બને તો કોઈનો જીવનમાં ક્યારેય એટલો વિશ્વાસ ન કર,
અથવાતો વિશ્વાસઘાતનું નામ આપી એને બદનામ ન કર,
મૌત જો માંગે તો ખુશીથી આપી દેજે આ જિંદગી એને,
આટલા વરસ સાચવી છે કહી એના પર અધિકાર ન કર,
સંજોગોએ બતાવી છે રાહ અને કિસ્મતે કૃપા કરી છે,
મળી છે જો આ કીર્તિ તો હવે એનું અભિમાન ન કર,
સવાલ જો કરે ખુદા કયામતમાં તો કહી દેજે કે વધુ તહકીકાત ન કર,
નક્કી કરીને જ મોકલે જો નિયતિ, તો કરેલી ભૂલોની હવે સજા ન કર,
મારા-તારાની વિચારધારાની પણ ત્યાંજ ભૂલ થાય છે ખરેખર,
આપે જો પ્રેમ એકને તો હવે બીજાને ધિક્કારવાની વાત ન કર,
બનાવીને આ દુનિયા હવે તો એ પણ પછતાય છે હૃષી,
પણ હવે જીવન એવું જીવ કે ઈશ્વરને વધુ નિરાશ ન કર.
આજની અને હવે પછીની બીજી 4-5 રચનાઓ અંદાજે 20-25 વરસ પહેલાની છે. ( હા, ઘણાને નવાઈ લાગશે પણ 2014 પહેલાં પણ આ ગ્રહ પર જીવન શક્ય હતું. ) એક સહાધ્યાયી મિત્રના છેલ્લા દસ-પંદર વર્ષોના અવિરત સત્યાગ્રહે છેવટે આજે મને માળીયા પર ચઢી પ્રાગઐતિહાસીક-કાલીન અવશેષો શોધવા મજબુર કર્યો. મને તો ખાતરી જ હતી કે આપણે કોઈ મહમ્મદ ગઝની નથી અને આ માળિયું કોઈ ગુજરાતનું સોમનાથ નથી કે જેટલીવાર ચડાઈ કરો એટલીવાર હીરામોતી જ હાથ લાગે. પણ લાગે છે કે રામનવમી અને હનુમાનજયંતીનો યોગ ભાડુતી લુખ્ખાઓ લાવીને કોમી રમખાણો કરાવી વોટ મેળવનાર રાજકારણીઓની જેમ મને પણ ફળ્યો. ( ખાસ નોંધ : પ્રજાની ઘોર મૂર્ખતાના લીધે એમને તો દર વખતે ફળે છે ) 😉
જન્મથી જ કર્મયોગીના સંસ્કાર હોવાથી, કોઈ સઘન કર્તાભાવના અભાવે મેં ક્યારેય આવા કોઈ સાહિત્યિક લખાણવાળા કાગળોની જાળવણી પ્રત્યે રુચિ દર્શાવી નથી. એક 50 પાનાની ડાયરીમાં જેણે આખું એન્જીનીયરીંગ પૂરું કર્યું હોય અને છતાં અડધા પાના કોરા હોય એવી વ્યક્તિ જોડે બીજી કઈ અપેક્ષા હોય. એ જ આળસ મારા અક્ષરોમાં પણ પ્રતીત થાય છે. પણ હું એમ પણ કહી શકું કે વર્ષો પહેલા જયારે આ પૃથ્વીને બચાવવા કોઈ ગ્રેટા થનગનતી નહોતી ત્યારનો ‘કાર્બન ફૂટપ્રિન્ટ’ બને એટલી ઓછી રાખવાનો મારો પ્રયત્ન હતો. 😉
હવે જે થોડા જર્જરિત કાગળો હાથ લાગ્યા છે એમાંથી, લિપિ ગુજરાતી હોવા છતાં એ કાંઈ દીપી ઉઠે એવી નથી એટલે, જેટલું વંચાશે એટલું પીરસાશે. 🙂