ક્ષુલ્લક પ્રેમ ઇશ્ક મહોબ્બતનું વેવલાપણું;
મારી કવિતામાં નથી,
મતિ વ્યંધ વ્યસનીઓનું બેવળાપણું;
મારી કવિતામાં નથી,
ફકત સુરા સાકીની કરે વાહ વાહ,
એવા દારૂડિયાઓને કાંઈ દેવાપણું નથી,
સહારા તરસ ને રણના ઝરણના મૃગજળનું,
કાંઈ આભાસીપણું નથી,
પ્રેમીનો વ્યર્થ વિરહ, વ્યસનીની વ્યર્થ વ્યથા,
કે અજ્ઞાનનું આંધળાપણું નથી,
કોઈ દંભીનો વાણીવિલાસ, પ્રપંચીનો પાખંડ,
પોતીકું કે પારકાપણું નથી,
આનંદ ઉલ્લાસ અને આત્મચિંતન છે,
રાવ રોકકળ અને રોતલપણું નથી,
રમત રોમાન્ચ અને રમ્યતા છે,
રિક્ત રોષ-દોષ અને ઉચ્છુણખલપણું નથી,
વિરાટ છું હું, તો એવોજ વિચાર આપીશ,
કોઈ અગણ્ય અલ્પ અણુ નથી,
શબ્દોમાં જીવ જગત અને ઈશ્વરને આવરી લીધા,
‘હૃષી’ એય શું ઘણું નથી?
મારા મતે સારો સર્જક એ છે કે જે વાચક માટે નહિ પણ ‘વિચાર’ માટે સર્જન કરે છે. જો વપરાશકારોની ઈચ્છાને અનુરૂપ જ વસ્તુ બનાવવાની હોત તો એપલ કંપની, એક તરબૂચ જેવી બનવાના બદલે હજુ પણ ચણીબોર જેટલી જ હોત. 😉
એ જ રીતે જો વાહવાહી માટે જ કાંઈ લખવું હોત તો હું પણ હજુ ‘ચાંદી જેસા રંગ, સોને જેસે બાલ…’ પર જ અટક્યો હોત. પણ ઈશ્વરકૃપાથી યોગ્ય સમયે સદબુદ્ધિ પ્રાપ્ત થયેલી છે અને વિવિધ વિચારોને શબ્દોમાં મુકવાની સમજણ મળે જાય છે.
ઘણીવાર વાચકો લેખકના વ્યંગ અને વ્યક્તિગત વિચાર વચ્ચેનો ભેદ સમજતા નથી. તમે કોઈનો વ્યંગ કરો એનો મતલબ એવો નથી કે તમે એનો વિરોધ કરો છો. ખરેખર તો વિરોધ એ વ્યંગની અંદર છુપાયેલા વિચારનો હોય છે, વ્યક્તિ કે સંસ્થા કે સમાજનો નહિ. જયારે કોઈ આધ્યાત્મિક અથવા બીજા કોઈ ગહન વિષય પર રચના હોય ત્યારે જ એમાં મારો વ્યક્તિગત અભિપ્રાય કે સંવેદના હોય છે. બાકી બધી વ્યંગ રચના તો ફક્ત નિર્દોષ હાસ્ય માટે છે.
હું દંભી નથી અને મારી કોઈ સ્પેસિફિક ઈમેજ – ચોક્કસ માનસિક છબી ઉભી કરાવવાનો ઈરાદો નથી, તેથી હું કોઈ પણ વિષય પર બેધડક મારો સ્વતંત્ર અભિપ્રાય આપી શકું છું.
કવિતાનું માધ્યમ પસંદ કરવા પાછળનો આશય એટલો જ કે, બહુ ઓછા લોકો કવિતા વાંચે છે. વળી, વાંચે એમાંથી ભાગ્યે જ કોઈ સમજી શકે છે. જો તમે સીધા વાક્યોમાં કોઈ વ્યક્તિ, વિચાર કે દુષણ વિષે બોલો તો આજના સમયમાં સાવધાની રાખવી પડે એમ છે. પરંતુ કવિતામાં તમે કાંઈ પણ કહી શકો છો અને મુર્ખાઓની મગજમારી માંથી છટકી શકો છો. 😉
અંતમાં એ પણ કહેવાનું કે કોઈ ભાષા બચાવવાના, સમાજ સુધારણાના, વ્યસન મુક્તિના, ધર્મ શુદ્ધિના કે જ્ઞાન-પ્રેરણાના ઉપદેશો આપવાના કોઈ પણ ઝંડા લઈને આપણે ફરતા નથી. હું તો બસ બબૂચકોથી બેફિકર રહીને અસ્તિત્વનો આનંદ લૂટું છું અને લૂંટાવું છું. મસ્ત, મોજીલા અને મેધાવી હોય એ જ આવે… પપ્પુઓ માટે પ્રવેશનિષેદ્ધ. 😉