સહુ કોઈ મન ફાવે તેમ ઝીંકે રાખો વાયદાઓ,
પાળવા જ પડશે એવા ક્યાં છે કાયદાઓ?!
પ્રજાને તો આમ પણ ક્યાં ભાન ન જ પડે છે,
તો મોટાભાઈ ઉઠાઓ મૂર્ખાઓના ફાયદાઓ!!
રાજનેતાનો લાઈવ ટીવી ઇન્ટરવ્યૂ
( આ એવો રાજનેતા છે કે જે ક્યારેય જીત્યો નથી અને એને હારવાનો કોઈ ભય નથી. અને તેથી જ કોઈ ભક્તિભાવવાળા, આડકતરી રીતે પોતાની જ માલિકીની ચેનલના ગુલામ કે પછી કોઈ સસલા જેવા સિનેમાના સ્ટાર પાસે જવાને બદલે એ ઓપન પબ્લિકમાં પોતાનો ઇન્ટરવ્યૂ ગોઠવે છે જ્યાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. )
પ્રશ્નકર્તા : સાલા ( દિલથી તો કોઈ ક્યારેય રાજનેતાઓને ‘લોકલાડીલા’, ‘માનનીય’.. કહેતું નથી ), આવા ખોટા વાયદા કરે છે. તું ચૂંટાઈને આખા ગુજરાતની પ્રજાને કેમનો આટલી મોંઘી મર્સીડીઝ કે બીએમડબ્લ્યૂ ઘેર ઘેર આપવાનો હતો?
રાજનેતા : સૌ પ્રથમ તો ‘સાલા’ ના આત્મીય સંબોધન બદલ આભાર પણ હું અપરણિત જ રહેવા માંગુ છું એટલે આપની બહેનને બીજે ક્યાંક ગોઠવવી.
હવે મુદ્દાની વાત. હા બીજા પક્ષોએ આપેલા વાયદા 70, 30 કે 10 વર્ષોમાં પુરા થયા નથી અને બીજા 1000 વર્ષોમાં પણ પુરા નથી થવાના. પણ અમે વાયદો પૂરો કરીશું. કારણ કે અમારે ગમેતેમ કરીને એક વાર સત્તા લેવી છે. વળી, તમારા જેવા અભણ-ગવાર, નાતી-જ્ઞાતિ, અંધશ્રદ્ધા ને વ્યસનોમાં પડેલા જાનવરો સમક્ષ શિક્ષણ, સુરક્ષા, સ્વાસ્થ્ય, રોજગારી જેવા મુદ્દા પર થુંક ઉડાડીને અમારે અમારી ડિપોઝીટ ડૂલ નથી કરવી.
ચૂંટાવા પાછળનું કારણ એ નથી કે અમને તમારા જેવા લલ્લુઓ પ્રત્યે કોઈ લાગણી છે. અમારા પક્ષે તો બીજી ટર્મમાં ચૂંટાવું પણ નથી. એક જ ટર્મમાં અમે એટલો ભ્રસ્ટાચાર કરી લઈશું ને બીજા કોઈ દેશમાં સેટલ થઇ જઈશું.
પ્ર : અલ્યા તારે જ્યાં સેટલ થવું હોય ત્યાં થજે પણ અમને મર્સીડીઝ કે બીએમડબ્લ્યૂ કેમનો આપીશ? રમકડાંની ગાડી આપીને ઉલ્લુ ના બનાવતો.
રા : મોટાભાઈ ઉલ્લુ, લલ્લુ ને એવા બીજા ઘણા હલકા સંબોધનોના લાયક તો તમે છો જ પણ હું તમને સાચી કરોડ રૂપિયાની ગાડી આપીશ એ નક્કી. મારે ક્યાં મારા ઘરના પૈસા કાઢવાના છે. તમારા જ ટેક્સના પૈસા ઉડાવીશ. ખૂટશે તો મોટા બિઝ્નેસમેનોને રાજ્યની બને તેટલી સંપત્તિ વેચીશ અને તમને જેમ લૂંટવા હોય એમ લૂંટવાની છૂટ આપીશ. આમેય તમે ક્યાં ચૂં કે ચાં કરવાના છો. છેલ્લા ત્રણ વાક્યો તો આજેય સાચા છે. ફર્ક એટલો છે કે એમાંથી તમને કાંઈ મળતું નથી. જયારે હું આપીશ.
પ્ર : પણ અમારે કોઈને ચાર બંગડીવાળી ગાડી જોઈતી હોય તો?
રા : ખોટું ના લગાડતા મોટાભાઈ પણ તમે તો ચાર બંગડીવાળી ‘ગાંડી’ ના પણ લાયક નથી. અને સાચું કહું તો તમારા જેવા નમાલા લોકો કોઈપણ ગાડી ચાર બંગડી પહેરીને ચલાવે એમાં જ શોભે છે. ( આ એક ફ્રેઝ છે, એટલે ફેમિનિસ્ટે માથે ફટાકડા ફોડવા નહિ )
10 વર્ષ પછી ….
લોકોએ એઝ યુઝ્યુઅલ, વધારે પૈસા આપનાર એટલે કે આપણા ઇન્ટરવ્યૂ આપનાર નેતાના પક્ષને ચૂંટ્યો. પક્ષે લોકોને ઘેર ઘેર ગાડી આપી. પક્ષના બધા નેતાઓએ વાયદા પ્રમાણે કરોડોનો ભ્રસ્ટાચાર કર્યો. આજે એ બધા એક ટર્મ પછી રીટાયર થઈને કોઈ યુરોપના દેશમાં જલસા કરે છે. પ્રજાને હવે સાઇકલ ચલાવવાના પણ ફાંફા છે. કારણ કે ગાડીઓ તો આવી પણ રોડ, ટ્રાફિક સેન્સ, પાર્કિંગ નથી અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ પેટ્રોલ એટલું મોંઘુ છે કે પૈસા નથી – કારણ કે નોકરીઓ નથી… ! હવે લોકો કહે છે કે આના કરતા તો મંદિરોવાળા નેતાઓની સરકાર લાવ્યા હોત તો સારું થાત, એ દુઃખ દૂર તો ના કરત પણ આપણે એ મંદિરોમાં બેસીને દુઃખ દૂર કરવાના ભજન તો કરત…. 😉