સ્વપનાઓ બધા સાકાર ના થાય તો હું શું કરું?
ધારેલો જિંદગીનો આકાર ના થાય તો હું શું કરું?
વિનંતી કરી તેં તો મન મૂકીને વરસ્યો લે,
પછી એ જ પુરમાં તું તણાય તો હું શું કરું?
વચન પર તારા વિશ્વાસ રાખી ઇંતજાર કર્યો લે,
પણ આ જિંદગી જ પુરી થઇ જાય તો હું શું કરું?
મીઠી સરિતા સંગ ચાલવાનો નિશ્ચય કર્યો હતો મેં,
પછી એ જ ખારો સાગર બની જાય તો હું શું કરું?
જમીન-આસમાનનો તફાવત પણ કાયમી નથી લે,
ક્ષિતિજ બતાવું છતાંય એ ના માને તો હું શું કરું?
એ કહે છે ‘હૃષી’ કે બોલીને પ્રેમનો એકરાર કરી લે,
પણ આ હોઠોને ચુમવાનું બંધ જ ના કરે તો હું શું કરું?
આગળની પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પણ એક કોલેજ કાળની રચના છે. આ લખ્યા પછી કવિશ્રીના જીવનમાં બીજી 20-22 દિવાળીઓ જતી રહી છે એટલે ‘હું શું કરું?’ ની જે અસમર્થતા ( inability ) અહીં વ્યક્ત થઇ છે એ વીતેલા વર્ષોની સાથે પાકટ થયેલી સમજણ સાથે જ જતી રહી છે. એટલે સુજ્ઞ વાચક મિત્રોએ કાંઈ ચિંતા કરવા જેવું નથી. જો કે મોટાભાગનું સહાધ્યાયી મિત્રમંડળ તો હજુ પણ એવીજ વિવશતામાં અટવાયેલું છે એટલે એ કાંઈ કરી શકે તેમ પણ નથી ! 😉
મહદ અંશે દરેક યુવા ( યુવા શબ્દ પે ગોર દીજીએ, આયુ પર નહિ ) હૃદયમાં એક ભભુકતો જ્વાળામુખી હોય છે. આ એ જ નૈસર્ગીક ઉર્જા છે જેના દ્વારા કોઈ પણ કામ શક્ય બને છે. સમય જતા આ ઉર્જા સાત્વિક, રાજસિક અને તામસિક એમ ત્રણ અવસ્થાઓમાં પરિણામે છે. સાત્વિક પરિણામ જાણવા રૂબરૂ મળો. 🙂 તામસિક પરિણામ વાળા રાજકારણમાં, અવળા આધ્યાત્મમાં, વ્યસનમાં અને બીજા કેટલાંય અગડંબગડં કામો કરી સ્વયં પોતાનો અને સાથે સાથે બીજા કેટલાય ભોળા/મુર્ખાઓનો વિનાશ નોતરતા નજરે પડશે. રાજસિક સ્વભાવ ધરાવતા સ્ત્રી-પુરુષો એ જ્વાળામુખી પર્વત પર કોઈ વિજાતીય ( અત્યાર સુધી, પણ હવે કાંઈ કહેવાય નહિ … ) દેવી/દેવતાની સ્થાપના કરે છે. આ વિધિવત સ્થાપનને લગ્નસંસ્થા દ્વારા પ્રમાણિત કર્યા પછી, જાતકની ઉર્જાની ક્ષમતા પ્રમાણે એક થી દસ વરસના અંતરાલમાં આવી વ્યક્તિઓ, વ્યવહારુ ભાષામાં કહીએ તો, ઠંડી પડી જાય છે. બાકીની આંશિક ઉર્જા તેઓ વાર-તહેવારે પોતાના જીવનસાથી પર, બાળકો પર કે પછી ઓફિસમાં સહકર્મીઓ પર કાઢે છે. 😉
ભલે આ લખાણમાં ‘હોશ કમ જોશ જ્યાદા’ છે પણ એ સાવ વ્યર્થ નથી કારણ કે આટલા વર્ષોના અનુભવ પછી એ જીવનને સાચી રીતે મૂલવવામાં એક સાપેક્ષબિંદુ ( રેફેરેંસ પોઇન્ટ ) આપે છે. શરાબી મુવીમાં મહાત્મા વિકીભાઇ ( અમિતાભ ) આસવની અસર હેઠળ પણ અમૃત વાક્ય કહે છે કે ‘મંઝિલે અપની જગહ હૈ રાસ્તે અપની જગહ…’. એમ જ ખરેખરતો આપણી ધારણાઓ એક જગ્યાએ અને જીવનની વાસ્તવિકતાઓ બીજી જગ્યાએ હોય છે. એ વાસ્તવિકતાઓને આપણા સ્વપ્નાઓનો આકાર આપવા જો સખત મહેનત કરીએ તો પરસેવાના ટીપાંથી ભલભલી સખત જમીન પોચી થાય છે. એ પોચી જમીનના અવિરત ખોદકામથી ભાગ્ય પ્રમાણે કોઈકને કોલસાની તો કોઈકને સોનાની ખાણ અચૂક મળશે. અને જો એ ખાણમાં કાંઈ ના મળે તો એમ સમજીને પોરસાવું કે આમ આપણી કબર આપણે જાતે જ ખોદી છે એટલે હવે જીવનના અંતમાં પણ કોઈની પાસે દફન કરાવવા મદદ નહિ માંગવી પડે. 😉
કભી દેખો મન નહીં જાગે.. પીછે પીછે સપનો કે ભાગે…
એક દિન સપનોકા રાહી.. ચલા જાયે સપનો કે આગે કહાં …. જિંદગી…. 🙂