Category : Gujarati Poem

હેપી ન્યુ યર



ૐ  તમને  સંભળાય છે પણ બ્રહ્માંડને કાંઈ નથી કહેવું,
સૂર્ય ને પૃથ્વીની રમતમાં માણસનું પ્રેક્ષક બનીને રહેવું,
અઘરું  છે  લોકો  માટે આ કંટાળાજનક જીવનને સહેવું,
માટે  કોઈક  દિવસ  આપણે એમને હેપી ન્યુ યર કહેવું.



આમતો હું આગામી દોઢેક મહિનો જલસા કરવા રખડવાનો છું પણ દંભી સમાજને આવું કહીએ તો ખોટું લાગે એટલે વિદેશ-“યાત્રા”ના નામથી જ એની પબ્લિસિટી કરીશ. દેશમાં તો કમુરતા ( કમુરતામાં તો જો કે હું માનતો નથી પણ હા કમોતે-મરતા અને મારતા લોકોમાં મારી દૃઢ આસ્થા છે ) આવશે એટલે કોઈ સારું કામ થઇ શકાશે નઈ ( હા, જાણે કે દેશ બાકીના 11 મહિનાઓમાં સારા કામો કરીને ઊંધો પડી જતો હોય ). અને આપણી તો પ્રકૃતિ જ એવી છે કે સદાચાર વગર રહી શકતી નથી તેથી અનિચ્છા છતાં સારું કામ કરવું હોય તો વિદેશ જ જવું પડે એમ છે. 😉

સત્કાર્યોની યાદીમાં પહેલું કામ એ કરવાનું છે કે વિદેશમાં જ્યાં જઈએ ત્યાં બને એટલો કચરો નાખવાનો છે. ત્યાં તો ડસ્ટબીન અનુકૂળ જગાએ અને પાછી ખાલી પણ હોય છે પણ આપડે તો બધું બહાર જ ફેંકવાના. મોંઘા ભાવની રેસ્ટોરન્ટમાં ઓર્ડર કર્યું હોય અને એંઠવાડ એના લોગોવાળા બોક્સ સાથે બહાર પડ્યો હોય તો લાગે કે ભારત એ ભુખ્યાઓનો દેશ નથી. એમના ત્યાં ગાયો રખડતી નથી અને એંઠવાડ ખાઈ જતી નથી એ એમનો પ્રોબ્લેમ છે. 😉

જુઓ આપણે કોઈપણ રીતે પૈસાદાર થઇ શકીએ છીએ પણ એક વાત તો નક્કી જ છે કે આપણે આવતા 1000 જન્મોમાં પણ સંસ્કારી થવાના નથી. માટે જો આપણે આપણા દેશનું સ્વચ્છતાનું રેન્કિંગ ઊંચું લાવવું હશે તો બીજા દેશોને ઉકરડામાં ફેરવે જ છૂટકો. એક સાચા આર્યપુત્ર અને દેશભક્ત તરીકે ગંદકી, ઘોંઘાટ અને અવ્યવસ્થિતતાના આપણા સંસ્કારોને દરેક દેશ સુધી પહોંચાડવાનો હું યથાશક્તિ પ્રયત્ન કરીશ. પણ મારાબેટા આ લોકોની વ્યવસ્થા એવી છે કે બધું જલ્દી જલ્દી ક્લીન કરી દે છે તો બીજા બધા પ્રવાસીઓ-યાત્રાળુઓને પણ મારી અપીલ છે કે એ પણ આ સત્કાર્યમાં જોડાય અને પુણ્ય કમાય. ટૂંકમાં જ્યાં જાઓ ત્યાં આપણી સંસ્કૃતિની એવી છાપ છોડો કે આખું જાપાન પણ આવે તો પણ આપણો વેરેલો કચરો વીણી ના શકે.

બીજું એ ખાસ ધ્યાન રાખીશ કે મારો અવાજ જાહેર સ્થળોએ, બસમાં કે ટ્રેનમાં બીજા કમસેકમ 25 લોકોને સંભળાય ( પ્લેનમાં આ પ્રયોગ કરવો નહિ કારણ કે ચાલુમાં જો ઉતારી મૂકે તો આપણને ઉડતા આવડતું નથી ). દરેક ભારતીયનો અવાજ બુલંદ જ હોવો જોઈએ. વિશ્વની કોઈ તાકાતની ઓકાત નથી કે એ આપણા અવાજ ને દબાવી શકે. અરે જેને ના ગમે એ તેલ લેવા જાય. મારો ગીતાપાઠથી પવિત્ર થયેલો, વેદ-ઉપનિષદના જ્ઞાનથી તરબતર અવાજ આ પૂર્વ અને પશ્ચિમની મલેચ્છ પ્રજા સંભળાશે તો કંઈક શીખશે. ‘Keep Silence’ ના અંગ્રેજીમાં લખેલા બોર્ડ સામે હું અવિનય કાનૂન ભંગ કરીશ. અનફોરચુનેટ્લી મને ઓડકાર આવતા નથી પણ જેને આવતા હોય એને એ પણ ખાધે રાખવા અને આજુબાજુના લોકોને બને એટલા બોલ્યા વગર પણ હેરાન કરે રાખવા.

ખરેખર જયારે જયારે વિદેશયાત્રાએ જવાનું થાય છે ત્યારે મને અપરણિત હોવાનો ખૂબ જ અફસોસ થાય છે. ઘણીવાર એમ થાય કે યાર જોડે જો ‘એક’ વાઈફ અને બે-ચાર ગંધાતા-રડારોળ કરતા-તોડફોડ કરી તોફાન મચાવતા બાળકો હોય તો હજી વધુ સારી રીતે દેશસેવા / સંસ્કૃતિ પ્રચાર કરી શકાય.  માવો-ગુટકા નથી ખાતો એનો પણ રંજ રહે છે કે વિદેશોના આવા સ્વચ્છ ખૂણાઓમાં પિચકારીથી ‘સાથિયો’ નથી દોરી શકાતો. કોઈ ગમેતે કહે, આપણે સુધારવાનું નથી. કારણ કે આપણે સનાતન ધર્મી આર્ય પ્રજા છેએ અને ઓલરેડી સુધારેલા જ છીએ. બીજા અજ્ઞાનીઓ આપણને શું ઉપદેશ આપવાના હતા.

31ની આસપાસ હું કુંભક પ્રાણાયામ દ્વારા સ્વચ્છ હવા અંદર ખેંચતો હોઈશ એટલે એડવાન્સમાં જ હેપી ન્યૂ યર. 2023માં દિલ્હી એરપોર્ટથી પાછા આવવાનું છે એટલે એક ફેફસામાં એટલો કુંભક કરીશ કે બીજા 10 દિવસ ઓક્સિજન ચાલશે. અને બીજા ફેફસામાં એટલો રિઝર્વ કવોટા રાખવો પડશે કે બીજા બે-ત્રણ મહિના બીજી કોઈ યાત્રા ના ગોઠવાય ત્યાં સુધી ચાલે. આવી દિવ્ય યોગિક ક્રિયાઓ કોઈને શીખવી હોય તો 1,00,000 ની દક્ષિણા સાથે મળવું. યોગના નામે અજ્ઞાનીઓની સંપત્તિના રેચક દ્વારા તો મારી આવી બીજી યાત્રાઓ શક્ય બની શકશે. 😉