Category : Gujarati Poem

WhatsApp વિભૂતિ



( હાસ્ય કવિતા )

જયારે  જયારે  અમે  WhatsApp  ગ્રુપ ખોલ્યા છે,
જોયું છે કે ડફોળશંકરો એ ખુબ ડહાપણ ડોહળ્યાં છે,

ઉઠતા-બેસતા, ઊંઘતા-જાગતા, જાણતા-અજાણતા,
ફેકુ  ફકીરોએ  દે  ઠોક ફૉર્વર્ડના  ફુગ્ગા  છોડ્યા છે,

ડાહી ડાહી વાતો  વાંચીને કયારેક એવું પણ લાગે,
નરસિંહના વૈષ્ણવજન તો બધા અહીં જ પડ્યા છે,

ભલે  પછી  એ  હોય અજાણ્યાની  કોઈ  પણ  સંવત્સરી,
એક પાછળ બીજા ગદર્ભે શુભેચ્છાના સુર અચૂક રેલ્યા છે,

રાષ્ટ્રીય કે વૈશ્વિક જાતભાતના દિવસોની તો વાત ના કર,
વરસમાં 365 દિવસ નવરાઓએ આજ નોરતા ખેલ્યા છે,

WhatsApp પર ખાલી મગજ અને નાદાન સમજના,
ઘણા  મહારથી  મર્કટ  અમે  દિવસ  રાત ઝેલ્યા છે,

મૂર્ખાઓને  કોઈ વિષયનું અલ્પજ્ઞાન કે અજ્ઞાન ક્યાં નડે છે,
વગર વિચાર્યે બસ એકમાંથી બીજા ગ્રૂપમાં મેસેજ ઠેલ્યા છે,

જે જડભરત કદી  એક સીધું વાક્ય ના રચી કે સમજી શકે,
એણે  પણ  બુદ્ધિહીન  બકવાસથી  ઘણા  જંગ  ખેલ્યા  છે,

ના  સમજાય  તો  પહેલા  મુંગા  મરતા  આ  બધા  ઢોર,
સોશ્યિલ  મીડિયાએ   હવે  ચારેકોર  રખડતા  મેલ્યા  છે,

મર્મ વગર ક્યારેય કશું પોસ્ટ ન કરવું એ સત્ય જાણી અને પાળી,
મહાત્મા ‘હૃષી’, જનહિતાર્થે હંમેશા ફક્ત અમૃત વચનો જ બોલ્યા છે.



Are you also one of the WhatsApp Vibhuti??!! 😉 LOL