કે બધા સચિવો પોતાનો ઉચિત મત આપો. આ સાંભળીને બધા સચિવો હસવા લાગ્યા અને શ્રીરામની મજાક કરવા લાગ્યા. બધાએ કહ્યું કે જયારે આપણે બધા દેવો અને દાનવોને હરાવ્યા ત્યારે પણ કોઈ તકલીફ નહોતી પડી તો પછી એક મનુષ્ય સાથે યુદ્ધ કરવું એ ક્યાં મોટી વાત છે.

એ સભાના વર્ણન પછી રામચરિતમાનસમાં તુલસીદાસ કહે છે કે,

સચિવ બૈદ ગુરુ તીનિ જોં પ્રિય બોલહિં ભય આસ |
રાજ ધર્મ તન તીનિ કર હોઈ બગીહી નાસ ||

( સુંદરકાંડ, દોહા – 37 )

અર્થાત, સચિવ, વૈદ્ય અને ગુરુ, એ ત્રણ જો તમારા ભયથી સાચું નહિ કહે તો સમજીલો કે રાજ્ય, શરીર અને ધર્મ એ ત્રણેનો વિનાશ નક્કી છે.

પણ એટલું યાદ રાખજો કે સાચું કહેવામાં મારું કર્તવ્ય પૂર્ણ થયું છે, તમારું એ સત્યને જાણેને એનું અનુસરણ કર્યા પછી થશે. ચોલો જોઈએ કે આ વર્ષે કોણ દિવાની જેમ ઝળહળે છે, કોણ બૉમ્બ બની ફૂટે છે અને કોનું સુરસુરીયુ થાય છે. 😉

Category : Gujarati Poem

Dashera



દશેરા


રામ નામે પથ્થર તરે પણ ના સુધરે અહીં મનુષ,
મૂર્ખ મનુજ માટે જ ધારણ કરે શ્રીરામ પણ ધનુષ


રામરાજ્ય એટલે એવું રાજ્ય કે જ્યાં ફક્ત બે જ વિકલ્પ હોય – ( જાત ) સુધારો અથવા શિરચ્છેદ. વચ્ચેના કોઈ સેટિંગને રામરાજ્યમાં અવકાશ નથી.

પ્રભુ શ્રીરામને જયારે લાગ્યું કે દસ માંથા હોવા છતાં જો લંકાપતિ રાવણ એક મગજ ના વાપરી શકતો હોય તો પછી એ બધા માંથાઓને ધડ પર રહેવાનો કોઈ અધિકાર નથી. પછી ભલે એ ભગવાન શિવે જ કેમ ના આપ્યા હોય.

હનુમાન લંકા દહન કરી પાછા ફરતા પહેલા જયારે માતા સીતાની અનુમતિ અને સંદેશ લેવા જાય છે ત્યારે સીતાનો સંદેશ જાણવા જેવો છે. સીતાએ રામને કોઈ સમાજ સુધારા માટે પ્રોત્સાહિત કરવાની વાત નથી કરી. સીતા હનુમાનને કહે છે કે,

તાત સક્રસુત કથા સુનાએહુ |
બાન પ્રતાપ પ્રભુહિ સમુઝાએહુ
||

(રામચરિતમાનસ – સુંદરકાંડ – 26 )

અર્થાત, હે હનુમાન પ્રભુ રામને ઇંદ્રાપુત્રની વાત યાદ અપાવજો અને પોતાના ધનુષનો પ્રતાપ સમજાવજો. પબજી વાળી પબ્લિકને રામાયણ યાદ નહીં જ હોય એટલે ટૂંકમાં કહેવાનું કે, એક વખત ઇંદ્રાપુત્ર જયંતે સીતાનો સ્પર્શ કરવાની કોશિશ કરી હતી અને રામે એ ‘અડપલાબાજ’ ઇંદ્રાપુત્રના પ્રાણ હરિ લીધા હતા. રામના બાણ પ્રહાર પછી એ ભાઈ દોડતા દોડતા ઇન્દ્ર, બ્રહ્મા અને સ્વયં ભગવાન શંકરના શરણે જાય છે પરંતુ બધા એક જ ઉત્તર આપે છે – રામ બાણ અમોઘ છે બાળક, બ્રહ્માંડની કોઈ શક્તિ હવે ના બચાવી શકે ! જયારે રાવણેતો સીતાનું હરણ કર્યું હતું એટલે આ પાર્ટીની તો ગેમ ઓવેર જ હતી.

આમાં સીતા અને હનુમાન બંને જાણે છે કે રામને કાંઈ યાદ કરાવવાની જરૂર નથી છતાં, જડ જનસામાન્ય માટે આ સંવાદ છે.

કહેવાનું તાત્પર્ય એટલું જ કે, સમજાવીને લાડપ્રેમથી સમાજ સુધારણા એક હદ સુધી જ શક્ય છે, પછી મગજ વગરના મનુષ્યોના સમાજે પોતાના લાડકવાયા લલ્લુઓ માટે સામુહિક બેસણાની તૈયારી કરવી જોઈએ. 😉

જાય શ્રીરામ 🙂


Category : Gujarati Poem

બળાત્કારી દેશ



જો આજ આ દેશમાં ફરી એક નારી નિર્વસ્ત્ર છે,
કોઈ છે કે જે બેફામ બળાત્કારીઓથી ત્રસ્ત છે?
હૃષી, આ નેતાગીરી કેવી નીચ અને બીભત્સ છે,
પ્રજા તો બસ નસકોરાં બોલાવવામાં જ મસ્ત છે



આ લલ્લુઓના દેશમાં દિવસ રાત બસ બળજબરી જ ચાલે છે. પુરુષો સ્ત્રીઓ પર, નેતાઓ પ્રજા પર, સંપ્રદાયો સંસ્કૃતિ પર, માલિકો મજૂરો પર સતત બળાત્કાર જ કર્યા કરે છે. કોઈને અહીં કોઈ પણ જાતના સુધારાની પડી નથી. મોટાભાગની પ્રજાની માનસિકતા જ સડેલી છે.  આ નિર્માલ્ય પ્રજા વર્ષોથી નથી કોઈ સબક શીખતી કે નથી કોઈને સબક શીખવાડી સકતી.

વિવિધ પક્ષોના રાજનેતાનો માટે તો આવી દુઃખદ ઘટનાઓ એક અવસર કહેવાય છે. એમને તો આમાં એક રંગમંચ મળી ગયો નવા નવા ખેલ કરવા અને મૂર્ખ પ્રજા એ જોયા કરશે.

માનવતાવાદની પીપુડી વગાડતી સંસ્થાઓ પણ સમજી લે કે આવા ઘૃણાસ્પદ કૃત્યો કરનારાઓ મનુષ્યમાં વર્ગીકૃત થતા નથી પણ એ બેકાબુ બનેલા હિંસક પશુઓ છે અને એમને એ જ રીતે ત્વરિત મોક્ષ આપી દેવો જોઈએ.

મારા માટે તો આ દેશનો જે કોઈ પણ વ્યક્તિ સ્ત્રીઓ પ્રત્યે ઉતરતી કક્ષાનું વર્તન કરતા લોકો, ધર્મો, સંપ્રદાયો, ગુરુઓ વગેરેને કોઈ પણ સીધી કે આડકતરી રીતે સહાય કરે છે એ વ્યક્તિ સમાજમાં સ્ત્રીઓ સામે થતા અત્યાચારોનું પરોક્ષ રીતે સમર્થન કરે છે.

મારા માટે તો આ દેશનો જે કોઈ પણ વ્યક્તિ સ્ત્રીઓ પ્રત્યે ઉતરતી કક્ષાનું વર્તન કરતા લોકો, ધર્મો, સંપ્રદાયો, ગુરુઓ વગેરેને કોઈ પણ સીધી કે આડકતરી રીતે સહાય કરે છે એ વ્યક્તિ સમાજમાં સ્ત્રીઓ સામે થતા અત્યાચારોનું પરોક્ષ રીતે સમર્થન કરે છે.

જે મૂર્ખ પ્રજાને બસ રાત દિવસ કોઈ ડ્રગીસ્ટ કે ક્રિમીનલ સેલિબ્રિટી શું કરે છે, શું પહેરે છે, ક્યાં જાય છે એ જોવામાંથી કે પછી ટિક્ટોક પર બબૂચકની જેમ નાચવા કુદવામાંથી કે એવા બીજા બબૂચકોને જોવામાંથી જ નવરાશ ના મળતી હોય એની પાસેથી કોઈ બૌદ્ધિક પરિપક્વતાની શું અપેક્ષા રાખવી?

તમારા માથાપર જ લખ્યું છે કે, ‘તમે એક નિર્માલ્ય વ્યક્તિ છો, માટે બસ આવા બળાત્કારો સહન કરો’. રોજ બનતી આવી ઘૃણાસ્પદ ઘટનાઓથી જે સમાજ લજ્જિત નથી એ સમાજ લલ્લુઓનો સમાજ છે. કોઈ પણ સમાજ કે જેનું  આવી ઘટનાઓથી લોહી ઉકળતું નથી એ એક નપુંસક સમાજ છે.

આ રોજ થતા બળાત્કારો કોઈ પરગ્રહવાસીઓ નથી કરતા, આ તમારા સમાજની જ સડેલી માનસિકતાનું પ્રતિબિંબ છે. હજી પણ ગુંડા, મવાલી, ભ્રષ્ટ, અનૈતિક, જુઠ્ઠા, વિકારીઓને ધર્મ/સંપ્રદાય/વંશ/નાત/જાતના વાડાઓને વળગી રહી તમારા નેતા બનાવો અને સુશિક્ષિત અને સંસ્કારી લોકોને હડધૂત કરો અને આવા જ પરિણામો ભોગવતા રહો.