Category : Gujarati Poem

બંધારણ



બંધારણમાં એવું ક્યાંય લખ્યું હોય તો અમને બતાવો,
કે બધા કુતરા આસપાસ બેસે ને સિંહોની પરેડ કરાવો!

બહાદુર જવાનને બાયલી પ્રજા માટે પહેલા શહીદ બનાવો,
પછી એક હલકટના હાથે એની વિધવાને મેડલ અપાવો,
                                                            બંધારણમાં…

દેશમાં ખરેખર કોઈ ભૂલોમાંથી કાંઈ શીખ્યું હોય તો બતાવો,
આ જંગલીઓમાં કોઈ ખરેખર માણસ બન્યું હોય તો બતાવો,
                                                            બંધારણમાં…

પ્રથમ પ્રમાણિકને પાલતુ પોલીસકર્મી દ્વારા બેરહમીથી પીટવાઓ,
પછી કાયદાથી કગરાવીને નીચ ન્યાયાધીશોની બેશર્મી બતાઓ,
                                                            બંધારણમાં…

દરેક ચેનલ પર કોમી ઝેર ફેલાવો અને વ્યક્તિપૂજાના ઢોલ પિટાવો,
અણઆવડત, અત્યાચાર અને ભ્રષ્ટાચારને રાજઆજ્ઞાથી છુપાવો,
                                                            બંધારણમાં…

હૃષી જેવા વિદ્વાન અને બીજા ભગવાન સામે આવા નાટક ના ભજવાઓ,
પછી ભલે તમે આ ગાંડાઓને જગતગુરુ હોવાની ગોળીઓ પીવડાવો.



એક કાલ્પનિક દેશની કાલ્પનિક કથા.

***

દેશની રાજધાનીમાંથી મંત્રીશ્રીના પીએનો કોઈ રાજ્યના વરિષ્ઠ અધિકારી પર ફોન.

પી : સાહેબને વિધવા સહાય યોજના જાહેર કરાવી છે તો આગામી સોમવારે 25 વિધવાઓની સગવડ કરવાની છે. અને હોલ ભરાય એટલા બીજા માણસો.

અ : સારું.

5 દિવસ પછી

પી : શું અપડેટ છે? હજી સુધી કેમ વિધવાઓની યાદી મળી નથી. અમારે તપાસ કરવી છે કે બધી વિધવાઓ અભણ અને ગાય જેવી હોય, કે જેથી પાછળથી મીડિયામાં મોઢું ખોલીને કોઈ બબાલ ના કરે.

અ : સાહેબ, રાજ્યમાં એટલી વિધવાઓ મળતી નથી.

પી : શું વાત કરો છો?

અ : જૂઓ સાહેબ, અહીંથી કોઈ ફોજમાં જતું નથી. બીજું ચોમાસામાં ખાડામાં પડવાથી, કુતરા કરડવાથી અને રસ્તા પર રખડતા ઢોરોને લીધે જે વિધવા બની એ સરકારને બરાબર ભાંડે છે અને એમને લાવવી યોગ્ય નથી. વળી આર્થિક પરિસ્થિતિને લીધે યોગ્ય માત્રા કરતાં વધુ આપઘાત થઇ રહ્યા છે પણ એમાં મારા બેટા નવું શીખ્યા છે કે પોતે મરતાં પહેલાં પરિવારને મારતા જાય છે. એને લીધેતો આપણી અનાથ બાળકોની યોજના ફંક્શનોમાં પણ એટલા મળતા નથી. 

વાત અહીં જ અટકતી નથી સાહેબ. રાજ્યમાં હવે મોટાભાગના છોકરાઓ લલ્લુ અને વ્યસની છે. માટે છોકરીઓ એમનાથી વધુ લાયકાત ધરાવતી હોવાથી લગ્નની જ ના પાડે છે. જો આમ જ ચાલ્યું તો ભવિષ્યમાં વિધવા યોજનાઓ જ નકામી બની જશે.

માટે પ્લીઝ મંત્રીશ્રીને આ વાત સમજાવો

પી : જુઓ તમારી વાત તો સાચી છે પણ ભૂલથી પણ મંત્રીશ્રીને સમજાવવાની વાત ના કરતાં. એ આ જગતગુરુ રાષ્ટ્રના બાપ છે. એ સર્વજ્ઞાની છે. શું સમજ્યા? માટે સમજવાની જરૂર તમારે છે. જો વિધવાઓ ના મળે તો તમારી અને બીજા અધિકારીઓની પત્નીઓને બેસાડજો પણ કવોટા પૂરો કરવાનો છે.

અ : પણ મીડિયાવાળા આ વાત જાણી જશે તો?

પી : અરે ઘૂમટો તાણીને મોં છુપાવીને બેસાડજો એટલે કોઈ કેમેરામાં નહિ આવે. એનીવે બધા કેમેરા તો એક જ એંગલ પર રહેવાના છે. અને જાણી પણ જશે તો કઈ ચેનલની હિમ્મત છે કે એનો એન્કર મોઢું ખોલે?

અને હા, ભલે ફંક્શન વિધવાઓનું છે પણ મંત્રીશ્રી એરપોર્ટ પર ઉતરે એટલે એઝ યુઝવલ એમનું જોરશોરથી સ્વાગત તો કરવાનું જ છે. 20-25 ઢોલ નગારાવાળા અને 25-30 ગરબા ગાવાવાળાને પણ રાખવાના છે. અને એમાંથી પણ બે-ચાર વિધવાનો રોલ ભજવવા રેડી હોય તો ડ્રેસ બદલાવી બેસાડી દેજો.

અ : ઓકે સર. સર બીજી એક વાત હતી કે આપણું જે વિધવા સહાયનું 50 લાખનું બજેટ છે એમાંથી મંત્રીશ્રીના સ્વાગતમાં જ 20-25 તો વપરાઈ જશે. જેમ કે 2-5 લાખનો તો એ ફૂલોનો હાર પહેરે છે. બાકીના માંથી ભાડુતી માણસોનો ખર્ચ અને બીજા ખર્ચા બાદ કરતાં માંડ એક બે લાખ વધશે.

પી : તમે એની ચિંતા ના કરો. આ તો યોજના છે. પબ્લિસિટી છે. આપવાના થોડા છે. ફંક્સશન પૂરું ને વાત પુરી.

અધિકારી ઘરે જઈને એની પત્નીને વિધવાનો રોલ કરવાની વાત કરે છે. પત્ની ના પાડે છે…

અ : અરે તું કેમ સમજતી નથી. આ ગુંડા મવાલીઓ આજે મંત્રીઓ બની બેઠા છે. જો એ કહે એમ નહિ કરીએ તો તને સાચે જ વિધવા બનાવતા આ નીચ લોકો ખચકાશે નહીં.  

બીજા માટે નહિ તો આપણા ____ માટે પણ તારે આ કામ કરવું પડશે. જો તેંજ જીદ કરીને એને 18 વર્ષ પણ પુરા નહોતા થયા અને લક્ઝરી સ્પોર્ટ્સ કાર અપાવવાની જીદ કરી હતી. એના પરિણામે જ ભાઈએ પીધેલી હાલતમાં બે જણને પુરા માર્કેટ વચ્ચે ઉડાડી દીધા. એ અત્યારે જેલમાં કેમ નથી એ તું બરાબર જાણે છે.

ત્રણ પ્રશ્નો…

1. )  જો તમે આ અધિકારીની પત્ની હોવ તો શું કરો?

2. ) જો તમે આ અધિકારીની જગાએ હોવ તો શું કરો?

3. ) તમે જો આવા રાજયના નાગરિક હોવ તો શું કરો? જવાબો મનમાં રાખશો તો પણ બહાદ્દુર, બાયલા કે બબુચક નાગરિકોની ઓળખ ચૂંટણી દરમ્યાન છતી થઇ જ જાય છે.


Category : Gujarati Poem

પ્રચાર કે પ્રસાર



કોઈ પણ વિચારનો હવે પ્રચાર નથી કરવો,
સાચી કે ખોટી વાતનો હવે પ્રસાર નથી કરવો,
અનુભવને હવે જીવનમાં ઊંડે ઉતારવો છે હૃષી,
કાંકરા દળીને હવે કોઈ કંસાર નથી કરવો,

***

સ્વાર્થ વગર અહીં હવે કોઈ વ્યવહાર નથી કરવો,
મૂર્ખ જનતા પર ડાહ્યાં બની કોઈ ઉપકાર નથી કરવો,
જે છે એ એમનું એમજ રહેવાનું છે એમ સમજી હૃષી,
પરિસ્થિતિને પ્રેમ કે એનો તિરસ્કાર નથી કરવો.



ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પ્રમાણે જો વિચારીએ ( ના તમારાથી આ કામ નઈ થાય મોટાભાઈ એટલે રહેવાદો અને અમને એ કરવાદો ), તો મોટાભાગની પ્રજાનું મગજ સદીઓ / પેઢીઓથી  વપરાતું  ના હોવાના કારણે લુપ્ત થયું છે. ભવ્ય ભારતભૂમિનું દરેક ઈલેક્શન એની સાબિતી છે. મગજની વાતો મગજ વગરના લોકો સામે ઘણી કરી છે પણ આજે વાત કરવાની છે અન્ય એક અંગની કે જે અગેઇન સદીઓ / પેઢીઓથી વપરાતું ના હોવાથી ટૂંક સમયમાં લુપ્ત થઇ જશે. આપણા દેશની પ્રજામાં મગજ પછી બીજું કોઈ એવું અંગ હોય કે જે ના વપરાતું હોય તો તે છે કાન.

એક વિજ્ઞાનને તિલાંજલિ આપનારા બાબાના આશ્રમની બેશરમ દાવા કરતી લેબના સંશોધનો પ્રમાણે તો  ભારતીયોના કાનમાં પડદા નહિ પણ ખુબ જ જાડી દીવાલો છે. જેને હલાવવી ખૂબ જ મુશ્કેલ છે. માટે જ તો અહીં કોઈ કંઈ સાંભળતું નથી. ખરેખર તો એમ કહેવું જોઈએ કે સાંભળી શકતું જ નથી તો બિચારા શું સાંભળે. મેં એક લંપટ સાધુને ( આમતો વર્તમાન કથિત સાધુ-સંતો આગળ કોઈ વિશેષણ લગાવવું જરૂરી નથી કારણ કે એક એવો નંગ નથી કે જે ખરેખર નંગ ના હોય ) પૂછ્યું કે આપ ( હા, હું લબાડ લોકોને પણ માનપૂર્વક જ સંબોધું છું ) આટઆટલી કથાઓ કરો છો તો કોઈ કાંઈ સાંભળે છે ખરું? એમણે ખંધુ હસતા હસતા કહ્યું,”બેટા, સાંભળે કે ના સાંભળે એની કોઈ ચિંતા નથી પણ પભુનો એટલો ઉપકાર કે આખા શરીરમાં કાનના જ બે દ્વાર એવા છે કે એમાંથી મનુષ્યો કાંઈ કાઢતા નથી”. મને પણ એમની વાત સાચી લાગી કે, કાન દ્વારા કોઈ કાંઈ અંદર ઉતારે કે ના ઉતારે, એટલીસ્ટ એનાથી કોઈ ગંદકી તો નથી ફેલાવતા. એય ઘણું છે.

લોકોને કાન બંધ રાખવા ગમે છે એવું પણ નથી. કાનને ચાલુ કરવા માટે તમે ઘણા લોકોને કાનમાં ચાવી નાખીને ફેરવતા જોયા હશે. મારી બાલ્યાવસ્થામાં મને એમ હતું કે જયારે ખુબ અવાજ થાય છે ત્યારે ઘણા લોકો આવીરીતે કાનમાં ચાવી ફેરવીને કદાચ કાનને લોક મારતા હશે. પછી એ જ ચાવીથી જયારે એ સ્કૂટરનું લોક ખોલતા ત્યારે એવું વિચારતો કે કદાચ માસ્ટર-કી હશે. પછી જયારે એમને સ્કૂટર ચલાવતાં ગુટકાની પિચકારી મારતા જોતો ત્યારે એમ વિચાર આવતો કે ભૂલથી બીજી કોઈ ચાવી કાનમાં ફેરવી છે અને આમનું મગજ બંધ થઇ ગયું છે. હવે મોટા થયા પછી સમજી શકાય છે કે મજગ તો હોતું નથી માટે એ ચાવી કાનની જ હશે.

આ લખી રહ્યો છું ત્યાં જ કોઈ ગધેડો ઘોડે ચડ્યો છે ( કળિયુગની વધુ એક નિશાની ) અને આખું ગામ ગજાવી મૂક્યું છે. છોટા-હાથી ( ના ભાઈ, વેવાઈનું લાડકું નામ નથી, આ તો નાના ખટારાનું નામ છે ) કે એવો જ કોઈ બીજો ટ્રક કે ટ્રેકટર ભરીને લોઉડસ્પીકર લાવવાના અને આજુબાજુના મિનિમમ એક કિલોમીટરની  ત્રિજ્યાના રહીશોના કાન પર અમાનુષી બળાત્કાર ગુજારવાનો. વિચિત્ર વાત એ કે, ગુજરાતીઓના લગ્નમાં માણસો ( ભલે જંગલી અને અસંસ્કારી હોય ) સિવાય બીજું બધું જ પંજાબી હોય છે. લગ્નની વિધિઓ પણ !!   પાછું ગીત વાગે છે — “આજ મેરે યાર કી શાદી હૈ, મન્ને કોઈ રોકો ના”. ભાઈ તારા મા-બાપને ના રોકી શકાયા એના પ્રત્યાઘાતો આ અખિલ બ્રહ્માંડમાં હજુ પણ પ્રવર્તી રહ્યા છે માટે તને રોકવો ખુબ જ જરૂરી છે. બીજું એ કે, તારા લગન નથી એટલે પણ તને રોકવો જરૂરી છે. યારની શાદીમાં તારે આટલા કુદકા મારવાની ક્યાં જરૂર છે. ખરેખર તો એવું ગીત વગાડાય કે — “આજ મેરે યાર કી શાદી હૈ, કોઈ ઉસ ગધે કો રોકો ના”. પાછા મૂળ મુદ્દા પર આવીએ. જે લોઉડસ્પીકરનો પહાડ મારા હૃદયની ગતિ 1 કિમી દૂરથી બદલી શકે છે એની 1 સેમી નજીકમાં માતાજીઓ નાચે છે અને ભુવા ધૂણે છે!! તો આમને બહેરા ના કહીએ તો શું કહીએ. પાછા ઘણા તો આટલો ઘોંઘાટ ઓછો હોય એમ આકાશમાં બંદૂકોના ભડાકા કરે છે. જાણે કે ઈશ્વર પર ગોળીઓ છોડીને મજાક કરતા હોય કે, જોયું,”મને આવો મૂરખ લલ્લુ બનાવ્યો, ને તને એમ કે મને કોઈ કન્યા નઈ આપે. તો જો અમે આ ઘોડે ચડ્યા”.  

મારી વાત પર અહીં વિરામ મુકું છું. હવે કોઈને કાંઈ કહેવું હોય તો કહી શકે છે. પણ હું સાંભળીશ એની કોઈ ગેરંટી નથી… 😉




Category : Gujarati Poem

ઉખાણું



આ બધા દુઃખી લોકો જુએ છે એ રીતે, 
જાણે કે એમને મન હું કોઈ ઉખાણું છું,
સમાજના સરવાળામાં એ શોધે છે સંતોષ, 
જયારે હું બેવકૂફોની બાદબાકીમાં માનું છું, 

એ બધા અટપટી વાર્તાઓમાં વ્યસ્ત  છે, 
જયારે હું સીધી સરળ વાતમાં જ માનું છું,
પાપ-પુણ્યના ઉપદેશોથી  એમની  જિંદગી  ત્રસ્ત છે, 
જયારે કોઈને નડ્યા વગર હું જીવનની મોજ માણું છું

હૃષી,  એ ગૂંચાયા કરે છે જે ગણતરીઓમાં,
એ બધા દાખલાના સીધા જવાબ હું જાણું છું.



આદિ શંકરાચાર્યએ કહ્યું છે કે “બ્રહ્મ સત્ય, જગત મિથ્યા” અને હું કહું છું કે “સુખ સત્ય, દુઃખ મિથ્યા”. કારણ કે આજ સુધી મેં એવી દુઃખી વ્યક્તિ જોઈ નથી કે જે હાથે કરીને દુઃખી ના હોય. બધા જ દુઃખો જાતે જણેલા હોય છે. અત્યારે એક્ટ્રેસોના કપડાંની વાતો જોરશોરથી ચાલી રહી છે તો એવું જ એક ઉદાહરણ આપીને સમજાવવા પ્રયત્ન કરીશ. દુઃખી થવું એ ‘સ્લીટ ડ્રેસ’ પહેરવા જેવું છે. એક તો જ્યાં જરૂર નથી ત્યાં ચીરો મુકવાનો અને પછી ટાંટિયો બહાર કાઢીને કઢંગી મુદ્રામાં બેલેન્સ સાધીને ઉભા રહેવા પ્રયત્ન કરવાનો. દુઃખ અને દુઃખી થવું એ એક વાહિયાત ફેશન જેવું છે. જેની જીવનમાં કોઈ જરૂર નથી પણ બસ કોઈ કરે છે એમ કરવા જવામાં બધી ઉર્જા અને આનંદની હોળી કરી દેવાની.

એક ચોખવટ : તમારા કપડાં છે, ગમે ત્યાંથી ફાડો, પહેરો કે કાઢો, ‘સંસ્કૃતિ’ને પડતો હશે પણ મને કોઈ ફર્ક પડતો નથી.

બીજી ચોખવટ : તમારી ‘સંસ્કૃતિ’ સાથે મારો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. જેની એના વાલી-વારસોએ નોંધ લેવી. 😉

***

દુઃખના બે પ્રકાર છે. એક મનનું અને બીજું શરીરનું. ચાલો માની લઈએ કે મૂરખલોકો મનના દુઃખને વશ કરવામાં અસમર્થ છે. ( દાયકાઓથી એક જ સરકાર ચૂંટાતી હોય અને લોકો રડતા હોય તો કાં તો પ્રજા અત્યંત મૂર્ખ છે અથવા તો અત્યંત સુખી છે. તો મોટાભાઈ તમે જ વિચારી લો ). પણ શરીરના દુઃખને આપણે દૂર રાખી શકીએ છીએ. આપણી પ્રજાએ જનનાંગોના બ્રહ્મચર્ય કરતાં જીભના બ્રહ્મચર્ય પર વધુ ભાર મુકવાની જરૂર છે. ડેટિંગ એપ પર જો કોઈએ ખૂબ જ આકર્ષક ફોટો મુક્યો હોય અને બાયોમા ‘Foodi’ લખ્યું હોય તો 110% ગેરંટી કે એ ફોટો બેન કે ભાઈ ‘Foodi’ બન્યા એના થોડાક વર્ષો પહેલાનો છે. મારા મતે તો આવી વ્યક્તિઓ ‘Foodi’ નહિ પણ ‘ગાંડી’ છે. પહેલા ગાંડી અને પછી Foodi કે પછી ઉલટા ક્રમમાં એ એટલું અગત્યનું નથી કારણકે એ ચક્રમ છે એ વાત નક્કી. જો મગજ પર ચીઝના થર ના ચડ્યા હોત તો એ gastronome, gourmet, connoisseur કે epicure જેવા શબ્દોનો ઉપયોગ કરત. 😉

***

જો તમે સુખી થવા માગતા હોવ પણ મગજ ચલાવવામાં આળસ આવતી હોય તો આજે જ અમારી આગામી ‘સુખ શિબિર’માં રજીસ્ટ્રેશન કરવો. ચિંતા ના કરો તમને અઠવાડિયુ-દસ દિવસ તમારા જ શ્વાસ જોતા બેસાડી નહિ રાખીએ ( ના ના, એને બંધ પણ નહિ કરીએ ). કોઈપણ જાતના યોગાસન સર્કસ વગર સુખી કરવાની ગેરંટી. કસરત વગર જ બેઠા બેઠા અમારો ચમત્કારી બેલ્ટ પહેરીને કામણગારી કાયા બનાવો ફક્ત 10 દિવસમાં….

ઉપરોક્ત લીટીઓ વાંચીને જો તમને રજીસ્ટ્રેશન કરવાની ઈચ્છા થઇ ગઈ હોય તો સમજી લો કે તમે ખૂબ જ ભોળા / મૂર્ખ છો અને તમારા પૈસે કોઈક બીજો જ સુખી થઇ રહ્યો છે. 😉 :))


Category : Gujarati Poem

હેપી ન્યુ યર



ૐ  તમને  સંભળાય છે પણ બ્રહ્માંડને કાંઈ નથી કહેવું,
સૂર્ય ને પૃથ્વીની રમતમાં માણસનું પ્રેક્ષક બનીને રહેવું,
અઘરું  છે  લોકો  માટે આ કંટાળાજનક જીવનને સહેવું,
માટે  કોઈક  દિવસ  આપણે એમને હેપી ન્યુ યર કહેવું.



આમતો હું આગામી દોઢેક મહિનો જલસા કરવા રખડવાનો છું પણ દંભી સમાજને આવું કહીએ તો ખોટું લાગે એટલે વિદેશ-“યાત્રા”ના નામથી જ એની પબ્લિસિટી કરીશ. દેશમાં તો કમુરતા ( કમુરતામાં તો જો કે હું માનતો નથી પણ હા કમોતે-મરતા અને મારતા લોકોમાં મારી દૃઢ આસ્થા છે ) આવશે એટલે કોઈ સારું કામ થઇ શકાશે નઈ ( હા, જાણે કે દેશ બાકીના 11 મહિનાઓમાં સારા કામો કરીને ઊંધો પડી જતો હોય ). અને આપણી તો પ્રકૃતિ જ એવી છે કે સદાચાર વગર રહી શકતી નથી તેથી અનિચ્છા છતાં સારું કામ કરવું હોય તો વિદેશ જ જવું પડે એમ છે. 😉

સત્કાર્યોની યાદીમાં પહેલું કામ એ કરવાનું છે કે વિદેશમાં જ્યાં જઈએ ત્યાં બને એટલો કચરો નાખવાનો છે. ત્યાં તો ડસ્ટબીન અનુકૂળ જગાએ અને પાછી ખાલી પણ હોય છે પણ આપડે તો બધું બહાર જ ફેંકવાના. મોંઘા ભાવની રેસ્ટોરન્ટમાં ઓર્ડર કર્યું હોય અને એંઠવાડ એના લોગોવાળા બોક્સ સાથે બહાર પડ્યો હોય તો લાગે કે ભારત એ ભુખ્યાઓનો દેશ નથી. એમના ત્યાં ગાયો રખડતી નથી અને એંઠવાડ ખાઈ જતી નથી એ એમનો પ્રોબ્લેમ છે. 😉

જુઓ આપણે કોઈપણ રીતે પૈસાદાર થઇ શકીએ છીએ પણ એક વાત તો નક્કી જ છે કે આપણે આવતા 1000 જન્મોમાં પણ સંસ્કારી થવાના નથી. માટે જો આપણે આપણા દેશનું સ્વચ્છતાનું રેન્કિંગ ઊંચું લાવવું હશે તો બીજા દેશોને ઉકરડામાં ફેરવે જ છૂટકો. એક સાચા આર્યપુત્ર અને દેશભક્ત તરીકે ગંદકી, ઘોંઘાટ અને અવ્યવસ્થિતતાના આપણા સંસ્કારોને દરેક દેશ સુધી પહોંચાડવાનો હું યથાશક્તિ પ્રયત્ન કરીશ. પણ મારાબેટા આ લોકોની વ્યવસ્થા એવી છે કે બધું જલ્દી જલ્દી ક્લીન કરી દે છે તો બીજા બધા પ્રવાસીઓ-યાત્રાળુઓને પણ મારી અપીલ છે કે એ પણ આ સત્કાર્યમાં જોડાય અને પુણ્ય કમાય. ટૂંકમાં જ્યાં જાઓ ત્યાં આપણી સંસ્કૃતિની એવી છાપ છોડો કે આખું જાપાન પણ આવે તો પણ આપણો વેરેલો કચરો વીણી ના શકે.

બીજું એ ખાસ ધ્યાન રાખીશ કે મારો અવાજ જાહેર સ્થળોએ, બસમાં કે ટ્રેનમાં બીજા કમસેકમ 25 લોકોને સંભળાય ( પ્લેનમાં આ પ્રયોગ કરવો નહિ કારણ કે ચાલુમાં જો ઉતારી મૂકે તો આપણને ઉડતા આવડતું નથી ). દરેક ભારતીયનો અવાજ બુલંદ જ હોવો જોઈએ. વિશ્વની કોઈ તાકાતની ઓકાત નથી કે એ આપણા અવાજ ને દબાવી શકે. અરે જેને ના ગમે એ તેલ લેવા જાય. મારો ગીતાપાઠથી પવિત્ર થયેલો, વેદ-ઉપનિષદના જ્ઞાનથી તરબતર અવાજ આ પૂર્વ અને પશ્ચિમની મલેચ્છ પ્રજા સંભળાશે તો કંઈક શીખશે. ‘Keep Silence’ ના અંગ્રેજીમાં લખેલા બોર્ડ સામે હું અવિનય કાનૂન ભંગ કરીશ. અનફોરચુનેટ્લી મને ઓડકાર આવતા નથી પણ જેને આવતા હોય એને એ પણ ખાધે રાખવા અને આજુબાજુના લોકોને બને એટલા બોલ્યા વગર પણ હેરાન કરે રાખવા.

ખરેખર જયારે જયારે વિદેશયાત્રાએ જવાનું થાય છે ત્યારે મને અપરણિત હોવાનો ખૂબ જ અફસોસ થાય છે. ઘણીવાર એમ થાય કે યાર જોડે જો ‘એક’ વાઈફ અને બે-ચાર ગંધાતા-રડારોળ કરતા-તોડફોડ કરી તોફાન મચાવતા બાળકો હોય તો હજી વધુ સારી રીતે દેશસેવા / સંસ્કૃતિ પ્રચાર કરી શકાય.  માવો-ગુટકા નથી ખાતો એનો પણ રંજ રહે છે કે વિદેશોના આવા સ્વચ્છ ખૂણાઓમાં પિચકારીથી ‘સાથિયો’ નથી દોરી શકાતો. કોઈ ગમેતે કહે, આપણે સુધારવાનું નથી. કારણ કે આપણે સનાતન ધર્મી આર્ય પ્રજા છેએ અને ઓલરેડી સુધારેલા જ છીએ. બીજા અજ્ઞાનીઓ આપણને શું ઉપદેશ આપવાના હતા.

31ની આસપાસ હું કુંભક પ્રાણાયામ દ્વારા સ્વચ્છ હવા અંદર ખેંચતો હોઈશ એટલે એડવાન્સમાં જ હેપી ન્યૂ યર. 2023માં દિલ્હી એરપોર્ટથી પાછા આવવાનું છે એટલે એક ફેફસામાં એટલો કુંભક કરીશ કે બીજા 10 દિવસ ઓક્સિજન ચાલશે. અને બીજા ફેફસામાં એટલો રિઝર્વ કવોટા રાખવો પડશે કે બીજા બે-ત્રણ મહિના બીજી કોઈ યાત્રા ના ગોઠવાય ત્યાં સુધી ચાલે. આવી દિવ્ય યોગિક ક્રિયાઓ કોઈને શીખવી હોય તો 1,00,000 ની દક્ષિણા સાથે મળવું. યોગના નામે અજ્ઞાનીઓની સંપત્તિના રેચક દ્વારા તો મારી આવી બીજી યાત્રાઓ શક્ય બની શકશે. 😉


Category : Gujarati Poem

વાયદા



સહુ કોઈ મન ફાવે તેમ ઝીંકે રાખો વાયદાઓ,
પાળવા  જ  પડશે એવા ક્યાં છે કાયદાઓ?!
પ્રજાને તો આમ પણ ક્યાં ભાન ન જ પડે છે,
તો મોટાભાઈ ઉઠાઓ મૂર્ખાઓના ફાયદાઓ!!



રાજનેતાનો લાઈવ ટીવી ઇન્ટરવ્યૂ

( આ એવો રાજનેતા છે કે જે ક્યારેય જીત્યો નથી અને એને હારવાનો કોઈ ભય નથી. અને તેથી જ કોઈ ભક્તિભાવવાળા, આડકતરી રીતે પોતાની જ માલિકીની ચેનલના ગુલામ કે પછી કોઈ સસલા જેવા સિનેમાના સ્ટાર પાસે જવાને બદલે એ ઓપન પબ્લિકમાં પોતાનો ઇન્ટરવ્યૂ ગોઠવે છે જ્યાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. )

પ્રશ્નકર્તા : સાલા ( દિલથી તો કોઈ ક્યારેય રાજનેતાઓને ‘લોકલાડીલા’, ‘માનનીય’.. કહેતું નથી ), આવા ખોટા વાયદા કરે છે. તું ચૂંટાઈને આખા ગુજરાતની પ્રજાને કેમનો આટલી મોંઘી મર્સીડીઝ કે બીએમડબ્લ્યૂ ઘેર ઘેર આપવાનો હતો?

રાજનેતા : સૌ પ્રથમ તો ‘સાલા’ ના આત્મીય સંબોધન બદલ આભાર પણ હું અપરણિત જ રહેવા માંગુ છું એટલે આપની બહેનને બીજે ક્યાંક ગોઠવવી.

હવે મુદ્દાની વાત. હા બીજા પક્ષોએ આપેલા વાયદા 70, 30 કે 10 વર્ષોમાં પુરા થયા નથી અને બીજા 1000 વર્ષોમાં પણ પુરા નથી થવાના. પણ અમે વાયદો પૂરો કરીશું. કારણ કે અમારે ગમેતેમ કરીને એક વાર સત્તા લેવી છે. વળી, તમારા જેવા અભણ-ગવાર, નાતી-જ્ઞાતિ, અંધશ્રદ્ધા ને વ્યસનોમાં પડેલા જાનવરો સમક્ષ શિક્ષણ, સુરક્ષા, સ્વાસ્થ્ય, રોજગારી જેવા મુદ્દા પર થુંક ઉડાડીને અમારે અમારી ડિપોઝીટ ડૂલ નથી કરવી.

ચૂંટાવા પાછળનું કારણ એ નથી કે અમને તમારા જેવા લલ્લુઓ પ્રત્યે કોઈ લાગણી છે. અમારા પક્ષે તો બીજી ટર્મમાં ચૂંટાવું પણ નથી. એક જ ટર્મમાં અમે એટલો ભ્રસ્ટાચાર કરી લઈશું ને બીજા કોઈ દેશમાં સેટલ થઇ જઈશું.

પ્ર : અલ્યા તારે જ્યાં સેટલ થવું હોય ત્યાં થજે પણ અમને મર્સીડીઝ કે બીએમડબ્લ્યૂ કેમનો આપીશ? રમકડાંની ગાડી આપીને ઉલ્લુ ના બનાવતો.

રા : મોટાભાઈ ઉલ્લુ, લલ્લુ ને એવા બીજા ઘણા હલકા સંબોધનોના લાયક તો તમે છો જ પણ હું તમને સાચી કરોડ રૂપિયાની ગાડી આપીશ એ નક્કી. મારે ક્યાં મારા ઘરના પૈસા કાઢવાના છે. તમારા જ ટેક્સના પૈસા ઉડાવીશ. ખૂટશે તો મોટા બિઝ્નેસમેનોને રાજ્યની બને તેટલી સંપત્તિ વેચીશ અને તમને જેમ લૂંટવા હોય એમ લૂંટવાની છૂટ આપીશ. આમેય તમે ક્યાં ચૂં કે ચાં કરવાના છો. છેલ્લા ત્રણ વાક્યો તો આજેય સાચા છે. ફર્ક એટલો છે કે એમાંથી તમને કાંઈ મળતું નથી. જયારે હું આપીશ.

પ્ર : પણ અમારે કોઈને ચાર બંગડીવાળી ગાડી જોઈતી હોય તો?
રા : ખોટું ના લગાડતા મોટાભાઈ પણ તમે તો ચાર બંગડીવાળી ‘ગાંડી’ ના પણ લાયક નથી. અને સાચું કહું તો તમારા જેવા નમાલા લોકો કોઈપણ ગાડી ચાર બંગડી પહેરીને ચલાવે એમાં જ શોભે છે. ( આ એક ફ્રેઝ છે, એટલે ફેમિનિસ્ટે માથે ફટાકડા ફોડવા નહિ )

10 વર્ષ પછી ….

લોકોએ એઝ યુઝ્યુઅલ, વધારે પૈસા આપનાર એટલે કે આપણા ઇન્ટરવ્યૂ આપનાર નેતાના પક્ષને ચૂંટ્યો. પક્ષે લોકોને ઘેર ઘેર ગાડી આપી. પક્ષના બધા નેતાઓએ વાયદા પ્રમાણે કરોડોનો ભ્રસ્ટાચાર કર્યો. આજે એ બધા એક ટર્મ પછી રીટાયર થઈને કોઈ યુરોપના દેશમાં જલસા કરે છે. પ્રજાને હવે સાઇકલ ચલાવવાના પણ ફાંફા છે. કારણ કે ગાડીઓ તો આવી પણ રોડ, ટ્રાફિક સેન્સ, પાર્કિંગ નથી અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ પેટ્રોલ એટલું મોંઘુ છે કે પૈસા નથી – કારણ કે નોકરીઓ નથી… ! હવે લોકો કહે છે કે આના કરતા તો મંદિરોવાળા નેતાઓની સરકાર લાવ્યા હોત તો સારું થાત,  એ દુઃખ દૂર તો ના કરત પણ આપણે એ મંદિરોમાં બેસીને દુઃખ દૂર કરવાના ભજન તો  કરત…. 😉