Category : Gujarati Poem

વાતો જ વાતો



પ્રજા તો ફક્ત કરી રહી છે રાજકારણની વાતો,
સ્વજનોના ઉદ્ધાર ને સ્વપક્ષીના તારણની વાતો,
વિરોઘી મત કે વિપક્ષીઓના મારણની વાતો,
શું કદી એ કરશે અધોગતિના કારણની વાતો?

પ્રજા તેવા જ નેતા, જે કરે ફક્ત વાતો જ વાતો,
આમ જનતાના લલાટે લખી ફક્ત ઠોકરો ને લાતો,
કોઈ આવે ને મારું ભલું કરે એવી કાલીઘેલી વાતો,
મગજ છતાં મૂરખ બનાવામાં એ કેમ નથી શરમાતો?



ચૂંટણીના માહોલમાં ફકત વાતો જ વાતો થવાની છે, તો આ છ-સાત કરોડ ગુજરાતીઓમાંથી ફક્ત છ-સાત ( એસ્ટિમેટ કરતા હકીકતમાં ઓછા પણ હોઈ શકે ) વિચારશીલ વ્યક્તિઓ માટેના વિચારો… 🙂

લોકો કહે છે કે અમુક પ્રદેશની પ્રજા ખૂબ જ બાહોશ અને વ્યાપારી પ્રજા છે. સાચી વાત તો એ છે કે સદીઓમાં એક-બે અપવાદ ( નરસિંહ મહેતા, સ્વામી દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ જેવા ) ને બાદ કરતા મહદ્દઅંશે  બાહોશ નહિ પણ ‘બેહોશ’ અને વ્યાપારી નહિ પણ વેશ્યાવૃત્તિ વાળી પ્રજા છે.

બેહોશીનું કારણ એ છે કે એને બે જાતના બકવાસ ક્યારેય હોશમાં આવવા નથી દેતા. એક કથિત ધાર્મિક બાબાઓનો બકવાસ અને બીજો રાજનેતાઓનો બકવાસ. આમ એવું કહેવાય છે કે ગુજરાતી પ્રજા એકના એક આહારથી એક જ દિવસમાં કંટાળી જાય છે. એને નિત નવી નવી ચટાકેદાર વાનગીઓ જોઈએ.  પણ ઉપરોક્ત બે બાબતોમાં પ્રજા એના એ જ બેસ્વાદ બકવાસથી ક્યારેય કંટાળતી નથી.

સારો વેપારી એ છે કે જે માલની ખરી કિંમત સમજે અને નફાનો સોદો કરે. પણ અહીં તો પ્રજા ગ્રહોના નડતરની કે બાળકોના ઘડતરની વાત હોય, પૈસાની લેવડદેવડથી બધું નિપટાવી દેવાની કલામાં માહેર છે. આજે ચંબુઓને ચૂંટ્યા પછી ભવિષ્યમાં શું હાલ થવાના છે એના લેખાજોખા કરતા લોકોને આવડતું નથી. પૈસા માટે આ પ્રજા એકબીજાને ઝેર આપવામાં પણ પાછું વળીને જોવે એમ નથી. અતિશયોક્તિ નથી મોટાભાઈ, હકીકત છે. ઉદાહરણ આપું. ખોરાકમાં રસાયણોનું ઝેર, દુષિત પાણીનું ઝરે, ફેફસામાં ઝેરી હવા, વોટ્સએપમાં ઝેરી વિચારો કોણ આપે છે. કોઈ વિદેશી તાકાતનો હાથ નથી એમાં. તમારો જ ભાઈ-બંધુ કે બેન-બેનપણી કાં તો આવી ચીજો બનાવે છે, કાં તો આવી ચીજો બનાવનારા ને વેચનારાને છાવરે છે. એ કેમ આવું કરે છે? પૈસા માટે જ તો ! તો બોલો આ વ્યાપારી પ્રજા થઇ કે….!! 😉

એનીવે, તમે સુધરવાના તો છો નઈ, તો બીજું તો કઈ નઈ પણ મફતમાં કોઈ ને વોટ ના આપતા. અને રોકડા જ લેજો પાછા. જો વાતોમાં આવીને વોટ આપ્યો તો તમે તો પેલી કે પેલા ‘વ્યવસાયી’ લોકો કરતાં પણ મૂરખ ઠરશો. એટલીસ્ટ એ લોકો બદલામાં કઈંક તો મેળવે છે… 😉


Category : Gujarati Poem

સમત્વ



આ ઘર છોડીને  હવે ક્યાંય જવું નથી,
કારણ વગર બહાર હવે વિચરવું નથી,

પહોંચી  ગયો  છું ત્યાં,  કે  કદમ ભરવું નથી,
નથી આગળ વધવું કે પાછા પણ પડવું નથી,

આ જ્યોતમાં લિન થઈને કશું કરવું નથી,
વધુ બળવું પણ નથી કે પછી ઠરવું નથી,

આત્મજ્ઞાનનો  આ  કેવો  અવ્યક્ત આનંદ,
હવે પામીને હસવું કે ગુમાવીને રડવું નથી,

સમજણનો સાર તો છે સમત્વની સપાટી પર,
‘હૃષી’ હવે ઊંડે ડૂબવું નથી કે ઊંચે ઉડવું નથી.



સુખની શોધમાં બહાર ભટકવું એ અજ્ઞાન છે. પરંતુ એનો મતલબ એવો નથી કે ‘સબ મોહ માયા હૈ’ નો બકવાસ કરતા રહીને પ્રકૃતિના અદભુત સૌંદર્યને માણવાનું મૂકી દેવું. કાયર, અશક્ત અને મૂર્ખ લોકો જ ‘સંસાર અસાર છે’ ની ફાલતુ ફિલોસોફીનું થૂંક ઉડાડતા ફરે છે. એ કાયર છે કારણ કે નિષ્ફળતા અને ‘લોગ ક્યાં કહેંગે’ ના ડરથી એ કશું કરતા નથી. અશક્તિ એમને 56 ભોગ ( કે 50 શેડ્સ ઓફ ગ્રે ) ભોગવવા દેતી નથી. મૂર્ખતા વિષે કાંઈ કહેવા જેવું નથી ( પુરાવા માટે 8મી તારીખ સુધી રાહ જોવી, કઈ 8મી પૂછવાવાળાઓએ દેવકીના 8માં પુત્રની રાહ જોવી, એ જ કદાચ આપને સમજાવી શકશે, કારણ કે આપ જેવી વિભૂતિને સમજાવવામાં આ સામાન્ય મનુષ્ય અસમર્થ છે. હું એટલું કહી શકું કે આ 8મી કોઈ જન્માષ્ટમી નથી પણ એ દિવસે કોઈ કંસ જનમવાનો છે એટલી ઇન્ફોરમેશન આપના માટે કાફી છે  ). 😉

ઉપરોક્ત કાવ્ય પંક્તિમાં કવિ એટલું જ કહેવા માંગે છે કે, સમત્વ નામની ચમચી મળ્યા પછી તમે સંસારના તમામ રસોનો અદભુત સૂપ પી શકો છો, એન્જોય કરી શકો છો  અને હાથ પણ બગડતા નથી ( અર્થાત વ્યવહારના ભૂત તમને વળગતા નથી કારણ કે તમે ‘કહાની ઘર ઘર કી’ જાણી ચુક્યા છો ). 🙂

મારા પ્રવાસો હવે સુખ શોધવાના પ્રયાસો નથી હોતા પણ ઉલટું હું સુખનો ખજાનો વહેંચવા નીકળું છું. મારી યાત્રાઓ હવે કોઈ ઈશ્વરના દર્શનની દાસ નથી, કે યાત્રા કોઈ ‘દુઃખ દૂર કરો, સુખ ભરપૂર કરો’ ની યાચિકા નથી. યાત્રા હવે એ યોગનું જ ઍક્સટેંશન છે જ્યાં તમે તમારી જાતને જ વિસ્તરિત થતી જુઓ છો અને કોઈ જ ભેદભાવ વગર દરેક પ્રસંગ કે પરિચયમાં આનંદની અનુભૂતિ કર્યા કરો છો. 🙂

આ કાવ્યની પ્રેરણા ગીતા જ છે. જીવનમાં સમુદ્ર સમાન સમજણ આપનાર અને અપાર આનંદનો આસ્વાદ કરાવનાર પ્રિય જ્ઞાનસ્રોત બીજું શું હોઈ શકે? 🙂

યથા દીપો નિવાતસ્થો નેગતે સોપમા સ્મૃતા…. ( ગીતા 6.19 )
( જેવી રીતે વાયુ રહિત સ્થાનમાં દીવાની જ્યોત ડોલતી નથી…. )


Category : Gujarati Poem

સાધુ ચરિત



આ દેશમાં સૌને મનફાવે તે લીલા કરવાનો અધિકાર છે,
ધર્મના નામે અધર્મ, શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધા પારાવાર છે,
યુવાનો કેમ બેકાર બેઠાં છો, મુર્ખાઓની ફસલ તૈયાર છે,
પ્રામાણિક બનીને મરવું છે કે સાધુ બનવાનો વિચાર છે?!



યુવાનો બોલો, તમારે ભજીયા તળવા છે કે પછી ભજન કરવાં છે?

ફરક એટલો છે કે, ભજીયા આખી જિંદગી તળવા પડશે જયારે બીજી બાજુ, 2-5 વર્ષમાં જ લોકો તમારા ભજન કરતાં થઇ જશે.

જો મૌન રહેશો તો લોકો તમારા હોઠ ફફડતા જોવા તલસી જશે. જો કંચન-કામિનીનો ત્યાગ કરશો ( ગભરાશો નહિ, ખાલી એવો ઢોંગ કરવાનો છે ) તો બંને સ્વયં વરસી પડશે. એ તો વરસશે પણ એમાં લપસ્યા તો….કંચનનો તો વાંધો નહિ, પણ કામિનીમાં થોડું ધ્યાન રાખવું પડશે. આઈ મીન, લીલાઓ જાહેર ના થાય ત્યાં સુધી તો જલસા છે. જાહેર થયા પછી બધું તમારી ચમત્કારી શક્તિ પર છે કે કેટલા વિટનેસને તમે ગાયબ કરી શકો છો.

આમ ધંધો ખોટો નથી મોટાભાઈ…. આ દેશના મુર્ખાઓ ઈશ્વરના નહિ પણ વ્યક્તિપૂજા ના ચાહક છે… અરે એની પાછળ ગાંડા છે એમ જ સમજો ને.

ટ્યૂશન વગર તો પાછું તમને કાંઈ આવડશે નઈ તો, …. લોકલ એક્પર્ટ તો અત્યારે જેલમાં છે અને બીજા એક પર આજે જ કોઈ એ બળાત્કારનો આરોપ મુક્યો છે પણ, નિત્યાનંદબાબા જે હાલમાં વિદેશમાં સ્થિત છે તે ઝૂમ ક્લાસ કરે છે તો કાલે ફી લઈને આવજો… 😉


Category : Gujarati Poem

ગ ગધેડાનો ગ



જે દેશનો શિક્ષક લબાડ,
એ દેશના વિદ્યાર્થી કંગાળ,
જ્યાં એવો બુદ્ધિનો દુકાળ,
ત્યાં ગુંડા-મવાલીનો રાજકાળ…



ગુજરાતની શાળાઓમાં કોઈ શિક્ષકે કોઈ વિષય પર પુસ્તક લખ્યું હોય એવા શિક્ષકો કેટલા?

ચાલો જવાદો એ વાત, મહિને એક પુસ્તક વાંચતા શિક્ષક કેટલા?

આ બધી વાતો પણ છોડો, સૌથી અગત્યની વાત, આખી શાળામાં એક પણ શિક્ષક ગુટકા / માવાનો બંધાણી ના હોય એવી શાળાઓ કેટલી?

શિક્ષક : રાજુ તુમ્હારે દાંત તો મોતીઓ જૈસે ચમક રહે હૈ…

રાજુ : કયું ના હો માસ્ટરજી મૈં ડાબર કા લાલ દંતમંજન ઇસ્તમાલ કરતા હું…

બીજો વિદ્યાર્થી : લેકિન માસ્ટરજી… આપકે દાંત… હાહાહાહા

(ના સમજાય એને યુટ્યૂબ પર એડ જોવી)

ટૂંકમાં, આ માસ્તરના દાંત જેવી આપણી શિક્ષણ સંસ્થાઓ છે

માસ્તરના તો 50 વર્ષે થયા પણ રાજુના તો બીજા પાંચમા જ થવાના છે કારણ કે ગુજેશ-કુમારો, એમના માસ્તરો અને પિતાશ્રીઓ માવા મસળવા સિવાય બીજું કાંઈ કરતા નથી.

પેલા બે લલ્લુ નાયકો ગુટકાની એડમાં કહે છે એમ, બાપ અને બેટાની એકજ પસંદ …કમલા પસંદ…

મેરે સાથ ગાઓ બચ્ચો….

સારે જાહાંસે કચ્ચા… શિક્ષામેં સ્થાન હમારા હમારા… 😉



Category : Gujarati Poem

જન્માષ્ટમી 2



એનો સ્વાદ ચાખ્યા પછી રસો બીજા ફિક્કા લાગે,
મંગળમય બને બધું જયારે આપનું અંતરમન જાગે,

જે અજ્ઞાની રહીને ઉંચકે એને આ જીવન ભાર લાગે,
હોય ગિરિધરનો સાથ તો ભલે ગોવર્ધન મારા ભાગે,

જય રણછોડ બોલી રડારોળ કરે એ તો વેવલો લાગે,
સાચો ભક્ત તો વાંસળીના સુર સાથે જ સુદર્શન માંગે,

દંભી ત્યાગ વૈરાગ્યની વાતોથી તો લોક ભિખારી લાગે,
માધવ તો ચોરે એનું જ ચિત્ત, જેની મટકી ભરેલી લાગે,

સાથ મળે જો શ્રીકૃષ્ણનો તો કશું ના અશક્ય લાગે,
આત્મતેજના અજવાળા પછી હૃષી બીજું શું માંગે?!



એક સરકારી અધિકારી પ્રિન્ટિંગ પ્રેસ વાળાને ફોન કરે છે…

સરકારી અધિકારી ( હવે ‘સ’ થી સંબોધીશું ) : હેલો, ____ ભાઈ, _____ ખાતામાંથી બોલું. તમને જે ગીતા પાઠ્યપુસ્તક તરીકે છાપવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે એમાં સાહેબે થોડો સુધારો સૂચવ્યો છે.

પ્રેસવાળો ( ‘પ’ ) : __ભાઈ, નક્કી કર્યા પ્રમાણે ટોટલના 60% તો લાગતા વળગતાઓને અમને તો કોન્ટ્રાક્ટનો પહેલો હપ્તો પણ નથી મળ્યો છતાં ઓલરેડી ચૂકવી દીધા છે પછી હવે આ સુધારો…

સ ( ‘પ’ ને વચ્ચેથી અટકાવીને ) : અરે ધીરજ રાખો, વાત પૈસાની નથી પણ ચોપડીની અંદરના એડિટિંગની છે.

પ : એમ બોલોને સાહેબ, શું ચેન્જીસ કરવાના છે? કેમ છપાતા પહેલા મંત્રીશ્રી બદલાઈ જવાના છે? તો આભારવાળું પેજ બાકી રાખીએ.

સ: ના ના, આ તો મોટા સાહેબે ઉપરથી કહેવડાવ્યું છે તો હવે કહું એ ફેરફાર નોંધી લેજો.

પ: બોલો..

સ: પેલો શ્લોક છે ને.. ‘કરિષ્યે વચનં તવ ..’

પ: હા અઢારમા અધ્યાયનો જયારે અર્જુન કહે છે કે હે કેશવ હવે હું આપ કહેશો એમ જ કરીશ.

સ: હા એ જ. એ ને પહેલા અધ્યાયમાં જ મુકવાનો છે. બને તો પહેલો જ.

પ: પણ સાહેબ…

સ: અરે વચ્ચે ના બોલો, સૂચના પ્રમાણે કરો. સાહેબ ને ‘ના’ પસંદ નથી ખબર છે ને? હવે બીજું એ કે એમાં જે પાંડવો-કૌરવોનું યુદ્ધ છે એને ટ્વિસ્ટ કરીને આપણું અને વિધર્મિઓનું બતાવવાનું છે.

પ: પણ સાહેબ …

સ: કહ્યુંને કે વચ્ચે ના બોલો. પછી કોઈક અધ્યાયમાં ભભૂતિ કે એવું કાંઈ આવે છે…

પ: ભભૂતિ નહીં વિભૂતિ, 10મોં અધ્યાય..

સ: હા એ જ.. આ શ્રાવણમાસ શિવ સ્તુતિ કરવાંમાં ભુલાઈ જવાયું. તો એમાં એક શ્લોક ક્યાંક એડ કરજો કે ‘મંત્રીનામ ___અસ્મિ’, …એટલે કે તમામ મંત્રીઓમાં હું ___ છું, કારણ કે સાહેબને આપણે એક અવતાર બતાવવાના છે. જેમ પાંડવોમાં હું અર્જુન છું એવું જ. પછી બીજા ચેન્જીસ માં લખો કે.. ‘વોટે વા ધિકારસ્તે.. ન ફલેષુ કદાચન’ .. ‘સર્વ પાર્ટીનામ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ’ …

પ: અરે અરે સાહેબ.. પણ ગીતા જેવા પવિત્ર ધર્મગ્રંથ સાથે આવા ચેંડા કેમ કરાય?

સ: __ભાઈ, આ દેશમાં દરેક સંપ્રદાય, આશ્રમવાળા, પંથ, બાવા-સાધુની જમાતો, ગાદીપતિઓ વગેરે વગેરે મનફાવે એમ ભગવાનના દરેક ઉપદેશનું અર્થઘટન કરી શકતા હોય તો રાજકારણીઓ કેમ નહિ? માટે એની ચિંતા ના કરો, ફક્ત સાહેબ કહે છે એમ કરો. આ છેલ્લી લીટી ભવિષ્યમાં કોઈની સાથે રિપીટ ના કરાવી પડે એટલે જ સાહેબે પેલો શ્લોક પહેલો લેવડાવ્યો છે. જોયું સાહેબ કેવા દીર્ઘદર્શી છે ( મનોમન પ્રણામ કરે છે ).

પ: પણ વિદ્યાર્થીઓ નું શું? એ શું બોધપાઠ લેશે? વળી જો વાલીઓ આવા પુસ્તકનો વિરોધ કરશે તો?

સ: ડોન્ટ વરી, __ભાઈ. આ દેશમાં વિદ્યાર્થીઓ કોઈ બોધ લેતા નથી એટલે તો બુધ્ધુઓનું રાજ ચાલે છે. એ જેમ પેલું ગોખે છે એમ આ પણ ગોખસે. માર્ક લેવા તો એ મદારીને પણ મામા કહેશે. વાલી-બાલી ની ચિંતા છોડો. ફી વધારામાં કે શિક્ષણના આટલા ઘટિયા સ્ટાન્ડર્ડમાં એ કાંઈ ચૂં કે ચાં નથી કરતા તો આમાં શું બોલવાના. અને બોલે તોએ શું ઉકાળી લેવાના…( ખડખડાટ હસી પડે છે )… 😉

……બોલો શ્રી ક્રિષ્ન કનૈયાલાલ કી જય …. 🙂