એનો સ્વાદ ચાખ્યા પછી રસો બીજા ફિક્કા લાગે,
મંગળમય બને બધું જયારે આપનું અંતરમન જાગે,
જે અજ્ઞાની રહીને ઉંચકે એને આ જીવન ભાર લાગે,
હોય ગિરિધરનો સાથ તો ભલે ગોવર્ધન મારા ભાગે,
જય રણછોડ બોલી રડારોળ કરે એ તો વેવલો લાગે,
સાચો ભક્ત તો વાંસળીના સુર સાથે જ સુદર્શન માંગે,
દંભી ત્યાગ વૈરાગ્યની વાતોથી તો લોક ભિખારી લાગે,
માધવ તો ચોરે એનું જ ચિત્ત, જેની મટકી ભરેલી લાગે,
સાથ મળે જો શ્રીકૃષ્ણનો તો કશું ના અશક્ય લાગે,
આત્મતેજના અજવાળા પછી હૃષી બીજું શું માંગે?!
એક સરકારી અધિકારી પ્રિન્ટિંગ પ્રેસ વાળાને ફોન કરે છે…
સરકારી અધિકારી ( હવે ‘સ’ થી સંબોધીશું ) : હેલો, ____ ભાઈ, _____ ખાતામાંથી બોલું. તમને જે ગીતા પાઠ્યપુસ્તક તરીકે છાપવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે એમાં સાહેબે થોડો સુધારો સૂચવ્યો છે.
પ્રેસવાળો ( ‘પ’ ) : __ભાઈ, નક્કી કર્યા પ્રમાણે ટોટલના 60% તો લાગતા વળગતાઓને અમને તો કોન્ટ્રાક્ટનો પહેલો હપ્તો પણ નથી મળ્યો છતાં ઓલરેડી ચૂકવી દીધા છે પછી હવે આ સુધારો…
સ ( ‘પ’ ને વચ્ચેથી અટકાવીને ) : અરે ધીરજ રાખો, વાત પૈસાની નથી પણ ચોપડીની અંદરના એડિટિંગની છે.
પ : એમ બોલોને સાહેબ, શું ચેન્જીસ કરવાના છે? કેમ છપાતા પહેલા મંત્રીશ્રી બદલાઈ જવાના છે? તો આભારવાળું પેજ બાકી રાખીએ.
સ: ના ના, આ તો મોટા સાહેબે ઉપરથી કહેવડાવ્યું છે તો હવે કહું એ ફેરફાર નોંધી લેજો.
પ: બોલો..
સ: પેલો શ્લોક છે ને.. ‘કરિષ્યે વચનં તવ ..’
પ: હા અઢારમા અધ્યાયનો જયારે અર્જુન કહે છે કે હે કેશવ હવે હું આપ કહેશો એમ જ કરીશ.
સ: હા એ જ. એ ને પહેલા અધ્યાયમાં જ મુકવાનો છે. બને તો પહેલો જ.
પ: પણ સાહેબ…
સ: અરે વચ્ચે ના બોલો, સૂચના પ્રમાણે કરો. સાહેબ ને ‘ના’ પસંદ નથી ખબર છે ને? હવે બીજું એ કે એમાં જે પાંડવો-કૌરવોનું યુદ્ધ છે એને ટ્વિસ્ટ કરીને આપણું અને વિધર્મિઓનું બતાવવાનું છે.
પ: પણ સાહેબ …
સ: કહ્યુંને કે વચ્ચે ના બોલો. પછી કોઈક અધ્યાયમાં ભભૂતિ કે એવું કાંઈ આવે છે…
પ: ભભૂતિ નહીં વિભૂતિ, 10મોં અધ્યાય..
સ: હા એ જ.. આ શ્રાવણમાસ શિવ સ્તુતિ કરવાંમાં ભુલાઈ જવાયું. તો એમાં એક શ્લોક ક્યાંક એડ કરજો કે ‘મંત્રીનામ ___અસ્મિ’, …એટલે કે તમામ મંત્રીઓમાં હું ___ છું, કારણ કે સાહેબને આપણે એક અવતાર બતાવવાના છે. જેમ પાંડવોમાં હું અર્જુન છું એવું જ. પછી બીજા ચેન્જીસ માં લખો કે.. ‘વોટે વા ધિકારસ્તે.. ન ફલેષુ કદાચન’ .. ‘સર્વ પાર્ટીનામ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ’ …
પ: અરે અરે સાહેબ.. પણ ગીતા જેવા પવિત્ર ધર્મગ્રંથ સાથે આવા ચેંડા કેમ કરાય?
સ: __ભાઈ, આ દેશમાં દરેક સંપ્રદાય, આશ્રમવાળા, પંથ, બાવા-સાધુની જમાતો, ગાદીપતિઓ વગેરે વગેરે મનફાવે એમ ભગવાનના દરેક ઉપદેશનું અર્થઘટન કરી શકતા હોય તો રાજકારણીઓ કેમ નહિ? માટે એની ચિંતા ના કરો, ફક્ત સાહેબ કહે છે એમ કરો. આ છેલ્લી લીટી ભવિષ્યમાં કોઈની સાથે રિપીટ ના કરાવી પડે એટલે જ સાહેબે પેલો શ્લોક પહેલો લેવડાવ્યો છે. જોયું સાહેબ કેવા દીર્ઘદર્શી છે ( મનોમન પ્રણામ કરે છે ).
પ: પણ વિદ્યાર્થીઓ નું શું? એ શું બોધપાઠ લેશે? વળી જો વાલીઓ આવા પુસ્તકનો વિરોધ કરશે તો?
સ: ડોન્ટ વરી, __ભાઈ. આ દેશમાં વિદ્યાર્થીઓ કોઈ બોધ લેતા નથી એટલે તો બુધ્ધુઓનું રાજ ચાલે છે. એ જેમ પેલું ગોખે છે એમ આ પણ ગોખસે. માર્ક લેવા તો એ મદારીને પણ મામા કહેશે. વાલી-બાલી ની ચિંતા છોડો. ફી વધારામાં કે શિક્ષણના આટલા ઘટિયા સ્ટાન્ડર્ડમાં એ કાંઈ ચૂં કે ચાં નથી કરતા તો આમાં શું બોલવાના. અને બોલે તોએ શું ઉકાળી લેવાના…( ખડખડાટ હસી પડે છે )… 😉
……બોલો શ્રી ક્રિષ્ન કનૈયાલાલ કી જય …. 🙂